Saturday, November 19, 2005

સરસ પ્રયત્નો રજૂ કરતી સુંદર વેબસાઈટ

આજે નેટ પર ફરતા ફરતા એક સુંદર વેબસાઈટ મળી અને વાંચકોને તેની માહિતિ આપવાની ઈચ્છા રોકી શકાઈ નહિ. આશા રાખુ કે આજ રીતે લોકશક્તિમાં વિશ્વાસ રાખીને વૃક્ષારોપણનું કાર્ય પણ મોટા પાયે ગુજરાતમાં થાય તો ગુજરાતની આબોહવા અને તાસીર બન્ને બદલાઈ જશે.
http://guj.wasmo.org/default.htm

તમે આ વેબસાઈટની મુલાકાત લઈને તમારા અભિપ્રાયો જરૂરથી વ્યક્ત કરશો.

સિદ્ધાર્થ શાહ

Thursday, November 17, 2005

મને યાદ આવે છે...

નેટ પર ફરતા ફરતા આ કવિતા મળી ગઈ. ગુજરાતી યાહૂ ગ્રુપમાં આ કવિતા ચિત્રલેખા ઉપનામથી પ્રસિદ્ધ થઈ છે અને કદાચ કવિયત્રીનું નામ ચિત્રલેખા હશે એમ માનુ છું. આ કવિતામાં હ્રદયની વેદના, વતનની યાદ અને પરસ્પર વિરોધાભાસી સરખામણી સુંદર રીતે થઈ છે. હું પોતે વડોદરાનો રહેવાસી છું પણ કદાચ આ કવિતા કોઈપણ ભારતીય માટે એટલી જ સાચી છે જેટલી અમદાવાદી માટે...

આશા રાખુ કે તમને ગમશે.


'ચીકન','મેગનગેટ' ખાઉં છું ત્યારે દોસ્તો
પેલી ઝૂંપડીના દાળવડાં બહુ યાદ આવે છે.

'કલ-દ-સેંડ, 'ટુ-સ્ટોરી' કે 'થ્રી કાર ગેરેજ' લેશુ
અરેરે...ફૂટપાથ પર જીવન ગુજારતા કરોડો યાદ આવે છે.

'બીગ મેક' ને 'વોફર' કે 'ટાકોની' ભાંજગડમાં
પોળની પટલાણીનો મીઠો રોટલો બહુ યાદ આવે છે.

'સેવન-અપ', 'કોક' કે 'પેપ્સી' કે પછી રમ લેશો?
ભોળી ભરવાડણની ખાટી છાશ યાદ આવે છે.

કૂતરાં બીલાડીનાં કાજે વેચાતા મોંઘા 'ડીનરો' જોતાં
ગલીના છેડે ચાટમાંથી ખાતાં ભીખારુ યાદ આવે છે.

એપલ ખાઈશ કે આઈસ્ક્રીમ અમારા 'એ' પૂછે છે
ત્યારેમોટાકાકીની સુખડી અને કુલેર બહુ યાદ આવે છે.

જુનીયર 'પેડમેન' રમશે કે 'અદીદાસ' પહેરીને સોકર!
ભીંત પર કોલસાથી ચીતરેલ ક્રિકેટના સ્ટમ્પસ બહુ યાદ આવે છે.

'વીક એન્ડ' થતા 'કે માર્ટ' જાશું કે 'સીઅર્સ' કે 'મેઈસીસ'માં?
ધીખતી ધરા પર ઉઘાડ પગે ગાડું ઢસડતી મજૂરણ યાદ આવે છે.

કહેવાતા કલ્ચરલ 'પ્રોગ્રામો' અને 'બર્થ ડે' યા 'શાવર' પાર્ટીમાં
કલાપીએ વર્ણવેલ ખુશામતના ખજાના યાદ આવે છે.

વર્ષોના વ્હાણા વાયા આ અમેરિકન ખૂની ભભકા માહે,
'દર્દેજીગર' ને ગાંડુ ઘેલુ પેલું અમદાવાદ યાદ આવે છે.

-ચિત્રલેખા (Chitralekha)

Saturday, November 05, 2005

અધીરૂં મન

તહેવારોની આ મોસમમાં વતનની યાદ આવ્યાં વગર રહેતી નથી. બાળપણનાં સુંદર સ્મરણો આ વખતે આંખની સમક્ષ તાદ્શ થઈ જાય છે. તેને વાંચા આપતી આ સુંદર કવિતા અત્રે પ્રસ્તૂત છે. આશા રાખુ કે આપ સર્વેને એ પસંદ પડશે.


જઈ રહ્યો છુ વતન!
થોડી ક્ષણોમાં -
થશે મુલાકાત !
માના ચરણો ચાંપવા
સ્વજનોની સ્નેહવર્ષામાં ભીંજાવા
થઈ રહ્યું અધીરૂં મન!

છેલ્લાં કેટલાંય વર્ષો ફગાવી
શેરીના શોરમાં શૈશવને શોધવા
રંગોળીના રંગમાં દિલને ઢાળવા
પિચકારીના કેસૂડાંની સેર પર સરવા
છાપરે પતંગોની ઢીલ પર ઝૂલવા
થઈ રહ્યું અધીરૂ મન !

એ જ પ્રાથમિક શાળાનો ઓટલો
અને ચણા મમરા વેચતો ફેરિયો
દોસ્તો સામે લંગડી-હુતુજી
ચોકમાં ફરકતા ધ્વજને વંદન કરવા
ઝંડા ઊંચા રહે હમારાનું જયગાન ગાવા
થઈ રહ્યું અધીરૂં મન!

મીઠા સંસ્મરણો વાગોળતાં-
દિવા સ્વપ્નમાં આવ્યો આંચકો!
વિમાને કર્યું ધરતીને ચુંબન
સલામતીની સર્વે સૂચનાઓ અવગણી
બહાર ઘસી વતનની સોડમ લેવા
થઈ રહ્યું અધીરૂં મન !

-કિરીટ મોદી "આક્રોશ (Kirit Modi "Aakrosh")

Friday, November 04, 2005

શુભ દિપાવલી અને નૂતન વર્ષાભિનંદન


વાંચકમિત્રો,

છેલ્લો મહિનો અતિ વ્યસ્ત રહ્યો તેથી મારી ઈચ્છા મુજબ બ્લોગ અપડેટ થઈ શક્યો નથી તેનો ખેદ છે. સાથે સાથે તહેવારોના સુંદર દિવસો ચાલી રહ્યા હોવાથી મારી શુભેચ્છાઓ પાઠવી રહ્યો છુ.

શુભ દિપાવલી અને નૂતન વર્ષાભિનંદન

Tuesday, October 11, 2005

મનને સમજાવો નહિ

નીચેની પંક્તિઓ મોકલવા બદલ નેહલભાઈનો ઘણૉ જ આભાર...નેહલભાઈ પોતે ગુજરાતી સાહિત્યમાં ઘણૉ જ રસ ધરાવે છે. નેહલભાઈ તમે મોકલાવેલ બીજી રચનાઓ પણ સમયાંતરે રજૂ કરતો રહીશ.


મનને સમજાવો નહિ કે મન સમજતુ હોય છે,
આ સમજ, આ અણસમજ એ ખુદ સરજતુ હોય છે.

-રાજેન્દ્ર શુક્લ

Friday, October 07, 2005

એક ઘા

તે પંખીની ઉપર પથરો ફેકતાં ફેકી દીધો,
છૂટયો તે ને અરરર! પડી ફાળ હૈયા મહીં તો!
રે રે! લાગ્યો દિલ પર અને શ્વાસ રૂંધાઇ જાતાં
નીચે આવ્યું તરુ ઉપરથી પાંખ ઢીલી થતાંમાં.

મેં પાળ્યું તે તરફડી મરે હસ્ત મ્હારા જ-થી આ,
પાણી છાંટયું દિલ ધડકતે ત્હોય ઊઠી શક્યું ના;
ક્યાંથી ઊઠે? જ્ખમ દિલનો ક્રૂર હસ્તે કરેલો!
ક્યાંથી ઊઠે! હ્રદય કુમળું છેક તેનું અહોહો!

આહા! કિન્તુ કળ ઊતરી ને આંખ તો ઊધડી એ,
મ્રૂત્યુ થાશે? જીવ ઊગરશે? કોણ જાણી શકે એ?
જીવ્યું, આહા! મધુર ગમતાં ગીત ગાવા ફરીને,
આ વાડીનાં મધુર ફલને ચાખવાને ફરીને.

રે રે! કિન્તુ ફરી કદી હવે પાસ મ્હારી ન આવે,
આવે ત્હોયે ડરી ડરી અને ઇચ્છતું ઊડવાને;
રે રે! શ્રદ્ધા ગત થઇ પછી કોઇ કાળે ન આવે,
લાગ્યા ઘાને વીસરી શકવા કાંઇ સામથ્યૅ ના છે.

-સુરસિંહજી તખ્તસિંહજી ગોહીલ (કલાપી) (Kalapi)

Wednesday, October 05, 2005

ફરવા આવ્યો છું

વાંચકમિત્રો, આ પહેલા આ જ બ્લોગ પર નિરંજન ભગતની 'ચાલ ફરીએ' કવિતા રજૂ કરેલ, આજે તેમની બીજી એક કવિતા પ્રસ્તૂત છે.

હું તો બસ ફરવા આવ્યો છું.
હું ક્યાં એકે કામે તમારું કે મારું કરવા આવ્યો છું?

અહીં પથ પર શી મધુર હવા
ને ચહેરા ચમકે નવા નવા!
-- રે ચાહું ન પાછો ઘેર જવા!
હું ડગ સાત સુખે ભરવા અહીં સ્વપ્રમહીં સરવા આવ્યો છું!

જાદુ એવો જાય જડી
કે ચાહી શકું ચાર ઘડી
ને ગાઇ શકું બે ચાર ઘડી
તો ગીત પ્રેમનું આ પ્રુથ્વીના કર્ણપટે ધરવા આવ્યો છું.
હું તો બસ ફરવા આવ્યો છું.

- નિરંજન ભગત (Niranjan Bhagat)

Monday, October 03, 2005

વાતોની કુંજગલી

વાતે વાતે તને વાંકું પડયું :
ને મેં વાતોની કુંજગલી છોડી દીધી.
શબ્દોને પંથ કોણ કોને નડયું ?
મેં તો વાતોની કુંજગલી છોડી દીધી.

આંખોમાં વાદળાં ને શ્વાસોમાં વાયરા :
પણ અડકો તો ભોમ સાવ કોરી :
તારા તે કાન લગી આવી ઢોળાઇ ગઇ
હોઠ સમી અમરત કટોરી.
પંખીની પાંખમહીં પીંછુ રડયું :
મેં તો વાતોની કુંજગલી છોડી દીધી.

હવે ખળખળતાં ટળટળતાં અંધાર્યા જળ
કે અણધાર્યો તૂટી પડયો સેતુ :
પાસે રહીને મને લાગે છે કેમ હવે
કેટલાય જનમોનું છેટું !
મારાં સપનાંને વેદનાનું વૈકુંઠ જડયું :
ને મેં તો વાતોની કુંજગલી છોડી દીધી.


- જગદીશ જોષી (Jagdish Joshi)

Sunday, October 02, 2005

નાગર નંદજીના લાલ

નાગર નંદજીના લાલ !
રાસ રમંતાં મારી નથડી ખોવાણી.
કાના ! જડી હોય તો આલ્ય, કાના ! જડી હોય તો આલ,
રાસ રમંતાં મારી નથડી ખોવાણી.


પીળી પીળી નથડી ને ધોળાં ધોળાં મોતી,
તે નથડીને કારણ હું તો હીંડું ગોકુળ જોતી
જોતી ... જોતી ... નાગર


એક એક મોતી માંહી સોના કેરો તાર,
સોળસેં ગોપીમાં પ્રભુ ! રાખો મારો ભાર
ભાર... ભાર ... નાગર


નાનેરી પહેરું તો મારે નાકે નવ સોહાય,
મોટેરી પહેરું તો મારા મુખપર ઝોલાં ખાય
ખાય... ખાય... નાગર


આંબા પર કોયલડી બોલે વનમાં બોલે મોર,
રાધાજીની નથડીનો શામળિયો છે ચોર
ચોર... ચોર... નાગર

તું છે બેટી ભ્રખુભાણની ગોકુળ ગામમાં રે'તી,
ત્રણ ટકાની નથડી માટે મુજને ચોર કહેતી
કહેતી ... કહેતી ... નાગર


તું છે લાલો નંદરાયનો હું આહીરની છોડી
બાઇ મીરાં કે' ગિરધર નાગર મારી મતિ છે થોડી
થોડી ... થોડી ... નાગર

- મીરાં બાઇ (Meera Bai)

Saturday, October 01, 2005

યાદી ભરી ત્યાં આપની

વાંચકમિત્રો,
ખૂબ જ વ્યસ્તતાને લીધે હમણાથી નિયમિત રીતે બ્લોગ અપડેટ થઈ શકતો નથી, તેનો ખેદ છે. આજે રાજવી કવિ કલાપીની સુંદર રચના રજૂ કરી રહેલ છું આશા રાખુ કે તમને ગમશે.


જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની;
આંસુ મહીં એ આંખથી યાદી ઝરે છે આપની!

માશૂકોના ગાલની લાલી મહીં લાલી,
અનેજ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની!

જોઉં અહીં ત્યાં આવતી દરિયાવની મીઠી લહર,
તેની ઉપર ચાલી રહી નાજુક સવારી આપની!

તારા ઉપર તારા તણાં ઝૂમી રહ્યાં જે ઝૂમખાં,
તે યાદ આપે આંખને ગેબી કચેરી આપની!

આ ખૂનને ચરખે અને રાતે હમારી ગોદમાં,
આ દમબદમ બોલી રહી ઝીણી સિતારી આપની!

આકાશથી વર્ષાવતા છો ખંજરો દુશ્મન બધા;
યાદી બનીને ઢાલ ખેંચાઇ રહી છે આપની!

દેખી બૂરાઇ ના ડરું હું, શી ફિકર છે પાપની?
ધોવા બૂરાઇને બધે ગંગા વહે છે આપની!

થાકું સિતમથી હોય જ્યાં ના કોઇ ક્યાં એ આશના;
તાજી બની ત્યાં ત્યાં ચડે પેલી શરાબી આપની!

જ્યાં જ્યાં મિલાવે હાથ યારો ત્યાં મિલાવી હાથને,
અહેસાનમાં દિલ ઝૂકતું, રહેમત ખડી ત્યાં આપની!

પ્યારું તજીને પ્યાર કોઇ આદરે છેલ્લી સફર;
ધોવાઇ યાદી ત્યાં રડાવે છે જુદાઇ આપની!

રોઉં ન કાં એ રાહમાં બાકી રહીને એકલો?
આશકોના રાહની જે રાહદારી આપની!

જૂનું નવું જાણું અને રોઉં હસું તે તે બધું;
જૂની નવી ના કાંઇ તાજી એક યાદી આપની!

ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી;
જોયું ન જોયું છો બને જો એક યાદી આપની!

કિસ્મત કરાવે ભૂલ તે ભૂલો કરી નાખું બધી;
છે આખરે તો એકલી ને એ જ યાદી આપની!

-સુરસિંહજી તખ્તસિંહજી ગોહીલ (કલાપી) (Kalapi)

Tuesday, September 27, 2005

આ તે કેવી વાર્તા !

Saturday, September 17, 2005


વાંચકમિત્રો,

આ અઠવાડીયામાં એક ખૂબ જ સુંદર ફિલ્મ જોવાનો મોકો મળ્યો. ઘણા સમયે સરસ મજાની ફિલ્મ જોયા બાદ હજી પણ તેની ક્ષણો વાગોળી રહ્યો છુ. આ ફિલ્મનું નામ છે ...પરિણિતા.

શરતચંદ્ધ ચટ્ટોપાધ્યાયની જાણીતી આ જ નામની નવલકથાને કચકડામાં સરસ રીતે ગૂંથી લેવામાં આવી છે. નેટ પર તમને ઘણા રિવ્યૂ જોવા મળશે તેથી હું વધુ જણાવતો નથી. ફક્ત એટલુ જ કહીશ કે નવોદિત અભિનેત્રી વિધ્યા બાલને ખૂબ જ સાહજિક રીતે અતિ સુંદર અભિનય કર્યો છે. વાંચકમિત્રો આ ખરેખર ન ચૂકવા જેવી ફિલ્મ છે.

તદ્ઉપરાંત "પિયુ બોલે" ગીત સાચે જ કર્ણપ્રિય છે.

સિદ્ધાર્થ શાહ

સર્જન


એક દી સર્જકને આવ્યો, કૈં અજબ જેવો વિચાર
દંગ થઈ જાય જગત, એવું કરું સર્જન ધરાર


ફૂલથી લીધી સુંવાળપ, શૂળથી લીધી ખટક
ઓસથી ભીનાશ લીધી, બાગથી લીધી મહક
મેરુએ આપી અડગતા, ધરતીએ ધીરજ ધરી
વૃક્ષથી પરમાર્થ કેરી, ભાવના ભેગી કરી


બુદબુદાથી અલ્પ્તા, ગંભીરતા મઝધારથી
મેળવ્યો કંકાસ મીઠો, મોજના સંસારથી
પ્રેમ સારસનો ઉપાડ્યો, પારેવાનો ફફડાટ
કાગથી ચાતુર્ય લીધું, કાબરોથી કલબલાટ
ખંત લીધી કીડીઓથી, મક્ષિકાથી શ્રમ અથાગ
નીરથી નિર્મળતા લીધી, આગથી લીધો વિરાગ


પંચભૂતો મેળવી, એ સર્વનું મંથન કર્યુ
એમ એક 'દી સર્જકે એક નારીનુ સર્જન કર્યુ
દેવદર્લભ, અવનવી આ શોધ જ્યાં બીબે ઢળી
એ દિવસથી દર્દ કેરી ભેટ દુનિયાને મળી


-"શૂન્ય" પાલનપુરી ("Shoonya" Palanpuri)

Wednesday, September 14, 2005

ગુજરાતી રસિકો માટે

પંચમ શુક્લનો ઘણો આભાર આ સમાચાર મોકલવા બદલ...

તા 4-9-2005ના રોજ અમદાવાદના ગજ્જર હોલમાં ગુજરાતી ભાષાના મૂર્ધન્ય કવિ શ્રી રાજેન્દ્ર શુક્લની 450 જેટલી ગઝલો "ગઝલ-સંહિતા" નામે 5 ભાગમાં પકટ થઈ છે. આ પ્રકાશન અને આનુસાંગિક જવાબદારી કવિનાં તીવ્ર ચાહકો અને નજીકના મિત્રોની આભારી છે. સમગ્ર સંગ્રહ નીચેના સરનામેથી મળી શકશે. (મૂલ્ય: 300 રૂ.)


સહ્ર્દય પ્રકાશન
714, આનંદ મંગલ - 3
ડોક્ટર્સ હાઉસની સામેની ગલી,
આંબાવાડી, અમદાવાદ - 380006


Phone: 079-26861764, 26404365
Mobile: 09898421234, 09327022755

Sunday, September 11, 2005

વ્યથા

હૈયુ રોતું રાખીને આ જીંદગી
બુદ્ધિને મેં સોંપી દીધી.
ને જીંદગીને સખી એમ મેં
ન જીવવા જેવી કરી દીધી.

-"અવિન" ("Avin")

Friday, September 09, 2005

પ્યાર

વાચકમિત્રો, આજે એક નવા કવિની વર્ષો પહેલા રચેલી કવિતા પ્રસ્તૂત છે, આશા રાખુ કે તમને ગમશે. કાવ્યની છેલ્લી પંક્તિઓમાં પ્રેમમાં પ્રગટ થતો સુંદર સમર્પણભાવ રજૂ થયેલ છે. તમારા પ્રતિભાવો જણાવશો.
શાને છૂપાવે મૂજથી તારાં એ સોળે શણગાર
અજાણ્યા નથી કાંઈ મૂજને સ્વપ્ને આવે સો વાર


હશે હ્રદયે બીક એવી કે જોઈને ઠાલો પાછળ પડશે
જા જા રે ગાંડી શું આબરૂ તારી નથી વ્હાલી મને ?

નથી તારી ઈચ્છા? ભલે તું ઈચ્છે અન્યને
એથી મને શું હું શાને ઈચ્છું અન્યને ?

પ્રભુ પ્યારા શાને દુ:ખો દે આડકતરી રીતે તું
એને દુ:ખી કરીને શું સુખ દેવા ચહે અમને
શું જા જા રે ગાંડા ભૂલ્યો ભીંત કે છે જગે પ્રીત રીત
થતું દર્દ એકને તો દુ:ખ થાયે બીજાને નક્કી.

પ્રભુ કદી તે કીધો છે પ્યાર ? એનો કદી દીઠો છે કરાર ?
દઈ સુખો લેવા દુ:ખો, સમર્પી સઘળુ થવું સુખી
જોઈ સુખી થાવું સુખી, જોઈ દુ:ખી થાવું દુ:ખી
એ પ્રેમની છે પારાશીશી.

-"અવિન" ("Avin")

Sunday, September 04, 2005

ત્સૂનામી ડોક્ટરની વ્યથા

વાંચક મિત્રો, આજે પંચમભાઈ રચિત સુંદર કવિતા પ્રસ્તૂત છે.


Thursday, August 25, 2005

આંખ ભીની હોય ત્યારે સ્મિત મુખ પર જોઇએ,
જિંદગીની બેઉ બાજુ એમ સરભર જોઇએ;
છો રહે ફોરમ વિહોણાં જિંદગીનાં વસ્ત્ર સૌ
ફૂલ પીસીને કદી મારે ન અત્તર જોઇએ.- મનહરલાલ ચોકસી (Manharlal Choksi)

Wednesday, August 24, 2005

મૌનને સુપરત કરી દીધો ખજાનો શબ્દનો,
આવ કે જોવા સમો છે શૂન્યનો વૈભવ હવે.


- "શૂન્ય" પાલનપૂરી ("Shoonya" Palanpuri)

Tuesday, August 23, 2005

હુતુતુતુ...

હુતુતુતુ....ગીતથી ભાગ્યે જ કોઈ ગુજરાતી અજાણ્યો હશે. શ્રી અવિનાશ વ્યાસે રચેલ આ ગીત શ્રી મન્નાડેએ સુંદર રીતે સ્વરબદ્ધ કરેલ છે. ટૂંક સમયમાં હું ગીત પણ અપલોડ કરીશ, જેથી તમે સાંભળી પણ શકો. રમતિયાળ લાગતા આ ગીતમાં માણસના મનમાં ચાલતા દાવપેંચ અને રમતનું સુંદર પ્રતિબિંબ પડતુ જોઈ શકાય છે.
-અવિનાશ વ્યાસ (Avinash Vyas)

Thursday, August 18, 2005

એક વિચાર

નાનપણમાં ગુજરાતી પાઠ્ય પુસ્તકમાં એક પાઠ આવતો હતો, જેમા શ્રી વિક્રમ સારાભાઈના બાલ્યકાળની વાતો કરી હતી, તેમાનો એક પ્રસંગ આછોપાતળો યાદ છે. શ્રી વિક્રમ સારાભાઈના ઘરમાં બીજાબધાના પત્રો દરરોજ આવે, પરંતુ તેમના પત્રો નહોતા આવતા, તેથી તેમણે હવાલો પોતાના હાથમાં લઈ લીધો અને પોતે જ પોતાના નામે દરરોજ પત્રો લખવા માંડ્યા, જ્યારે ઘરવાળાને ખબર પડી ત્યારે બધા તેમની આ બચપણમાં કરેલ નિર્દોષ કાર્ય બદલ હસ્યા હતા.

મને પણ આ જ પ્રમાણે હસવું આવે છે જ્યારે પીઢ વયના પાકટ માનવી આ પ્રકારની વર્તણૂક કરે છે. પરંતુ ત્યારે તેમા નિર્દોષતા નહીં પરંતુ દંભ જ દેખાઈ આવે છે. વ્યક્તિ જ્યારે પોતાને ભૂલ સ્વિકારવાને બદલે હાસ્યાસ્પદ રીતે તેનો ઢાંકપિછોડો કરવા નિકળે ત્યારે બીજુ કશું જ નહિ પરંતુ દયા જ આવે છે.....જો કે આજના ભૌતિકવાદી જગતમાં આવા પાત્રો ડગલે અને પગલે જોવા મળે છે...આશા રાખીએ કે ભગવાન તેઓને ક્યારેક તો સદબુધ્ધિ તેમજ પોતાને ભૂલ સ્વિકારવાની હિમ્મત આપશે.

અસ્તુ,

સિદ્ધાર્થ શાહ

Wednesday, August 17, 2005

મારું-તારું

કવિ શ્રી રાજેન્દ્ર શુક્લ દ્ધારા આ ગઝલમાં મારા-તારાનો ભેદ છોડીને ઉદાર અને નિર્લોભિ બનવાની વાત ખૂબ જ સરળ રીતે રજૂ કરવામા આવી છે. વાંચકમિત્રોને કદાચ ખબર નહિ હોય, પણ આ જ બ્લોગનાં વાંચક અને કવિ પંચમ શુક્લ તેઓના ભત્રીજા છે. પંચમ શુક્લ પોતે અત્યારે લંડનમાં છે, અને ગુજરાતી ભાષા પર તેમનુ પ્રભુત્વ કાબિલેતારીફ છે. તેમણે પોતે પણ પ્રત્યાયન નામક ગુજરાતી બ્લોગ શરૂ કરેલ છે. પંચમભાઈ આશા રાખુ કે તમને આ ગઝલ વાંચવાની મજા આવશે.
લે, આ મને ગમ્યું તે મારું
પણ જો તને ગમે તો તારું !

મારું, તારું ને ગમવું પણ,
લાવ, લાવ કરિયેં સહિયારું !

તું જીતે ને થાઉં ખુશી હું,
લેને, ફરી ફરીને હારું !

ઈટ્ટા-કિટ્ટા એક ઘડીના,
બાકી સઘળું પ્યારુંપ્યારું !

હસિયેં રમિયેં મીઠું લાગે,
થૂ, આંસુ તો લાગે ખારું !

ગીત હોય તો શીદ અબોલા,
તું ઝીલી લે, હું લલકારું !

રમિયેં ત્યાં લગ હોય રમકડું
મોજ મહીં શું મારું-તારું !

-રાજેન્દ્ર શુક્લ (Rajendra Shukla)


Tuesday, August 16, 2005

એક પંખી

એક પંખી
ચાંચમાં તડકો ઉપાડી
આંગણે આવી ઉઘાડી બારીમાં બેઠું
ઊડી હળવેકથી પાંપણ ઉપર ઝૂલ્યું
નમાવી ડોક વેગે આંખના આકાશમાં ઊડી
બધે ફેલાયેલાં ફૂલો ભરેલા વન મહીં ઊતરી
સૂતેલી
પાંદડી જેવી પરીના ગાલ પર તડકો ધીરેથી પાથરી
તાજા ખીલેલા સૂર્યને ટહુકાર પર તોળી
નરી તેજે તબકતી પાંખ ફફડાવી
ગહન અવકાશમાં અવકાશ થઈ
ઊડી ગયું.

-નલિન રાવળ (Nalin Rawal)

Monday, August 15, 2005

ઝંડા ઊંચા રહે હમારા

મિત્રો,
સ્વતંત્રતા દિવસની ઘણી જ શુભેચ્છાઓ...
"જનની જન્મભૂમિસ્વ, સ્વર્ગાદપિ ગરિયસી" , એટલે કે માં અને માતૃભૂમિ સ્વર્ગથી પણ મહાન છે. તો આજે સ્વતંત્રતા દિવસ નિમિતે રાષ્ટ્રીય ધ્વજની શાનમાં "ઝંડાગીત" પ્રસ્તૂત છે.વિજયી વિશ્વ તિરંગા પ્યારા, ઝંડા ઊંચા રહે હમારા

સદા શક્તિ સરસાને વાલા, પ્રેમ સુધા બરસાને વાલા.
વીરો કો હર્ષાને વાલા, માતૃભૂમિ કા તનમન સારા. ઝંડા

ઈસ ઝંડે કે નીચે નિર્ભય, લેં સ્વરાજ્ય યહ અવિચલ નિશ્વય,
બોલો ભારત માતાકી જય ! સ્વતંત્રતા હી ધ્યેય હમારા. ઝંડા.

આઓ પ્યારે વીરોં આવો, દેશધર્મ પર બલિ બલિ જાઓ,
એક સાથ સબ મિલકર ગાઓ : પ્યારા ભારત દેશ હમારા. ઝંડા.

શાન ન ઈસ કી જાને પાયે, ચાહે જાન ભલે હી જાય,
વિશ્વ વિજય કર કે દિખલાયે, તબ હોવે પ્રણ પૂર્ણ હમારા. ઝંડા...

Wednesday, August 10, 2005

આપણા ઘડવૈયા બાંધવ આપણે.

મનુષ્યના પરિશ્રમ અને પુરુષાર્થની મહત્તા સ્થાપિત કરતી આ કવિતા ખરેખર માણવાલાયક અને જીવનમાં અનુસરવા લાયક છે.


આપણે આવળ બાવળ બોરડી,
કેસરઘોળ્યા ગલના ગોટા જી;
હલકાં તો પારેવાંની પાંખથી
મ્હાદેવથીયે પણ મોટાજી,
આપણા ઘડવૈયા બાંધવ ! આપણે.

કોઈ તો રચે છે વેળુછીપથી,
કોઈ તો જળને હિલ્લોળ જી;
મરજીવો ઊતરે મ્હેરામણે,
માથા સાટે મોતી-મોલ જી.

નજરું ખૂંપી છે જેની ભોંયમાં,
સામે પૂર એ શું ધાય જી !
અધીરા ઘટડાનો ઘોડો થનગને,
અણદીઠ ઓરું એને પાય જી.

બેઠેલાનું બેઠું રહે વિમાસણે,
વેળા જુએ નહિ વાટ જી;
ઝાઝેરો ઝૂક્યો છે આંબો સાખથી,
વેડે તેને આવે હાથ જી.

પંડની પેટીમાં પારસ છે પડ્યો,
ફૂટલાં ફૂટે છે કરંમ જી.
વાવરી જાણે તે બડભાગિયો,
ઝળહળ એના રે ભવંન જી.

-રાજેન્દ્ર શાહ (Rajendra Shah)

Tuesday, August 09, 2005

શિક્ષણ ? ? ?

આજના શિક્ષણની સ્થિતિ આ કટાક્ષ કાવ્યમાં સુંદર રીતે વ્યક્ત થઈ છે.આ સઘળાં ફૂલોને કહી દો યુનિફોર્મમાં આવે,
પતંગિયાઓને પણ કહી દો સાથે દફ્તર લાવે.

મન ફાવે ત્યાં માછલીઓને આમ નહીં તરવાનું,
સ્વીમિંગપુલના સઘળા નિયમોનું પાલન કરવાનું.

દરેક કૂંપળને કોમ્પ્યુટર ફરજિયાત શીખવાનું,
લખી જણાવો વાલીઓને તુર્તજ ફી ભરવાનું.

આ ઝરણાંઓને સમજાવો સીધી લીટી દોરે,
કોયલને પણ કહી દેવું ના ટહુકે ભરબપ્પોરે.

અમથુ કૈં આ વાદળીઓને એડમિશન દેવાનું ?
ડોનેશનમાં આખ્ખેઆખ્ખું ચોમાસું લેવાનું.

એક નહી પણ મારી ચાલે છે અઠ્ઠાવન સ્કૂલો,
'આઉટડેટ' થયેલો વડલો મારી કાઢે છે ભૂલો !

-કૃષ્ણ દવે (Krishna Dave)

Saturday, August 06, 2005

છ ઋતુઓ

લલિત

શરદ શી સુહે ! વાદળાં ગયાં.
જળ નદી તણાં નીતરાં થયાં.
ગગનથી સુધા ચંદ્ધની ઝરી,
રસભરી રમે રાસ ગુર્જરી.

ઉપજાતિ

હેમંતમાં કોમળ સૂર્યતાપ,
વૃક્ષો મહીં વાયુ કરે વિલાપ.
ઝરે નિશાએ હિમ ભૂમિ-ખોળે,
લીલાં તૃણે ઝાકળબિંદુ ડોલે.

દ્ધુતવિલંબિત

શિશિરવાયુ સુશીતળ સૂસવે,
તરુ તણાં થડથી રસ કૈં ઝવે.
ખરત પાન, રહ્યાં બસ ડાંખળાં,
સભર ધાન્ય થકી સુહતાં ખળાં.

વસંતતિલકા

ખીલી વસંત, વન ફૂલભર્યાં મહેકે,
ગાતા ફરે ભ્રમર, કોકિલનાદ લ્હેકે.
ઊડે સુગંધકણ પુષ્પ તણા રસોના,
આઘા સુણાય ગગને સ્વર સારસોના.

મંદાક્રાંતા

આવ્યો આવ્યો બળ બળ થતો દેખ જોગી ઉનાળો;
વા વૈશાખી પ્રબળ વહતા, ઊડતી અગ્નિઝાળો.
ઝોળા ખાતી રસદ ફળની લૂમ, લૂ વાય ઊની;
પાણી ડૂક્યાં, સજળ સરિતાઓ થઈ વારિસૂની.

શિખરિણી

ચઢી આવ્યાં ક્યાંથી દળ પર દળો વાદળ તણાં ?
કરે ઈશાને શી ઝબક ઝબકી વીજ રમણા !
પડયાં પામી ધો ધો, જળભર થઈ ધન્ય ધરણી;
હસે વર્ષા; શોભા શુભ નભ વિશે મેઘધનુની.

-ઉમાશંકર જોશી (Umashankar Joshi)

Friday, August 05, 2005

કેવા રમતા રામ હતા !

ખુશ્બૂમાં ખીલેલા ફૂલ હતાં ઊર્મિમાં ડૂબેલા જામ હતા,
શું આંસુનો ભૂતકાળ હતો - શું આંસુનાં પણ નામ હતાં.

થોડીક શિકાયત કરવી'તી થોડક ખુલાસા કરવા'તા,
ઓ મોત જરા રોકાઈ જતે - બેચાર મને પણ કામ હતાં.

હું ચાંદની રતે નીકળ્યો'તો ને મારી સફર ચર્ચાઈ ગઈ,
કંઈ મંઝિલ પણ મશહૂર હતી - કંઈ રસ્તા પણ બદનામ હતાં.

જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી'તી,
બહુ ઓછાં પાનાં જોઈ શક્યો બહુ અંગત અંગત નામ હતાં.

પેલા ખૂણે બેઠા છે એ "સૈફ" છે મિત્રો જાણો છો ?!
કેવો ચંચલ જીવ હતો ને કેવા રમતારામ હતા !

-'સૈફ' પાલનપુરી ('Saif' Palanpuri)

Wednesday, August 03, 2005

બાળગીત - મે એક બિલાડી પાળી છે.

મે એક બિલાડી પાળી છે.
તે રંગે બહુ રૂપાળી છે.
તે હળવે હળવે ચાલે છે,
તે અંધારામાં ભાળે છે
તે દહીં ખાય, દૂધ ખાય
ઘી તો ચપચપ ચાટી જાય.
એ ઉંદરને ઝટપટ ઝાલે
પણ કૂતરાથી બીતી ચાલે
એના ડીલ પર દાગ છે
તે મારા ઘરનો વાઘ છે.

Monday, August 01, 2005

તું એક ગુલાબી સપનું છે

તું એક ગુલાબી સપનું છે
હું એક મજાનીં નીંદર છું.
ના વીતે રાત જવાનીની
તે માટે હું પણ તત્પર છું.

ગોતી જો શકે તો લે ગોતી
મોતીના સ્વરૂપે છે જ્યોતિ
ઓ હંસ બનીને ઊડનારા
હું તારું માનસરોવર છું.

શાંત અને ગંભીર ભલે
શરમાળ છે મારાં નીર ભલે
ઓ પૂનમ ઘૂંઘટ ખોલ જરા
હું એ જ છલકતો સાગર છું.

કૈલાસનો સચવાયે વૈભવ
ગંગાનું વધી જાશે ગૌરવ
તું આવ ઉમાનું રૂપ ધરી
ને જો કે હું કેવો સુંદર છું.

સંવાદ નથી શોભા એની છે
મૌન પ્રતિષ્ઠા બન્નેની
તું પ્રશ્ન છે મારે પ્રીતિનો
હું તારા રૂપનો ઉત્તર છું.


-શેખાદમ આબુવાલા (Shekhadam Aabuwala) ('દીવાને આદમ' માંથી)

Friday, July 29, 2005

દાદીમાનો ઓરડો

પરિવારજીવનમાં વૃદ્ધના અવસાનથી ખાલીપાની વ્યથાની ઊંડી અનુભૂતિ થતી હોય છે, પણ પછી અન્ય વૃદ્ધોને જોતા આપણું ચિત્ત કંઈક રાહત અનુભવે છે. કવિએ એ સૌ કોઈના હ્રદયના ભાવને પોતાના દાદીમાનાં નિધન નિમિત્તે અહીં રજૂ કર્યો છે. આ સોનેટમાં દીર્ઘાયુષી, કરૂણામૂર્તિ અને સુખદુ:ખના ખજાના સમાં દાદીમાની કાયમી ગેરહાજરીની વ્યથા અષ્ટકમાં વ્યકત થઈ છે. પણ પછી વિશ્વસકલના વૃદ્ધોમાં દાદીમાંનો સાક્ષાત્કાર થવાથી એ સંવેદન સરસ વળાંક છે. દાદીમાની અનુપસ્થિતિથી સૂમસામ એવો ઓરડો જ અહીં એ સંવેદન જાગવાનું નિમિત્ત બની રહે છે.

દાદીમાનો ઓરડો

અહીં જ બસ બા ! સદાય ઢળતો જતો ઢોલિયો,
અહીં જ મણકા ફર્યા વરસ, એક સો સાતના;

અહીં જ ત્રણ પેઢીના ઝૂલવિયાં તમે પારણાં
અહીં જ લચતો ખચેલ ફૂલડે હતો માંડવો.

કદી મરણ બા ! અકાલ ફૂલડાં ચૂંટિયે લિયે,
સહ્યા કઠણ ઘા તમે કરૂણમૂર્તિ ! ભારે હિયે

અનેક સુખદુ:ખના સ્મરણના પટારા સમો,
સૂનો ભરખવા ધસે અહહ ! એ જ આ ઓરડો !

હવે નયન બા ! બધે જ તમને રહે ઢૂંઢતાં,
પિયાસ તમ દર્શની અવ રહી છ પીડી જ કે-

જરાક નજરે ચડે તમ સમું જ કો ખોળિયું
બિછાનું બસ સેજ અંતરતણે અહીં ઓરડે;

નિમંત્રી રહું પોઢવા સકલ વિશ્વવૃદ્ધત્વને
અનેસકલ વૃદ્ધમાં વિલસતાં દીસો બા તમે !

-બાલમુકુન્દ દવે (Balmukund Dave)

Wednesday, July 27, 2005

અંધેરીનગરી

પૂરી એક અંધેરી ને ગંડુ રાજા,
ટકે શેર ભાજી ને ટકે શેર ખાજાં;
બધી ચીજ વેચાર ત્યાં ભાવ એકે,
કદી સારી બૂરી ન વેચે વિવેકે.

ત્યાં જઈ ચઢ્યા બે ગુરુ એક ચેલો,
ગયો ગામમાં માગવા શિષ્ય પેલો;
લીધી સુખડી હાટથી આપી આટો,
ગુરુ પાસ જઈને કહે, "ખૂબ ખાટ્યો."

ગુરુજી કહે, "રાત રહેવું ન આંહી,
સહુ એક ભાવે ખપે ચીજ જ્યાંહી;
હશે ચોરને શાહનો ન્યાય એકે,
નહી હોય શિક્ષા ગુનાની વિવેકે...

ન એ વસ્તીમાં એક વાસો વસીજે,
ચલો સદ્ય ચેલા જવું ગામ બીજે."
કહે શિષ્ય, "ખાવા પીવા ખૂબ આંહી,
તજી તેહ હું તો ન આવીશ ક્યાંહી."

ગુરુએ બહુ બોધ દીધો જ ખાસો,
"નહીં યોગ્ય આંહી રહ્યે રાતવાસો."
ન માની કશી વાત તે શિષ્ય જયારે,
ગુરુજી તજીને ગયા ગામ ત્યારે.

રહ્યા શિષ્યજી તો ત્યહાં દિન ઝાઝા,
બહુ ખાઈપીને થયા ખૂબ તાજા;
પછીથી થયા તેહના હાલ કેવા,
કહું છું હવે હું સુણો સદ્ય તેવા.


તસ્કર ખાતર પાડવા, ગયા વણિકને દ્ધાર;
તહાં ભીત તૂટી પડી, ચોર દબાયા ચાર.
માત પ્રભાતે ચોરની, ગઈ નૃપને ફરિયાદ;
શૂળી ઠરાવી શેઠને, ડોશીની સૂણી દાદ.

"એવુ ઘર કેવું ચણ્યું, ખૂન થયાં તે ઠાર;
રાતે ખાતર ખોદતાં, ચોર દબાયા ચાર."
વણિક કહે, "કડિયા તણો એમાં વાંક અપાર;
ખરેખરી એમાં નથી, મારો ખોડ લગાર."

કડિયાને શૂળી ઠરી, વણિક બચ્યો તે વાર;
ચૂકે ગારો કરનારની, કડિયે કરી ઉચ્ચાર.
ગારો કરનાર કહે, "પાણી થયું વિશેષ;
એ તો ચૂક પખાલીની, મારી ચૂક ન લેશ"

પુરપતી કહે પખલીને, "જો તું શૂળીએ જાય,
આજ પછી આ ગામમાં, એવા ગુના ન થાય."
"મુલ્લાં નીસર્યા મારગે, મેં જોયુ તે દિશ;
પાણી અધિક તેથી પડ્યું, રાજા છાંડો રીસ."

મુલ્લાંજીને મારવા, કરી એવો નિરધાર;
શૂળી પાસે લઈ ગયા, મુલ્લાંને તે વાર.
ફળ જાડું શૂળી તણું, મુલ્લાં પાતળે અંગ;
એવી હકીકત ચાકરે, જઈ કહી ભૂપ પ્રસંગ.

ભૂપ કહે, "શું હરઘડી આવી પૂછો કોઈ;
શોધી ચઢાવો શૂળીએ, જાડા નરને જોઈ."
જોતાં જોતાં એ જડ્યો, જોગી જાડે અંગ;
બહુ દિન ખાઈને બન્યો, રાતે માતે રંગ

શિષ્ય મુદત માગી ગયો ગુરુ પાસે પસ્તાય;
ગુરુએ આવી ઉગારિયો, અદભૂત કરી ઉપાય.
જોગી શૂળી પાસ જઈ કહે, "ભૂપ સુણ કાન,
આ અવસર શૂળીએ ચઢે, વેગે મળે વિમાન."

ચેલો બોલ્યો, "હું ચઢું" ને ગુરુ કહે, "હું આપ;"
અધિપતિ કહે, "ચઢીએ અમો, પૂરણ મળે પ્રતાપ."
ગુરુ ચેલાને ગામથી, પહોંચાડ્યા ગાઉ પાંચ;
રાજા શૂળી પર રહ્યો, અંગે વેઠી આંચ.


-દલપતરામ (Dalpatram)

Tuesday, July 26, 2005

આપણ ખેતરિયે મંગલ

અ અ પ્રકૃતિ-ગીતમાં વરસાદની પ્રથમ વૃષ્ટિને કારણે ખેડુ-દંપતિને થયેલો આનંદ વ્યક્ત કરાયો છે. નાનકડા ગીતમાં વાદળની ઝરમર, મોરના ટહુકાર તથા ઝરણાનો કલનાદ સંભળાવીને; ધરતીની ધૂળમાંથી ઓ ઊઠતી સોડમ સૂંઘાડીને, ભીના ઘાસ ઊપર ચમકતું આભનું પ્રતિબિંબ તથા ધરા-આભની રંગછટા દર્શાવીને કવિએ આપણાં કાન-નાક-આંખને આનંદ આપ્યો છે. દર્ભના લીલા ઘાસ ઊપર જામેલાં જલ-શીકરોમાં નભનુ પ્રતિબિંબ ચમકે છે. પણ કવિ એવી સાદી વાત કરે કે? તેમને તો એ ચમકતું પ્રતિબિંબ હલમલતો આનંદ લાગે છે. ખેડુ અને ખેડુપત્નિનો નાનકડો સંવાદ પણ અહીં છે. એમાં ખેડુપત્નિ કહે છે કે પોતે બિયારણ લાવી છે અને ખેડુ કહે છે કે પોતે હળ અને બળદ લાવ્યો છે. બન્નેને મહેનતનાં ફળ ભેળાં જમવાની હોંશ છે.આપણ ખેતરિયે મંગલ
ટહુકે મોરા, બાદલ વરસે ઝરમર ઝરમર જલ,
ધરતીની ધૂળ ઝરતી આજે
મનહર મીઠી ગંધ,
નીલ દાભના અંકુરે શો
હલમલ રે આનંદ!

થલે થલે વ્હેતાં ઝરણાંનો નાદ રમે કલકલ
'હું લાવી ઓરામણ.'
'લાવ્યો હું ધોરી ને હલ.'
ભેળી તે મહેનતનાં આપણ
ભેળાં જમશુ ફલ.
ધરા-આભને આધારે જે
રંગછટા અંકાઈ,
એવાં રે જીવતર હૈયાંને
ઉમંગ રહેશુ ગાઈ,
દિનભરનાં ભીંજ્યાં પોઢણિયે ઓઢીશું કંવલ.

રાજેન્દ્ર શાહ

Sunday, July 24, 2005

પ્રણયમાં નિષ્ફળતા- કોનો વાંક ?

પ્રણયમાં સાંપડેલી નિષ્ફળતા માટે કોઈ એક જ પક્ષને જવાબદાર કેમ ગણી શકાય ?

શાયર મરીઝ એ માટે એકની શરમ ને અન્યના વિનયને કારણભૂત ગણીને, ઉભયની જવાબદારીને સરખે હિસ્સે વહેચે છે.

નિષ્ફળ પ્રણયનું કારણ શોધો તો છે ઉભયમાં,
એ રહી ગયા શરમમાં, હુ રહી ગયો વિનયમાં

Saturday, July 23, 2005

કાળજા કેરો કટકો

આજે પ્રસ્તૂત છે કવિ દાદની અમર કૃતિ અને કન્યાવિદાયની શ્રેષ્ઠ કાઠિયાવાડી રચના


કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગ્યો

આંબલીપીપળી ડાળ બોલાવે
હે બેના એકવાર હામું જો
અરે ધૂમકા દેતી જે ધરામાં
ઈ આરો અણહર્યો

કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગ્યો

લૂંટાઈ ગ્યો મારો લાડખજાનો
હે દાદ હું જોતો રયો
જાન ગઈ જાણે જાન લઈ હો
આ સૂનો માંડવડો

કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગ્યો

-દાદ (Daad)

Thursday, July 21, 2005

દિલના દર્દોને પીનારો શુ જાણે, પ્રેમ ના રિવાજો ને જમાનો શું જાણે,
છે કેટલી તકલીફ કબરમાં, તે ઉપરથી ફૂલ મૂકનારો શું જાણે!

જીવનમા જસ નથી, પ્રેમમાં રસ નથી;
ધંધામાં કસ નથી, જાવુ છે સ્વર્ગમાં, પણ એની કોઈ બસ નથી

જિંદગીને જીવવાની ફિલસુફી સમજી લીધી,
જે ખુશી આવી જીવનમાં, આખરી સમજી લીધી!

ડૂબતા જીવનનાં તમે શ્વાસ છો, કહુ કેમ કે તમે કઈક ખાસ છો;
તમે ફૂલ નહીં પણ જમીન પર ઊગતા ઘાસ છો, સાચુ કહુ, તમે એક મોટો ત્રાસ છો.

લોકો કહે છે કે - હસ્યા તેના ઘર વસ્યા!
પરંતુ એ કોણ જાણે છે કે - ઘર વસ્યા પછી કેટલા હસ્યા?

-અજ્ઞાત

Tuesday, July 19, 2005

સુભાષિતો

વાપરતા આ વિશ્વમાં, સહુ ધન ખૂટી જાય;
વિદ્યા વાપરતા વધે, એ અચરજ કહેવાય.

વિપત પડે નવ વલખિએ, વલખે વિપત નવ જાય;
વિપતે ઉદ્યમ કીજિયે, ઉદ્યમ વિપતને ખાય.

Sunday, July 17, 2005

જોબનિયું

આજે એક સરસ મજાનું લોકગીત પ્રસ્તૂત કરૂ છુ. લોકગીતના કર્તા અજ્ઞાત હોય છે. લોકગીતો લોકમુખે ગવાતા અને પ્રસરતા રહે છે.


જોબનિયું આજ આવ્યું ને કાલ્ય જાશે,
જોબનિયું કાલ્ય જાતું રે'શે.
જોબનિયાને માથાના અંબોડામાં રાખો, જોબનિયું...
જોબનિયાને પાઘડીના આંટામાં રાખો, જોબનિયું...
જોબનિયાને આંખ્યનાં ઉલાળામાં રાખો, જોબનિયું...
જોબનિયાને હરખના હિલોળામાં રાખો, જોબનિયું...
જોબનિયાને હાથની હથેળીમાં રાખો, જોબનિયું...
જોબનિયાને ઘાઘરાના ઘેરમાં રાખો, જોબનિયું...
જોબનિયાને પગની પાનીમાં રાખો.. જોબનિયું કાલ્ય જાતું રે'શે

Friday, July 15, 2005

દીકરીના લગ્ન પછી, ઘરમાં

આખરે ઉજાગરાનો અંત આવ્યો:
લગન ઊકલી ગયાં.
મા હવે
ઘરની ચીજવસ્તુઓ ગણે છે
સંભારી સંભારી મેળવે છે
સંભાળી સંભાળી ગોઠ્વે છે:
થાળી, વાડકા, ગ્લાસ, ડિશ-
બધું બરાબર છે
ક્યાંય કશુંય ખોવાયું નથી
કશુંય ગયું નથી-
પણ
અચાનક કંઈક યાદ આવતાં
એ ઓરડા વચ્ચે
ઊભી રહી જાય છે
આંખોમાંથી ટપકું ટપકું થાય છે
ખારો ખારો પ્રશ્ન :
'મારી દીકરી ક્યાં ?'

-જયંત પાઠક (Jayant Pathak)

Thursday, July 14, 2005

દેખતા દીકરાનો જવાબ

ફાટ્યાં-તૂટ્યાં જેને ગોદડી ગાભાં, આળોટવા ફૂટપાથ,
આંધળી ડોશીનો દેખતો દીકરો, કરતો મનની વાત.
વાંચી તારાં દુ:ખડાં માડી ! ભીની થઈ આંખડી મારી.

પાંચ વરસમાં પાઈ મળી નથી, એમ તું નાખતી ધા,
આવ્યો તે દિ'થી આ હોટલને ગણી, માડી વિનાના 'મા'
બાંધી ફૂટપાયરી જેણે, રાખ્યો રંગ રાતનો એણે !

ભાણિયો તો માડી ! થાય ભેળો જે દિ' મિલો બધી હોય બંધ,
એક જોડી મારાં લૂગડાંમા, એને, આવી અમીરીની ગંધ ?
ભાડે લાવી લૂગડાં મોંઘા, ખાતો ખારા દાળિયા સોંઘા.

દવાદારૂ આંહી આવે ન ઢૂંકડા, એવી છે કારમી વેઠ,
રાત ને દિવસ રળું તોયે મારું, ખાલી ને ખાલી પેટ,
રાતે આવે નીંદર રૂડી, મારી કને એટલી મૂડી.

જારને ઝાઝા જુહાર કે'જે, ઊડે આંહી મકાઈનો લોટ,
બેસવા પણ ઠેકાણું ના મળે, કૂબામાં તારે શી ખોટ ?
મુંબઈની મેડીયું મોટી, પાયામાંથી સાવ છે ખોટી.

ભીંસ વધીને ઠેલંઠેલા, રોજ પડે હડતાળ,
શે'રના કરતા ગામડામાં, મને દેખાય ઝાઝો માલ,
નથી જાવું દાડિયે તારે, દિવાળીએ આવવું મારે.

કાગળનું તારે કામ શું માડી ! વાવડ સાચા જાણ,
તારા અંધાપાની લાકડી થાવાના, મેં લીધા પચખાણ,
હવે નથી ગોઠતું માડી, વાંચી તારી આપદા કાળી.

-ઇંદુલાલ ગાંધી (Indulal Gandhi)

Wednesday, July 13, 2005

આ મોજ ચલી

આ સુંદર રચના માટે પંચમ શુક્લાનો ઘણો ઘણો આભાર...

આ મોજ ચલી જે દરિયાની તે મારગની મુહતાજ નથી,
એ કેમ ઉછળશે કાંઠા પર એનો કોઈ અંદાજ નથી.

ઓ દોસ્ત, વહેતા જીવનની આ કોણ સિતાર સુણાવે છે?
આ બેઠો છે ક્યાં બજવૈયો? કૈં સૂર નથી કૈં સાજ નથી.

હા, બે’ક ઘડી એ નયનોમાં જોઈ છે એવી એક છબી,
ઝબકારે એક જ જાણી છે, જ્યાં કાલ નથી કે આજ નથી.

હરરોજ હજારો ગફલતમાં હું ભૂલી જાઉં તને, પ્રીતમ!
ને એમ છતાં એવું શું છે જે પ્રીતમ તારે કાજ નથી?

આ નૂર વિહોણી દુનિયામાં મેં એક જ નૂર સદા દીઠું,
એક પંખી ટહુકી ઊઠ્યું તો લાગ્યું કે તું નારાજ નથી.

આ આગ કટોરી ફૂલોની પરદા ખોલી પોકાર કરે,
ઓ દેખ નમાઝી, નેન ભરી! જ્યાં લગની છે ત્યાં લાજ નથી.


-મકરંદ દવે (Makarand Dave)


મહેન્દ્ર મેઘાણી સંપાદિત “ અરધી સદીની વાચનયાત્રા” માંથી સાભાર

Sunday, July 10, 2005

આ કવિતા શ્રી પંચમ શુકલાની વેબસાઈટ પરથી મેળવીને સાભાર રજૂ કરેલ છે. પંચમભાઈએ પોતે જ આ કવિતા એમની વ્હાલી બહેનના લગ્નપ્રસંગે રચેલ. પંચમભાઈ સમયાંતરે હુ તમારી રચનાઓ અત્રે રજૂ કરતો રહીશ. તમારી કાવ્યસર્જનની પ્રવૃતિ અટકાવતા નહિ.ઝળહળ ઝળહળ જ્યોત ઝગે ને
મહાભર્ગ આહૂતિ હો !

ચેતનવંતી ચોખટ ઊપર
પળપળની આપૂર્તિ હો! !

મુગટ અલગ નહીં મોરપિચ્છ થી,
નહીં પ્રાણીથી પ્રાણ,

સઘળુ એકાકાર હવે બસ,
દ્વૈત મિલનની મૂર્તિ હો

-પંચમ શુકલા (Pancham Shukla)

Saturday, July 09, 2005

આંધળી માંનો કાગળ


મિત્રો, લાંબા સમયના વિરામ બાદ એક અતિ સુંદર અને કરૂણરસથી સભર રચના અત્રે રજૂ કરી રહયો છુ. આ રચનાનાં જવાબ રૂપે રચાયેલ કાવ્ય "દેખતા દીકરાનો જવાબ" જો આપ વાંચકોની ઈચ્છા હશે તો જરૂરથી રજૂ કરીશ.અમ્રુત ભરેલું અંતર જેનું, સાગર, જેવડું સત
પૂનમચંદના પાનિયા આગળ ડોશી લખાવતી ખત,
ગગો એનો મુંબઈ કામે; ગીગુભાઈ ગગજી નામે.


લખ્ય કે, માડી ! પાંચ વરસમાં પહોંચી નથી એક પાઈ,
કાગળની એક ચબરખી પણ, મને મળી નથી, ભાઈ!
સમાચાર સાંભળી તારા; રોવું મારે કેટલા દા'ડા ?


ભાણાનો ભાણિયો લભે છે કે, ગગુ રોજ મને ભેળો થાય,
દન આખો જાય દાડિયું ખેંચવા, રાતે હોટલમાં ખાય,
નિત નવાં લૂગડાં પે'રે, પાણી જેમ પૈસા વેરે.


હોટલનું ઝાઝું ખાઈશ મા, રાખજે ખરચીખૂટનું માપ,
દવાદારૂના દોકડા આપણે કાઢશું કયાંથી, બાપ !
કાયા તારી રાખજે રૂડી; ગરીબની ઈ જ છે મૂડી.


ખોરડું વેચ્યું ને ખેતર વેચ્યું, કૂબામાં કર્યો છે વાસ,
જારનો રોટલો જડે નહિ તે દિ' પીઉં છુ એકલી છાશ,
તારે પકવાનનું ભાણું; મારે નિત જારનું ખાણું.


દેખતી તે દિ' દળણાં-પાણી કરતી ઠામેઠામ,
આંખ વિનાનાં આંધળાંને હવે કોઈ ન આપે કામ,
તારે ગામ વીજળીદીવા, મારે આંહી અંધારા પીવાં.


લિખિતંગ તારી આંધળી માના વાંચજે ઝાઝા જુહાર,
એકે રહ્યું નથી અંગનું ઢાંકણ, ખૂટી છે કોઠીએ જાર,
હવે નથી જીવવા આરો, આવ્યો ભીખ માંગવા વારો.

-ઇંદુલાલ ગાંધી (Indulal Gandhi)
ક્યાંક ઝરણાંની ઉદાસી પથ્થરો વચ્ચે પડી છે,
ક્યાંક તારી યાદની મોસમ રડી છે !

દોસ્ત, મૃગજળની કથા વચ્ચે તમે છો,
આ જુઓ અહીંયા તરસ, ત્યાં વાદળી ઊંચે ચડી છે !

પંખીઓનાં ગીત જેવી એક ઈચ્છા ટળવળે છે,
ઓ હ્રદય ! બોલો કે આ કેવી ઘડી છે !

આવ, મારા રેશમી દિવસોના કારણ,
જિંદગી જેને કહે છે એ અહી ઠેબે ચડી છે !

ઓ નગરજન, હું અજાણ્યા દેશનો થાક્યો પ્રવાસી,
લાગણી નામે હવેલી ક્યાં ખડી છે ?

-શ્યામ સાધુ (Shyam Sadhu)

Monday, June 27, 2005

રણનેરણને ફરી લાગી તરસ સૂરજના કિરણ તણી
વિસરાતી રહી યાદો મીઠી ઝાકળભરી
માથે ધગધગતો-સળગતો સૂરજ છતાંયે
રેતમાં દટાયેલી યાદો રણને સાંભરે ઘડી-ઘડી

Thursday, June 02, 2005

મેળો


આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે,
કોઈ આવ્યા છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યા છે

કોઈ ફુગ્ગાનું ફૂટવુ લાવ્યા, કોઈ દોરાનું તૂટવું લાવ્યા,
કોઈ અંગત ફાડી ખાનારુ એકાંત લઈને આવ્યા છે.

કોઈ ઝરમર ઝરમર છાંયડીઓ, કોઈ ઉભડક ઉભડક લાગણીઓ,
કોઈ ફાળ, તો કોઈ તંબુની નિરાંત લઈને આવ્યા છે.

કોઈ ધસમસતા ખાલી ચહેરે, કોઈ ભરચક શ્વાસે ઊમટતા,
કોઈ અધકચરા, કોઈ અણોસરા જજબાત લઈને આવ્યા છે.

આ પથ્થર વચ્ચે તરણાનું હિજરાવુ લાવ્યો તું ય, રમેશ,
સૌના ખભે સૌ અણિયાળી કોઈ વાત લઈને આવ્યા છે.

-રમેશ પારેખ (Ramesh Parekh)

Tuesday, May 10, 2005

ગઝલ

જનારી રાત્રિ જતાં કહેજે : સલૂણી એવી સવાર આવે
કળી કળીમાં સુવાસ મહેકે, ફૂલો ફૂલોમાં બહાર આવે

હ્ર્દયમાં એવી રમે છે આશા, ફરીથી એવી બહાર આવે
તમારી આંખે શરાબ છલકે, અમારી આંખે ખુમાર આવે

હ્ર્દયમાં કોની એ ઝંખના છે, નયન પ્રતીક્ષા કરે છે કોની ?
ઊભો છે શયદા ઉંબરમાં આવી, ન જાય ઘરમાં ન બહાર આવે


-શયદા

Sunday, May 08, 2005

રમૂજ

મિત્રો, હમણાથી હુ બ્લોગ નિયમિત રીતે અપડેટ કરી શકતો નથી તેનો ખેદ છે, પરંતુ વ્યવસાયિક વ્યસ્તતાને લીધે આવા અનિયમિતતાના 'એપીસોડ' આવતા રહેશે અને તે બદલ દુ:ખ છે. આજે બે રચનાઓ એવી રજૂ કરી રહયો છુ, જેના કોઈ કવિ નથી અને કવિઓ કદાચ સાંભળીને નાકનું ટીચકુ પણ ચઢાવે...

લોકમુખે રચાતી અને પ્રસરતી આ રચનાઓ વિશે તમારા અભિપ્રાયની જરૂરથી રાહ જોવાશે.

પૃથ્વી બગાડે પાપીઓ
પાણી બગાડે લીલ
છોકરા બીચારા શું કરે
છોકરીઓ બગાડે દીલગીત ગાવુ છે પણ અવાજ મળતો નથી
તાજમહલ બનાવવો છે પણ મુમતાઝ મળતી નથી


.....અજ્ઞાત

Saturday, April 30, 2005

રંગ રંગ વાદળિયાં


મિત્રો, ઘણાં વખત પછીના અવકાશમાં એક સુંદર બાળકાવ્ય કવિ સુંદરમ્ દ્ધારા રચિત અત્રે રજૂ કરૂ છુ. આ વાચતી વખતે તમે બચપણમાં સરી પડો કે વાદળોની સફરે જઈ ચઢો તો નવાઈ ન પામતા...હાં રે અમે ગ્યાં'તાંહો રંગના ઓવારે, કે તેજના ફુવારે;
અનંતને આરે, કે રંગ રંગ વાદળિયાં,

હાં રે અમે ઊડ્યાં; હો મોરલાના ગાણે, કે વાયરાના વહાણે;
આશાના સુકાને, કે રંગ રંગ વાદળિયાં.

હાં રે અમે થંભ્યાં,હો મહેલના મિનારે,પંખીના ઉતારે;
ડુંગરાની ધારે,કે રંગ રંગ વાદળિયાં.

હાં રે અમે નાહ્યાં,હો રંગના ઓવારે,કે તેજના ફુવારે;
કુંકુમના ક્યારે,કે રંગ રંગ વાદળિયાં.

હાં રે અમે પોઢ્યાં,છલકતી છોળે, દરિયાને હિંડોળે;
ગગનને ગોળે, કે રંગ રંગ વાદળિયાં.

હાં રે અમે જાગ્યાં,ગુલાલ ભરી ગાલે,ચંદન ધરી ભાલે;
રંગાયાં ગુલાલે,કે રંગ રંગ વાદળિયાં.

હાં રે અમે નાચ્યાં,તારાના તરંગે, રઢિયાળા રંગે;
આનંદના અભંગે, કે રંગ રંગ વાદળિયા

હાં રે અમે આવ્યાં,હો રંગ રંગ અંગે,અનંત રૂપરંગે;
તમારે ઉછંગે,કે રંગ રંગ વાદળિયાં.

'સુંદરમ્' ('Sundaram')

Friday, April 22, 2005

ગઝલ


કાજળભર્યાં નયનના કામણ મને ગમે છે
કારણ નહીં જ આપુ કારણ મને ગમે છે

લજ્જા થકી નમેલી પાંપણ મને ગમે છે
ભાવે છે ભાર મનને ભારણ મને ગમે છે

આવી ગયાં છો આંસૂ લૂછો નહીં ભલા થઈ
આ બારે માસ લીલાં તોરણ મને ગમે છે

'ઘાયલ' મને મુબારક આ ઊર્મિ કાવ્ય મારાં
મે રોઈને ભર્યાં છે એ રણ મને ગમે છે.

-અમૃત 'ઘાયલ'

Thursday, April 21, 2005

ગઝલ

મને આ જોઈને હસવું હજારો વાર આવે છે
પ્રભુ તારા બનાવેલા તને આજે બનાવે છે.

-શયદા સાહેબ

Sunday, April 17, 2005

સ્તુતિપ્રભો ! અન્તર્યામી ! જીવન જીવના ! દીનશરણ !
પિતા ! માતા ! બંધુ ! અનુપમ સખા ! હિતકરણ !
પ્રભા કીર્તિ, કાંન્તિ, ધન, વિભવ - સર્વસ્વ જનના !
નમુ છું, વંદું છું, વિમલમુખ સ્વામી જગતના !

પિતા છે એકાકી જડ દકલ ને ચેતન તણો,
ગુરુ છે, મોટો છે, જનકુલ તણો પૂજ્ય તું ઘણો :
ત્રણે લોકે, દેવા ! નથી તુજ સમો અન્ય, ન થશે,
વિભુરાયા ! તું થી અધિક પછી તો કોણ જ હશે ?

વસે બ્રહ્ભાંડોમા, અમ ઉર વિશે વાસ વસતો,
તું આઘેમાં આઘે, પણ સમીપમાં નિત્ય હસતો,
નમું આત્મા ઢળી, નમન લળતી દેહ નમજો,
નમું કોટી વારે, વળી પ્રભુ ! નમસ્કાર જ હજો.

અસત્યો માંહીથી પ્રભુ ! પરમ સત્યે તું લઈ જા;
ઊંડા અંધારેથી પ્રભુ ! પરમ તેજે તું લઈ જા;
મહા મૃત્યુમાંથી અમૃત સમીપે નાથ ! લઈ જા.
તું હીઃઓ હું છું તો તુજ દરસનાં દાન દઈ જા.

-ન્હાનાલાલ ("કેટલાંક કાવ્યો 2") (Nhanalal)


Tuesday, April 12, 2005

કૃષ્ણ-રાધા


આ નભ ઝૂક્યું તે કાનજી, ને ચાંદની તે રાધા રે.
આ સરવરજલ તે કાનજી, ને પોયણી તે રાધા રે.
આ બાગ ખીલ્યો તે કાનજી, ને લ્હેરી જતી તે રાધા રે.
આ પરવત-શિખર કાનજી, ને કેડી ચડે તે રાધા રે.
આ ચાલ્યાં ચરણ તે કાનજી, પગલી પડે તે રાધા રે.
આ કેશ ગૂંથ્યા તે કાનજી, ને સેંથી પૂરી તે રાધા રે.
આ દીપ જલે તે કાનજી, ને આરતી તે રાધા રે.
આ લોચન મારાં કાનજી, ને નજરું તે રાધા રે !

-પ્રિયકાંત મણિયાર (Priyakant Maniyar)

આ ગીત સાંભળવા અહીં ક્લીક કરો.


Sunday, April 10, 2005

મીઠી માથે ભાત

આ કાવ્ય અંગ્રેજ કવિ વડ્ઝવર્થના 'લ્યુસી ગ્રે' નામના અંગ્રેજી કાવ્ય પરથી લખાયુ છે. બરફનું તોફાન આવવાનું હતું એટલે શહેરમાં ગયેલી માતા માટે ફાનસ લઈને નીકળેલી લ્યુસી બરફનાં તોફાનમાં સપડાઈને મૃત્યુ પામી. આ કાવ્યમાં મીઠી પિતા માટે ભાત લઈને ખેતરે જવા નીકળે છે ને વાઘ એને મારી નાખે છે તેમ બતાવ્યુ છે.

કરૂણરસથી સભર આ કાવ્ય ખરેખર બે ઘડી તમને વિશાદની ગર્તામાં લઈ જશે.


મૂળ અંગ્રેજી કાવ્ય વાચવા માટે અહી કલીક કરો.


(દોહરો)

ડુંગર કેરી ખીણમાં, ગાંભુ નામે ગામ,
ખેતી કરતો ખંતથી પટેલ પાંચો નામ,
સીમ થકી છેટી હતી વાડી એક વિશાળ,
ભોંય બધી ભગરી અને રૂડી અધિક રસાળ.
નવાણ છે નવ કોસનું, ફરતાં જંગી ઝાડ,
રોપી તેમાં શેલડી, વાધ્યો રૂડો વાઢ.
પટલાણીએ પુત્રનું મુખ દીઠું છે માંડ,
મીઠી ઉંમર આઠની બહેન લડાવે લાડ.
શિયાળો પૂરો થતાં પાક્યો પૂરો વાઢ,
વાઘ, શિયાળ, વરુ તણી રહેતી વગડે રાડ.
કેળ સમી સૌ શેલડી ઝૂકી રહી છે ઝુંડ,
રસ મીઠાની લાલચે ભાંગે વાડો ભૂંડ.
ચિચોડો બેસાડવા પાંચે કરી વિચાર,
બાવળનાં નથ-બૂતડી તુર્ત કર્યા તૈયાર.
સોંપ્યુ સાથી સર્વને બાકી બીજું કામ,
સાધન ભેળું સૌ થવા તવા-તાવડા ઠામ.
પટલાણી પેખી રહી પટેલ કેરી વાટ,
રોંઢાવેળા ગઈ વહી પડતું ટાઢું ભાત.

(ભુજંગી)

કહે મા, 'મીઠી લે હવે ભાત આપું,
કીકો લાવ મારી કને, જા તું બાપુ.'
હજી ઘેર આતા નથી તુજ આવ્યા,
ભૂખ્યા એ હશે વાઢ-કામે થકાયા.''
ભલે લાવ, બા, જાઉં હું ભાત દેવા,
દીઠા છે કદી તેં ઊગ્યા મોલ કેવા ?
મીઠી કેળ-શી શેલડી તો ખવાશે,
દીઠી છે ટૂંકી વાટ જલ્દી જવાશે.'
કહી એમ માથે લઈ ભાત ચાલી.
મૂકી માર્ગ ધોરી, ટૂંકી વાટ ઝાલી.

(દોહરો)

વહી જાય છે વેગમાં મીઠી ભરતી ફાળ,
ગણે ના કાંટા કાંકરા, દોડે જેમ મૃગબાળ.
ડુંગર ઝાડી ગીચમાં કોડે કૂદતી જાય,
સામો વાઢ ઝઝૂમતો જોતાં તે હરખાય.
હમણાં વાડી આવશે, હમણાં આપું ભાત,
એમ અધિક ઉતાવળી દોડી મળવા તાત.
બખોલમાંથી બહાર ત્યાં વાઘ ધસ્યો વિકરાળ
થપાટ પાછળથી પડી, બાળા થઈ બેહાલ.
ભાત ઓઢણી તો રહ્યું ઝરડામાં જકડાઈ,
મીઠી બાળા મોતના પંજામાસપડાઈ.
વાઘ ઉપાડી ક્યાં ગયો ? કુદરતમાં કકળાટ !
વૃક્ષ ઊભાં વીલાં બધાં, સૂ ની બની સૌ વાટ !
સાંજ વહી સૂનકારમાં ઓઢીને અંધાર,
રાત રડે છે રાનમાં આંસુડે ચોધાર.
પહોચી ઘર પાંચો કરે 'મીઠી ! મીઠી !' સાદ :
'મારે તો મોડું થયું, રોંઢો ન રહ્યો યાદ.'
પટલાણી આવી કહે : 'મેલી છે મેં ભાત,
મળી નથી તમને હજી ? રોકાણી ક્યાં રાત ?'
મળી નથી મીઠી મને મારગ ધોરી વાટ,
કહાં ગોત કરવી હવે ? ગઈ હશે પગવાટ !
બની ગયાં એ બાવરાં બંને મા ને બાપ,
ગયાં તુર્ત તે ગો તવા કરતાં કંઈ સંતાપ.
નભથી ચાંદો નીરખી વિલાય ફિક્કુ મુખ,
ઝાંખા સર્વે ઝા ડવાં, દારુણ જાણ એ દુ:ખ.
'મીઠી ! મીઠી !' પાડતાં બૂમ ઘણી માબાપ,
જવાબ પાછો ના મળે તેથી કરે વિલાપ.
પળતાં આગળ પગ મહીં અટવાયું કંઈ ઠામ,
તે તો ઘરની તાંસળી, ભાત તણું નહિ નામ.
ખાલી આ કોણે કરી ? હશે સીમના શ્વાન ?
મીઠી કાં મેલી ગઈ ? - બોલે નહિ કંઈ રાન.
વળી પગે અટવાય છે ઝરડું, નીચે જોય,
મીઠી કેરી ઓઢણી -પોકેપોકે રોય.
'હા ! મીઠી, તું ક્યાં ગઈ? આ શું - ઝમે રુધિર !'
ઉત્તર એનો ના મળે : બધુંય વિશ્વ બધિર !
નિરાશ પાછા એ વળ્યાં કરતાં અતિ કકળાટ,
'મીઠી ! મીઠી !' નામથી રડતાં આખી વાટ.
વાઢ ગયો વેચાઈને વીતી ગઈ છે વાત,
તો પણ દેખા દે કદી મીઠી માથે ભાત


-વિઠ્ઠલરાય આવસત્થી ( Vitthalray Avasthi )


Friday, April 08, 2005

મુક્તક

મિત્રો, ઘણી જ વ્યસ્તતાને લીધે વચ્ચે બે-ત્રણ દિવસ ખાલી ગયા તેનો ખેદ છે, પરંતુ આજે પ્રથમ દુહા બાદ એક સરસ મુક્તક અત્રે રજૂ કરી રહયો છુ, આશા રાખુ કે તમને બધાને પસંદ પડશે.પીળાં પર્ણૉ ફરી નથી થતાં કોઈ કાળે જ લીલાં;
ભાંગ્યાં હૈયાં ફરી નથી થતાં કોઈ કાળે રસીલાં.


રમણભાઈ નીલકંઠ ("રાઈનો પર્વત" માંથી) (Ramanbhai Nilkanth)

દુહા

થોડામાં ઘણુ કહી શકવાની ક્ષમતા એ દુહાની વિશેષતા છે. આપણા લોકસાહિત્યનો એ મહત્વનો અને ખૂબ પ્રચલિત એવો કાવ્યપ્રકાર છે.

પ્રથમ દુહામા પરાક્ર્મી અને વ્યક્તિઓને બિરદાવવામાં આવી છે. તેમને ઘોડા અને સિંહ સાથે સરખાવવામાં આવ્યા છે. બીજા દુહામાં ગમે તેવા સંજોગોમાં પણ વચનબદ્ધ રહેનાર શૂરવીરોની પ્રશસ્તિ કરવામાં આવી છે.

ચીલે ચીલે ગડી ચલે, ચીલે ચલે કપૂત;
પણ એ ચીલે નવ ચલે, ઘોડા, સિંહ, સપૂત.

દળ ફરે, વાદળ ફરે, ફરે નદીનાં પૂર;
પણ શૂરા બોલ્યા નવ ફરે, પશ્વિમ ઊગે સૂર.

Monday, April 04, 2005

હાઈકુ

મૂળ જાપાનીઝ કાવ્યપ્રકાર "હાઈકુ"માં પાંચ-સાત-પાંચ અક્ષરોની રચનામાં વિજળીની જેમ કોઈ મર્મસ્પર્શી ચિત્ર ઝબકી જતું હોય છે.

બારી કાચની
અંદર ફૂદું: બ્હાર
વ્યોમ વિશાળ.

- ધીરુ પરીખ (Dheeru Parikh)

આ એક ચંદ્દ્ર
સાચું કહું, માનશો ?
ઓછો પડે છે.

-અનિરુદ્ધ બ્રંહ્ભટ્ટ્ (Aniruddha Brahmbhatt)

Sunday, April 03, 2005

મને જોઈને ઊડી જતાં પક્ષીઓને

નીચેના કાવ્યમાં કવિનો પંખીપ્રેમ વ્યક્ત થયો છે. વળી, પંખી જેવાં કુદરતનાં સુંદર નિર્દોષ તત્વો તરફ મનુષ્ય જે અકારણ ક્રૂરતા આચરે છે તેથી અનુભવાતું દુ:ખ પણ અહી વ્યક્ત થયુ છે. પંખી સાથે એક્પણાનો ભાવ અનુભવવાને બદલે સત્તાના તોરથી વર્તતા લોકો માટે અહીં ખેદ વ્યકત કરાયો છે. કવિ જાણે પંખીઓને સંબોધન કરતા હોય એવી રીતે કાવ્ય લખાયુ છે. એને અનુરૂપ કવિની વાણી પણ અહીં કોમળ અને સરળ છે.


રે પંખીડા ! સુખથી ચણજો, ગીત વા કાંઈ ગાજો,
શાને આવાં મુજથી ડરીને ખેલ છોડી ઊડો છો ?


પાસે જેવી ચરતી હતી આ ગાય તેવો જ હુ છું,
ના ના કો' દી' તમ શરીરને કાંઈ હાનિ કરું હું.


ના પાડી છે તમ તરફ કૈં ફેંકવા માળીને મેં,
ખુલ્લું મ્હારું ઉપવન સદા પંખીડાં સર્વને છે.


રે ! રે ! તોયે કુદરતી મળી ટેવ બ્હિવા જનોથી,
છો બ્હિતાં તો મુજથી પણ સૌ ક્ષેમ તેમાં જ માની


જો ઊડો તો જરુર ડર છે ક્રૂર કો' હસ્તનો, હા !
પા'ણો ફેંકે તમ તરફ, રે ! ખેલ એ તો જનોના !

દુ:ખી છું કે કુદરત તણા સામ્યનું ઐકય ત્યાગી,
રે રે ! સત્તા તમ પર જનો ભોગવે ક્રૂર આવી.


-સુરસિંહજી તખ્તસિંહજી ગોહીલ (કલાપી) (Kalapi)

Thursday, March 31, 2005

જોડકણુ

ગુજરાતી સાહિત્યમાં જોડકણાનુ આગવુ મહત્વ છે. આવુ જ એક સુંદર મજાનુ જોડકણુ આજે અત્રે પ્રસ્તુત છે. ગુજરાતી પરિવારમાં જન્મેલા લગભગ દરેક બાળકે આ જોડકણુ એક વાર તો સાંભળ્યું હશે જ...જો કે આજના અંગ્રેજી માધ્યમમાં ભણતા બાળકોએ કદાચ આ જોડકણુ ના પણ સાંભળ્યું હોય...

વારતા રે વારતા
ભાભો ઢોર ચારતા,
ચપટી બોર લાવતા,
છોકરાવ સમજાવતા,
એક છોકરો રિસાયો,
કોઠી પાછળ ભીંસાયો,
કોઠી પડી આડી,
છોકરાએ ચીસ પાડી,
અરરર... માડી

Tuesday, March 29, 2005

દીલ તમોને...

દિલ તમોને આપતાં આપી દીધું
પામતાં પાછુ અમે માપી લીધું
માત્ર એક જ ક્ષણ તમે રાખ્યું છતાં
ચોતરફથી કેટલું કાપી લીધું!

-મનહર મોદી (Manhar Modi)

Sunday, March 27, 2005

દીકરી વ્હાલનો દરિયો...

લીલુડા પાંદડાની ઉછળતી વેલ
હવે કંકુ ના પગલા દૈ ચાલી
રાખડી ના તાંતણે બાંધેલુ ફળીયુ
હવે લાગે છે સાવ ખાલી ખાલી

દીકરી નો માંડવો જો સૂરજ ને ઘેર હોત
તો જાણત અંધારૂ શી ચીઝ છે
ફાલ ના આંબામાં જે પાંદડા ઝુલે
એની ભીત્તર કૈ મમતાનું બીજ છે?

ધીમા પગલા થી ઉમ્બરો ઓળંગતી
આંસુ ની આંગળી ને ઝાલી
લીલુડા પાંદડાની ઉછળતી વેલ
હવે કંકુ ના પગલા દૈ ચાલી

દીકરી વળાવતા એવો રીવાજ
કે તળાવ સુધી તો હાર્યે જાવુ
ઊઘળતી જાન તને આંખ્યુ તો દરીયો !
કહે તળાવ સુધી વળાવા આવુ?

જાગરણ ની રાતે તુ રમતી જે રાસ
એની ખોવાઈ ગયી છે ક્યાંય તાલી

લીલુડા પાંદડાની ઉછળતી વેલ
હવે કંકુ ના પગલા દૈ ચાલી

-અનિલ જોષી

Thursday, March 24, 2005

તું અહીંયાં રમવા આવ મઝાની ખિસકોલી - બાળગીત

તું અહીંયાં રમવા આવ મઝાની ખિસકોલી
તું દોડ તને દઉ દાવ મઝાની ખિસકોલી

તું કેવી હસે ને રમે મઝાની ખિસકોલી
તારા કૂદકાતો બહુ ગમે મઝાની ખિસકોલી

તું જ્યારે ખિલખિલ ગાય મઝાની ખિસકોલી
તારી પૂંછડી ઊંચી થાય મઝાની ખિસકોલી

તારે અંગે સુંદર પટા મઝાની ખિસકોલી
તારી ખાવાની શી છટા મઝાની ખિસકોલી

તું ઝાડે ઝાડે ચડે મઝાની ખિસકોલી
કહે કેવી મઝા ત્યાં પડે મઝાની ખિસકોલી

બહુ ચંચળ તારી જાત મઝાની ખિસકોલી
તું ઉંદરભાઈની નાત મઝાની ખિસકોલી

તું અહીંયાં રમવા આવ મઝાની ખિસકોલી
તું દોડ તને દઉ દાવ મઝાની ખિસકોલી


-ત્રિભુવનભાઈ વ્યાસ (Tribhuvanbhai Vyas)

Wednesday, March 23, 2005

ને તમે યાદ આવ્યાં

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં,
જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ,
એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં.

ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં,
જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ,
એક તારો ટમકયો ને તમે યાદ આવ્યાં.

જરા ગાગર ઝલકી ને તમે યાદ આવ્યાં,
જાણે કાંઠા તોડે છે કોઈ મ્હેરામણ રામ,
સ્હેજ ચાંદની છ્લકી ને તમે યાદ આવ્યાં.

કોઈ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં,
જાણે કાનુડાના મુખમાં ભ્રમાંડ દીઠું રામ,
કોઈ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યાં.

કોઈ આંગણ અટક્યુ ને તમે યાદ આવ્યાં,
જાણે પગરવની દુનિયામાં શોરે થયો રામ,
એક પગલુ ઊપડ્યું ને તમે યાદ આવ્યાં.

-હરિન્દ્ર દવે (Harindra Dave)

આ ગીત સાંભળવા અહીં ક્લીક કરો.

Tuesday, March 22, 2005

દેશભકત જગડુશા

વાચકમિત્રો, આજે પહેલી વાર કાવ્ય રચનાનાં બદલે નાટ્ય રચના રજૂ કરી રહ્યો છુ. પ્રતિભાવ જણાવશો.

લેખક - રમણલાલ સોની
દેશભકત જગડુશા
સ્થળ : પાટણ
પાટણના રાજા વિશળદેવનો દરબાર
[ રાજા વિશળદેવ દરબાર ભરીને બેટા છે , પણ સૌનાં મોં ઉદાસ છે . આખાયે દરબારમાં જાણે
નિરાશાની ઘેરી છાયા ફરી વળેલી છે . રાજાની સામે રાજજોષી ટીપણું પહોળું કરીને બેઠા છે . તે આંગળીના
વેઢા પર આંકડા માંડે છે . ]
રાજા : તે જોષીજી , આ વર્ષેય વરસાદ નથી શું ?
જોષી : મહારાજ , મને થાય છે કે કાળવાણી ઉચ્ચારતાં મારી જીભ કપાઈ કેમ નથી જતી ?
રાજા : સમજી ગયો ! હું સમજી ગયો ! જોષી , હવે બોલવાની જરૂર નથી .
[ એટલામાં બહારથી ઘણા લોકોનો પોકાર સંભળાય છે : " અમને ખાવાનું આપો ! અમને
જિવાડો ! અમે મરી જઇએ છીએ ! " ]
રાજા : મારી રાંકડી રૈયત ભૂખે મરે છે ! હવે તો એક આશા જગડુશાની રહી છે . પ્રધાનજી એમને
તેડી લાવવા કચ્છ ગયા છે . આજકાલમાં આવી જવા જોઇએ .
દરવાન : [ પ્રવેશી , રાજાને પ્રણામ કરી ] મહારાજ ! કચ્છના શાહ સોદાગર શેઠ જગડુશા પધાર્યા છે .
પ્રધાનજી પણ સાથે છે .
રાજા : [ એકદમ ઉત્સાહમાં આવી ] એકદમ , એકદમ એમને અંદર લઇ આવ !
દરવાન : [ નમ્રતાથી ] મહારાજ , પ્રધાનજીએ કહેવડાવ્યું છે કે શેઠ જગડુશા શાહ સોદાગર છે . તેમનો
સત્કાર કરવા આપ પોતે -
રાજા : સમજ્યો , સમજ્યો ! એમના સત્કાર માટે મારે જ સામા જવું જોઇએ . પ્રધાનજીની વાત સાચી છે !
[ રાજા ગાદી પરથી ઉભો થઇ જાય છે . આખી કચેરી ઊભી થઇ જાય છે . પછી રાજા જગડુશાનો
સત્કાર કરવા પ્રવેશદ્વાર ભણી જાય છે . સામેથી પ્રધાન જગડુશાને લઇ આવે છે . જગડુશાને જોઇ
રાજા ઝડપથી પગલાં ભરી એની સામે જાય છે , તેવી જ રીતે જગડુશા પણ ઝડપ કરે છે . બન્ને
એકબીજાને વહાલથી ભેટે છે . પછી રાજા જગડુશાનો હાથ પકડી રાજગાદી તરફ દોરી જાય છે , અને
પોતાની જોડે જ ગાદી પર તેમને બેસાડે છે . બન્નેના બેઠા પછી પ્રધાન અને દરબારીઓ
પોતપોતાનાં આસન પર બેસે છે . ]
જગડુશા : મહારાજ , ઓચિંતાનો કેમ યાદ કર્યો મને ?
રાજા : સુખદુ:ખની વાતો કરવા , શેઠજી ! ગુજરાતમાં આજે ત્રણ વરસથી કારમો દુકાળ ચાલે છે !
જગડુશા : એકલા ગુજરાતની કાં વાત કરો ? આખા હિંદુસ્થાનમાં આજે દુકાળ છે . સિંધ , મેવાડ માળવા ,
કાશી અને ઠેઠ કંદહાર લગી આજે લોકો ભૂખે મરે છે અને પાનખરમાં પાંદડાં ખરે તેમ ખરે છે .
વખત એવો બારીક છે કે ભલભલાની લાજ જવાનો વખત છે . સાત ખોટના દીકરાના મોંમાંથી બાપ
બટકું રોટલો કાઢી ખાય છે . મૂઠી ધાન સારૂ માબાપ છોકરાને વેચે છે ! શી ખબર શું થવા
બેઠું છે ?
રાજા : રામજી રાખશે તે રહેશે ! પણ આવે વખતે રૈયતને ટકાવી રાખવાનો રાજ્યનો ધર્મ છે .
જગડુશા : આપ સરખા પ્રજાવત્સલ્ય રાજાના મોંમાં આવા જ શબ્દો શોભે . મને એ સાંભળી બહુ આનંદ થાય
છે . મેં તો સાંભળ્યું છે કે આપે આપના ધાનના કોઠાર અને ધનના ભંડાર ગરીબોને માટે ખુલ્લા
મૂકી દીધા છે !
રાજા : મૂકી દીધા હતા ; હવે તો એય ખાલી થઈ ગયા . હવે મારા ધનના ભંડાર અને અન્નના કોઠાર ખાલી~
ખમ થઈ પડયા છે અને રૈયતના પેટનો ખાડો તો હજી ઊણો ને ઊણો જ છે . ધાર્યું ' તું કે ઓણ
સાલ વરસાદ આવશે ને સૌ સારાં વાનાં થશે , પણ વરસાદ આવ્યો નહિ . અધૂરામાં પૂરું તીડ
પડયાં ! લોકો ત્રાહિત્રાહિ પોકારે છે !
[ એટલામાં બહારથી પોકાર આવે છે : " અમે મરી જઈએ છીએ , અમને જિવાડો , અમને જિવાડો ,
અમને અનાજ આપો ! " ]
જગડુશા : [ બહારનો પોકાર સાંભળી ] ભૂખ્યાં ગળાંમાંથી પૂરો અવાજ પણ નીકળતો નથી !
રાજા : વસ્તીનું દુઃખ એ મારું દુઃખ છે , પણ નિવારણનો કોઈ રસ્તો મને દેખાયો નહિ , ત્યારે હું
મૂંઝાયો . એવે વખતે તમે યાદ આવ્યા !
જગડુશા : [ નવાઈ પામી ] હું યાદ આવ્યો ? કેવી રીતે ?
રાજા : મારા સાંભળવામાં આવ્યું છે કે પાટણમાં જગડુશાની માલિકીની કેટલીક અનાજની વખારો છે !
જગડુશા : જગડુશાની માલિકીની કોઈ અનાજની વખારો ? મહારાજ , આપની કંઈક ભૂલ થાય છે . મારી
માલિકીની કોઈ અનાજની વખાર મેં પાટણમાં કે કોઈ શહેરમાં આજે રાખી જ નથી .
રાજા : તો અમે સાંભળ્યું એ શું ?
જગડુશા : કંઈક સમજફેર થઈ હશે , મહારાજ ! કારણ કે વખારો મારી ખરી ને ?
રાજા : [ નવાઈ પામી ] વખારો આપની છે અને છતાં એ આપની માલિકીની નથી , એમ આપનું
કહેવું છે ?
જગડુશા : વાત એમ છે કે વખારો મારી છે એ વિશે કંઈ શંકા નથી !
રાજા: અને એ વખરોમાનું અનાજ ?
જગડુશા : એ અનાજ મારું નથી .
રાજા : [ હતાશ બની જઈ ] એ અનાજ તમારું નથી ? તો શું તમે એ કોઈને દઈ દીધું છે ?
કોને દીધું ? કયારે દીધું ? હું તમને એના મોં માગ્યા દામ આપત !
જગડુશા : એ અનાજ મારું નથી , એ નિશ્ચિત છે . મેં કોને દીધું અને કયારે દીધું એ જાણવું હોય તો
એમ કરો ને , એ વખારો ખોલાવી એની તપાસ કરાવો ને ?
રાજા : એમ કેવી રીતે ખબર પડશે ?
જગડુશા : એમ જ ખબર પડશે . દરેકેદરેકે વખારની અંદર ભીંતપત્ર પર તાંબાપતરામાં લેખ લખાવીને
જડાવેલો છે . તેમાં એ અનાજના માલિકનાં નામઠામ બધું લખેલું છે !
રાજા : ઠીક છે , ઠીક છે , ! હું એ માલિકની પાસે જઇશ . મારી રાંકડી પ્રજાની ખાતર એને કરગરીશ
ને કહીશ કે સુકાળ થયે તને એકેએક દાણા સાટે મોતી ગણીને આપીશ . પણ આજે મારી પર
આટલી દયા કર !
જગડુશા : જે રાજાના દિલમાં રૈયતનાં સુખદુઃખનો આવો ખ્યાલ છે તેને અનાજ જરૂર મળી રહેશે .
રાજા : મળી રહેશે ? કોટવાલજી , જાઓ વખારો ઉઘાડો અને લેખ અહીં લઈ આવો !
કોટવાલ : જેવી આજ્ઞા , મહારાજ ! [ જવાનું કરે છે ]
જગડુશા : મહારાજ ! આપે આટલી તકલીફ લેવાની કંઈ જ જરૂર નથી ! હમણાં જ મારા માણસ લેખ
લઈને અહીં આવશે . મેં કયારનાયે તેમને ત્યાં મોકલી દીધા છે .
[ એટલામાં હાથમાં તાંબાપતરું લઈને એક માણસ સભમાં દાખલ થાય છે . બધા તેની સામે
જોઈ રહે છે . પહેલાં એ રાજાને અને પછી જગડુશાને પગે લાગે છે અને પતરું જગડુશાના
હાથમાં મૂકે છે . જગડુશા એ પતરું રાજાના હાથમાં મૂકે છે . ]
રાજા : આ જ એ લેખ ?
જગડુશા : હા , મહારાજ ! પંડિતજી પાસે એ વંચાવો .
રાજા : પંડિતજી , લો આ લેખ વાંચો .
[ પંડિતજી ઊભા થઈને આગળ આવે છે , ઉઘાડા ડિલ પર ઉપરણો અને માથે પંડિતશાહી
પાઘડી શોભે છે . રાજાની સામે આવી પ્રણામ કરી પતરું હાથમાં લે છે . ]
પંડિત : [ પતરું વાચે છે ] મહારાજ , સાંભળો . આમાં લખ્યું છે કે આ વખાર જગડુશાની છે , પણ
વખારમાંનું બધું અનાજ એનાં ભૂખે મરતાં ગરીબ ભાઈભાંડુઓનું છે . દેશની ભૂખે મરતી વસ્તી
આ અનાજની માલિક છે . એના એક દાણા પર પણ જગડુશાનો હક નથી !
[ આખી સભા આ સાંભળી ઘડીભર સ્તબ્ધ બની જાય છે . પછી કળ વળતાં બધા
` વાહવાહ ' પોકારે છે . ' ]
રાજા : વાહ , જગડુશા વાહ ! [ ઊભો થઈ જઈ જગડુશાને ભેટી પડે છે . ] તમે તો કહેતા હતા કે
અનાજ તમારું નથી ?
જગડુશા : તો મારું કયાં છે ? એ તો ગરીબોનું છે . આ અનાજમાંથી એક દાણોય લેવાનો મને હક
નથી !
[ એટલામાં બીજો માણસ હાથમાં પતરું લઈને આવી પહોંચે છે . તે રાજાને તથા જગડુશાને
પગે લાગી લેખ જગડુશાના હાથમાં મૂકે છે . જગડુશા તે રાજાને સોંપે છે . રાજા પંડિતને આપે
છે . ]
પંડિત : [ બીજો લેખ વાંચે છે ] મહારાજ , સાંભળો , હવે હું બીજું વખારનો લેખ વાંચું છું . આમાં
લખ્યું છે : આ વખાર
જગડુશાની છે . પણ વખારમાંનું બધું અનાજ એનાં ભૂખે મરતાં ગરીબ ભાઈભાંડુઓનું છે .
દેશની ભૂખે મરતી વસ્તી આ અનાજની માલિક છે . એના એક દાણા પર પણ જગડુશાનો
હક નથી !
[ આખી સભા ` વાહવાહ ' પોકારે છે . રાજા ફરી જગડુશાને ભેટી પડે છે . એવામાં ત્રીજો
માણસ સભામાં પ્રવેશે છે . તેના હાથમાં પણ તાંબાપતરું છે . પહેલાંની પેઠે તે પતરું
પણ જગડુશાના અને રાજાના હાથમાં થઈને પંડિતના હાથમાં આવે છે . ]
પંડિત : હવે ત્રીજી વખારનો લેખ સાંભળો : આ વખાર જગડુશાની છે પણ એના પર પણ જગડુશાનો
હક નથી ! દેશની ભૂખે મરતી વસ્તી આ અનાજની માલિક છે .
રાજા : વાહવાહ ! વાહવાહ !
[ આખી સભા આનંદનો જયઘોષ કરે છે . ]
રાજા : જગડુશા , આવી તમારી કેટલી વખારો છે ગામમાં ?
જગડુશા : ચાલીસેક હશે , મહારાજ !
રાજા : ચાલીસ વખારો ? ત્યારે તો મારી પ્રજા જીવી ગઈ અને હુંયે જીવી ગયો ! જયાં લગી
ગુજરાતમાં તમારા જેવા ઉદાર શ્રેષ્ઠીઓ છે , જગડુશા ! ત્યાં લગી ગુજરાતના રાજયને કોઈ
આંચ આવવાની નથી !
[ ત્યાં તો એક સાથે અનેક માણસો હાથમાં તાંબાપતરા લઈ સભામાં પ્રવેશે છે . અને એમને
જોઈ આખી સભા આનંદના આવેશમાં આવી ઊભી થઈ જયનાદ પોકારે છે . ]
આખી સભા : ગુજરાતનો રાજા ઘણું જીવો ! ગુજરાતનો શાહ સોદાગર ઘણું જીવો ! ગુજરાતનું રાજય
અમર રહો !
( પડદો )

Monday, March 21, 2005

લાડકડી

આ કાવ્યમાં દીકરી પ્રત્યેની માયા વ્યક્ત થઈ છે. આપણા સાહીત્યમાં કહ્યુ છે કે "જેને તે ઘેર એક દીકરી, એનો ધન્ય થયો અવતાર"...સાચે જ દીકરી હોવી એ એક અનુપમ લ્હાવો છે. પોતાની કાલી ઘેલી ભાષા અને અલગ અલગ નખરા દ્ધારા નાનપણમાં અવર્ણનીય આનંદ આપીને કયારે મોટી થઈને એ પારકે ઘેર જવા તૈયાર થઈ જાય છે એનો અંદાજ પણ આવતો નથી પરંતુ એ શુભ પણ વસમી ક્ષણ દીકરીના માં-બાપ તથા ખુદ દીકરી માટે ખૂબ જ કરૂણ હોય છે...એ ક્ષણનું કરૂણતાસભર વર્ણન કવિએ કર્યુ છે. વાચકમિત્રો આશા રાખુ કે તમને આ રચના ગમશે જ અને જો ગમે તો તમારો પ્રતિભાવ આપવાનુ ન ચૂકતા.પીઠી ચોળી લાડકડી !
ચૂંદડી ઓઢી લાડકડી !
ચૂંદડીએ ધબકારા ઢાંક્યા ને
કરમાં કર સોંપ્યા લાડકડી !


મીઠી આવો લાડકડી !
કેમ કહું જાઓ લાડકડી ?
તું શાની સાપનો ભારો ?
-તું તુલસીનો ક્યારો લાડકડી !


ચરકલડી ચાલી લાડકડી,
રહેશે ના ઝાલી લાડકડી !
આછેરી શીમળાની છાયા :
એવી તારી માયા લાડકડી !

સોડમાં લીધાં લાડકડી !
આંખભરી પીધાં લાડકડી !
હીબકાંને હૈયામાં રૂંધ્યાં ને
પારકાં કીધાં લાડકડી !

-બાલમુકુંદ દવે (Balamukund Dave)
Sunday, March 20, 2005

ગ્રામમાતા

આજે રવિવાર હોવાથી અને મારે રજા હોવાથી એક ઘણી જ સુંદર કવિતા રજૂ કરૂ છુ. ગુજરાતી સાહિત્યના રસિયાઓ માટે શ્રી કલાપીની આ રચના સાચે જ મન ડોલાવે એવી છે. વાચકમિત્રો જુદા જુદા છંદ પર ધ્યાન આપી તે પ્રમાણે આ રચના ગાવાનો પ્રયત્ન કરે તો માણવાની વધારે મજા આવશે.

(શાર્દૂલવિક્રીડિત)

ઊગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં,
ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ, દીસતી એકે નથી વાદળી;
ઠંડો હિમભર્યો વહે અનિલ શો, ઉત્સાહને પ્રેરતો,
જે ઉત્સાહ ભરી દીસે શુક ઊડી ગાતાં, મીઠાં ગીતડાં !

(માલિની)

મધુર સમય તેવે ખેતરે શેલડીના,રમત કૃષિવલોનાં બાલ ન્હાનાં કરે છે;
કમલવત ગણીને બાલના ગાલ રાતા,રવિ નિજ કર તેની ઉપરે ફેરવે છે !

(અનુષ્ટુપ)

વૃદ્ધ માતા અને તાત તાપે છે સગડી કરી,
અહો ! કેવું સુખી જોડું કર્તાએ નિરમ્યું દીસે !

(વસંતતિલકા)

ત્યાં ધૂળ દૂર નજરે ઊડતી પડે છે,
ને અશ્વ ઉપર ચડી નર કોઈ આવે
ટોળે વળી મુખ વિકાસી ઊભા રહીને,
તે અશ્વને કુતૂહલે સહુ બાલ જોતાં !

(મંદાક્રાન્તા)

ધીમે ઊઠી શિથિલ કરને નેત્રની પાસ રાખી,વૃદ્ધા માતા નયન નબળાં ફેરવીને જુએ છે;
ને તેનો એ પ્રિય પતિ હજુ શાંત બેસી રહીને,જોતાં ગાતો સગડી પરનો દેવતા ફેરવે છે.

(અનુષ્ટુપ)

ત્યાં તો આવી પહોંચ્યો એ અશ્વ સાથે યુવાન ત્યાં;
કૃષિક, એ ઊઠી ત્યારે 'આવો, બાપુ !' કહી ઊભો.

(શાર્દૂલવિક્રીડિત)

'લાગી છે મુજને ત્રુષા, જલ જરી દે તું મને'
બોલીનેઅશ્વેથી ઊતરી યુવાન ઊભીને ચરે દિશાએ જુએ;
'મીઠો છે રસ ભાએ ! શેલડી તણો' એવું દયાથી કહી,
માતા ચલી યુવાનને લઈ ગઈ જ્યાં છે ઊભી શેલડી !

(વસંતતિલકા)

પ્યાલું ઉપાડી ઊભી શેલડી પાસ માતા,
છૂરી વતી જરીક કાતળી એક કાપી;
ત્યાં સેર છૂટી રસની ભરી પાત્ર દેવા,
ને કૈ વિચાર કરતો નર તે ગયો પી.

(અનુષ્ટુપ)

'બીજું પ્યાલું ભરી દેને, હજુ છે મુજને ત્રુષા,'
કહીને પાત્ર યુવને માતાના કરમાં ધર્યું.

(મંદાક્રાન્તા)

કાપી કાપી ફરી ફરી અરે ! કાતળી શેલડીની,
એકે બિંદુ પણ રસતણું કેમ હાવાં પડે ના ?
'શુ કોપ્યો છે પ્રભુ મુજ પરે !' આંખમાં આંસુ લાવી,
બોલી માતા વળી ફરી છૂરી ભોંકતી શેલડીમાં

(અનુષ્ટુપ)

'રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ;
નહિ તો ના બને આવું;' બોલી માતા ફરી રડી.

(વસંતતિલકા)

એવું યુવાન સુણતાં ચમકી ગયો ને
માતાતણે પગ પડી ઊઠીને કહે છે :
‘એ હું જ છું નૃપ, મને કર માફ ! બાઈ !
એ હું જ છું નૃપ, મને કર માફ ! ઈશ !’

(શાર્દૂલવિક્રીડિત)

‘પીતો’તો રસ મિવ્હ્ટ હું પ્રભુ ! અરે ત્યારે જ ધાર્યું હતું,
આ લોક્કો સહુ દ્ધવ્યવાન નકી છે, એવી ધરા છે અહીં;
છે તોયે મુજ ભાગ કૈં નહીંસમો, તે હું વધારું હવે,
શા માટે બહુ દ્ધવ્ય આ ધનિકની, પાસેથી લેવું નહીં ?

(ઉપજાતિ)

રસ હવે દે ભરી પાત્ર બાઈ !પ્રભુક્રુપાએ નકી એ ભરાશે;
સુખી રહે બાઈ! સુખી રહો સૌ,તમારી તો આશિષ માત્ર માગું !’

(વસંતતિલકા)

પ્યાલુ ઉપાડી ઊભી શેલડી પાસ માતા,
છૂરી વતી જરી જ કાતળી એક કાપી;
ત્યાં સેર છૂટી રસની ભરી પાત્ર દેવા,
બ્હોળો વહે રસ અહો ! છલકાવી પ્યાલું !’

-સુરસિંહજી તખ્તસિંહજી ગોહીલ (કલાપી) (Kalapi)

Saturday, March 19, 2005

શુભાસિત

રાતે વ્હેલા જે સૂઈ વ્હેલા ઊઠે વીર
બળ બુદ્ધિ, ધન બહુ વધે સુખમાં રહે શરીર

Friday, March 18, 2005

ચારણ-કન્યા

આ ગુજરાતી બ્લોગના એક વાચકની ફરમાઈશ હતી કે ઝવેરચંદ મેઘાણીની રચના અહીં પ્રસ્તૂત કરૂ. નાનપણથી આ કવિતા મારી પ્રિય છે. આ કવિતા સાથે પુસ્તકમાં ચારણ કન્યાંનું સુંદર રેખાચિત્ર હજી આજે પણ આંખો સમક્ષ રમે છે. વાંચકો ખાસ દરેક કડીનાં અંતે "પ્રાસ" પર ધ્યાન આપે. આટલી સુંદર રીતે જુદી જુદી કલ્પનાઓ દ્ધારા પ્રાસ બેસાડવા એ "કાબિલેતારીફ" છે, પરંતુ "ચારણોના ટપાલી" એવા સ્વ. ઝવેરચંદ મેઘાણી માટે એ રમત વાત છે.
તો માણો એમની આ સુંદર રચના...

સાવજ ગરજે

વનરાવનનો રાજા ગરજે
ગીરકાંઠાનો કેસરી ગરજે
ઐરાવતકુળનો અરિ ગરજે
કડ્યપાતળિયો જોદ્ધો ગરજે
મોં ફાડી માતેલો ગરજે
જાણે કો જોગંદર ગરજે
નાનો એવો સમદર ગરજે !

ક્યાં ક્યાં ગરજે ?

બાવળના જાળામાં ગરજે
ડુંગરના ગાળામાં ગરજે
કણબીના ખેતરમાં ગરજે
ગામ તણા પાદરમાં ગરજે
નદીઓની ભેખડમાં ગરજે
ગિરિઓની ગોહરમાં ગરજે
ઉગમણો, આથમણો ગરજે
ઓરો ને આઘેરો ગરજે

થર થર કાંપે !

વાડામાં વાછડલાં કાંપે
કૂબામાં બાળકડાં કાંપે
મધરાતે પંખીડા કાંપે
ઝાડ તણાં પાંદડલાં કાંપે
પહાડોના પથ્થર પણ કાંપે
સરિતાઓનાં જળ પણ કાંપે
સૂતાં ને જાગંતાં કાંપે
જડ ને ચેતન સૌએ કાંપે

આંખ ઝબૂકે !

કેવી એની આંખ ઝબૂકે !
વાદળમાંથી વીજ ઝબૂકે
જોટે ઊગી બીજ ઝબૂકે
જાણે બે અંગાર ઝબૂકે
હીરાના શણગાર ઝબૂકે
જોગંદરની ઝાળ ઝબૂકે
વીર તણી ઝંઝાળ ઝબૂકે
ટમટમતી બે જ્યોત ઝબૂકે
સામે ઊભું મોત ઝબૂકે

જડબાં ફાડે !

ડુંગર જાણે ડાચાં ફાડે !
જોગી જાણે ગુફા ઉઘાડે !
જમરાજાનું દ્ધાર ઉઘાડે !
પ્રુથ્વીનું પાતાળ ઉઘાડે !
બરછી સરખા દાંત બતાવે
લસ ! લસ ! કરતા જીભ ઝુલાવે.

બ્હાદર ઊઠે !

બડકંદાર બિરાદર ઊઠે
ફરસી લેતો ચારણ ઊઠે
ખડગ ખેંચતો આહીર ઊઠે
બરછી ભલે કાઠી ઊઠે
ઘર-ઘરમાંથી માતી ઊઠે
ગોબો હાથ રબારી ઊઠે
સોટો લઈ ઘરનારી ઊઠે
ગાય તણા રખવાળો ઊઠે
દૂધમલા ગોવાળો ઊઠે
મૂછે વળ દેનારા ઊઠે
ખોંખારો ખાનારા ઊઠે
માનું દૂધ પીનારા ઊઠે !
જાણે આભ મિનારા ઊઠે !

ઊભો રે’જે !

ત્રાડ પડી કે ઊભો રે’જે !
ગીરના કુત્તા ઊભો રે’જે !
કાયર દુત્તા ઊભો રે’જે !
પેટભરા ! તું ઊભો રે’જે !
ભૂખમરા ! તું ઊભો રે’જે !
ચોર-લૂંટારા ઊભો રે’જે !
ગા-ગોઝારા ઊભો રે’જે !

ચારણ-કન્યા

ચૌદ વરસની ચારણ-કન્યા
ચૂંદડિયાળી ચારણ-કન્યા
શ્વેતસુંવાળી ચારણ-કન્યા
બાળી ભોળી ચારણ-કન્યા
લાલ હિંગોળી ચારણ-કન્યા
ઝાડ ચડંતી ચારણ-કન્યા
પહાડ ઘૂમંતી ચારણ-કન્યા
જોબનવંતી ચારણ-કન્યા
આગ-ઝરંતી ચારણ-કન્યા
નેસ-નિવાસી ચારણ-કન્યા
જગદમ્બા-શી ચારણ-કન્યા
ડાંગ ઉઠાવે ચારણ-કન્યા
ત્રાડ ગજાવે ચારણ-કન્યા
હાથ હિલોળી ચારણ-કન્યા
પાછળ દોડી ચારણ-કન્યા

ભયથી ભાગ્યો !

સિંહણ, તારો ભડવીર ભાગ્યો
રણ મેલીને કાયર ભાગ્યો
ડુંગરનો રમનારો ભાગ્યો
હાથીનો હણનારો ભાગ્યો
જોગીનાથ જટાળો ભાગ્યો
મોટો વીર મૂછાળો ભાગ્યો
નર થઈ તું નારીથી ભાગ્યો
નાનકડી છોડીથી ભાગ્યો !

-ઝવેરચંદ મેઘાણી (Zaverchand Meghani)

Thursday, March 17, 2005

અન્યોક્તિ

નાના હતા ત્યારે ગુજરાતી પાઠ્ય પુસ્તકમાં આ કવિતા આવતી હતી, જે અમારે કંઠસ્થ પણ કરવી પડતી હતી. આ સુંદર કવિતામાં અન્યોનાં દોષ જોવા કરતા પોતાની ઊણપ ઉપર ધ્યાન આપવાનો ગર્ભિ ત સંકેત સરસ રીતે પ્રકટ થયેલ છે.
ઊંટ કહે: આ સમામાં, વાંકાં અંગવાળાં ભૂંડા;

ભૂતળમાં પક્ષીઓ ને પશુઓ અપાર છે;
બગલાની ડોક વાંકી, પોપટની ચાંચ વાંકી;
કૂતરાની પૂછ્ડીનો, વાંકો વિસ્તાર છે.
વારણની સૂંઢ વાંકી, વાઘના છે નખ વાંકા;
ભેંસને તો શિર વાંકાં, શિંગડાનો ભાર છે.
સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપતરામ;
“અન્યનું તો એક વાંકું, આપનાં અઢાર છે ”

-દલપતરામ (Dalpat Ram)

છે આવો એકે દેશ?
છે આવો એકે દેશ, આખા જગમાં આવો દેશ?

ફરીફરીને જુઓ છતાંયે આવો ન મળે એક;
પાંચ ખંડની આ પૃથ્વીમાં દેખો દેશ અનેક ... છે આવો

ધર્મતણાં ધાવણ પાયાં છે જેણે જગને નેક;
સંસ્કૃતિ એની ઊંચી તેમજ ઉત્તમ એની ટેક ... છે આવો

વેદ ઉપનિષદ ગીતામાં છે આપ્યા મંત્ર અનેક;
ઉત્તમ જીવનના પાઠ ધર્યા, તાજા આજે છેક ... છે આવો

સૌના હિતના સંદેશ ધર્યા, સેવાની અહાલેક;
ભ્રાતૃભાવની ધરી ભાવના, જગવી સંત અનેક ... છે આવો

શાંતિ સંપ ને સમજુતી માટે કરતો યત્ન દરેક,
ભરતો પગલાં પ્રગતિ પંથપે, રાખી ધૈર્ય વિવેક ... છે આવો

કુદરત એની, એની ઋતુઓ, એના રસ પ્રત્યેક;
પર્વત, સાગર, સરિતા,ઝરણાં દૈવી, ના અતિરેક ... છે આવો

અમર રહો આઝાદી એની, અમર રહો એ દેશ;
વિશ્વશાંતિના દૂત બનાવો એને હે પરમેશ! ... છે આવો


(શ્રી યોગેશ્વરજીના કાવ્યસંગ્રહ 'બિંદુ' માંથી)


Tuesday, March 15, 2005

જૂનું ઘર ખાલી કરતાં

શ્રી બાલમુંકુંદ દવેની આ અતિસુંદર રચના ઘણી જ હ્રદયસ્પર્ષી છે. દરેક મનુષ્યનાં જીવનમાં સ્થળાંતર કરવાનો સમય આવે જ છે, પરંતુ તે વખતે થતી પીડાનું ઘણુ જ સરસ વર્ણન કરેલ્ છે. નિર્જીવ વસ્તુઓ સાથે કેવી માયા બંધાય છે, તદુઉપરાંત કાવ્યનાં ઉર્તરાધમાં પ્રસન્ન દામ્પત્ય જીવનનાં ફળસ્વરૂપ પામેલા અને ત્યાર બાદ અકાળે મ્રુત્યુ પામેલા પુત્રની આવેલી યાદનું કરૂણતાસભર વર્ણન કરેલ છે.

ફંફોસ્યું સૌ ફરીફરી અને હાથ લાગ્યુંય ખાસ્સું :
જૂનું ઝાડૂ, ટૂથબ્રશ, વળી લક્સ સાબુની ગોટી,
બોખી શીશી, ટિનનું ડબલું, બાલદી કૂખકાણી,
તૂટ્યાં ચશ્માં, ક્લિપ, બટન ને ટાંકણી સોય-દોરો !
લીધું દ્ધ્રારે નિત લટકતું નામનું પાટિયું,
જે મૂકી ઊંધુ, સુપરત કરી, લારી કીધી વિદાય.

ઊભા છેલ્લી નજર ભરીને જોઈ લેવા જ ભૂમિ,
જ્યાં વિતાવ્યો પ્રથમ દસકો મુગ્ધ દામ્પત્ય કેરો;
જ્યાં દેવોના પરમ વર શો પુત્ર પામ્યાં પનોતો
ને જ્યાંથી રે કઠણ હ્રદયે અગ્નિને અંક સોંપ્યો !
કોલેથી જે નીકળી સહસા ઊઠતો બોલી જાણે:
'બા-બાપુ ! ના કશુંય ભૂલિયાં, એક ભૂલ્યાં મને કે ?’
ખૂંચી તીણી સજલ દગમાં કાચ કેરી કણિકા !
ઉપાડેલાં ડગ ઉપર શા લોહ કેરા મણિકા !

-બાલમુકુંદ દવે (Balmukunda Dave)

Monday, March 14, 2005

જય જય ગરવી ગુજરાત !
જય જય ગરવી ગુજરાત !
જય જય ગરવી ગુજરાત,
દીપે અરુણું પરભાત,
ધ્વજ પ્રકાશશે ઝળળળ કસુંબી, પ્રેમ શૌર્ય અંકિત;
તું ભણવ ભણવ નિજ સંતજિ સઉને, પ્રેમ ભક્તિની રીત -
ઊંચી તુજ સુંદર જાત,
જય જય ગરવી ગુજરાત.

ઉત્તરમાં અંબા માત,
પૂરવમાં કાળી માત,
છે દક્ષિણ દિશમાં કરંત રક્ષા, કુંતેશ્વર મહાદેવ;
ને સોમનાથ ને દ્ધારકેશ એ, પશ્વિમ કેરા દેવ-
છે સહાયમાં સાક્ષાત
જય જય ગરવી ગુજરાત.

નદી તાપી નર્મદા જોય,
મહી ને બીજી પણ જોય.
વળી જોય સુભટના જુદ્ધ રમણને, રત્નાકર સાગર;
પર્વત પરથી વીર પૂર્વજો, દે આશિષ જયકર-
સંપે સોયે સઉ જાત,
જય જય ગરવી ગુજરાત.

તે અણહિલવાડના રંગ,
તે સિદ્ધ્રરાજ જયસિંગ.
તે રંગ થકી પણ અધિક સરસ રંગ, થશે સત્વરે માત !
શુભ શકુન દીસે મધ્યાહ્ન શોભશે, વીતી ગઈ છે રાત.
જન ઘૂમે નર્મદા સાથ,
જય જય ગરવી ગુજરાત.

-નર્મદ (Narmad)