Wednesday, March 29, 2006

ગુજરાતી વેબસાઈટ

વાંચકમિત્રો,

દિનપ્રતિદિન ગુજરાતીમાં વેબસાઈટની સંખ્યા વધતી જાય છે. હમણા જ ધવલભાઈના બ્લોગ પર બે સુંદર નવા બ્લોગ વિશે માહિતિ હતી અને મારા બ્લોગ પર પણ મે ગુજરાત ટાઈમ્સનો ઉલ્લેખ કરેલ છે. આજે બીજી વેબસાઈટ પણ જોવામાં આવી અને તેમા તમને સહભાગી બનાવવાની ઈચ્છા રોકી શક્યો નથી.

પ્રથમ વેબસાઈટ મારા શહેર વડોદરાની છે. જ્યારે બીજી વેબસાઈટ પાટીદાર સમાજની વેબસાઈટની છે. બન્ને વેબસાઈટ ખૂબ જ ઉમદા હેતુથી બનાવવામાં આવી છે. આશા રાખીએ કે તેઓના હેતુ જરૂરથી પૂર્ણ થાય.

વડોદરા કલેક્ટોરેટ

ધરતી વિકાસ મંડળ


સિદ્ધાર્થ શાહ

Tuesday, March 28, 2006

સરસ સમાચાર

ગુજરાતી વાંચકમિત્રો માટે એક સરસ ખબર છે. જાણીતું અઠવાડિક ગુજરાત ટાઈમ્સ જે મારા ખ્યાલથી ઈંડીયા એબ્રોડ ગ્રુપ પ્રસિદ્ધ કરી રહ્યુ છે તે હવે નેટ પર પ્રાપ્ય છે. આ ખૂબ જ સરસ અઠવાડિક છે. તેમા અલગ અલગ પ્રકારના વિભાગો છે તદ્ઉપરાંત સારા ગુજરાતી પુસ્તકોની માહિતી હોય છે અને જાહેરખબર વિભાગ છે. આનો આનંદ માણવા માટે અત્રે ક્લિક કરો.

સિદ્ધાર્થ શાહ

Saturday, March 25, 2006

શ્રંદ્ધાજલિઆજે નેટ પર ગુજરાતી વર્તમાનપત્ર અકિલા ન્યૂઝ દ્રારા સુપ્રસિદ્ધ લેખક શ્રી ચંદ્રકાંત બક્ષીનાં નિધનના સમાચાર જાણ્યા. તેઓનું ગુજરાતી સાહિત્યમાં ખૂબ જ નોંધપાત્ર પ્રદાન છે. નિડરતા અને પ્રમાણિકતાથી લખનાર લેખકોમાં શ્રી બક્ષી નંબર વન હતા. તેઓના અચાનક સ્વર્ગવાસથી ગુજરાતી સાહિત્ય જગતને ન પૂરાય તેવી ખોટ પડી છે. આ બ્લોગનાં કર્તા તથા વાંચકો તરફથી શ્રી ચંદ્રકાંત બક્ષીને અશ્રુભીની શ્રંદ્ધાજલિ.

સિદ્ધાર્થ શાહ

અકીલામાંથી સાભાર...

Wednesday, March 22, 2006

આરસના મોર

મુક્ત પ્રકૃતિની રમ્ય અને રોમાંચક લીલાને બંધ ઓરડામાં ઈન્દ્ધ્રિયજડ બનીને ન માણી શકાય. ઘનઘોર મેઘને ગોરંભાયેલો જોઈને વનના મોર ડોકના ત્રિભંગ કરીને ટહુકી ઊઠે, પરંતુ ઓરડાને ટોડલે કંડારેલા આરસના મોર ચૂપ બેઠા છે ! એમને સૂસવતો પવન કે લીલીછમ ભીનાશ સ્પર્શી શકતા નથી ! નજર સામે જ ઝરણામાં ઓગળી જતા પહાડ દેખાય, પણ આરસના મોર તો ઓરડારૂપી ડાળ ઉપર મૂંગામંતર થઈને બેઠા છે ! ટોડલા કે નેવાં પણ વર્ષાની ઝડીને માણી શકતા નથી. આધુનિક નગરસભ્યતા વચ્ચે કહેવાતું સુઘડ જીવન જીવતા સાંપ્રત સંવેદનશૂન્ય મનુષ્ય પરનાં મર્માળા કટાક્ષનો ધ્વનિ આ ગીતમાં સ્ફુરતો જણાશે.ચોમાસું ચીતરે માળો ઘનઘોર
વન હઈએ તો એવું કલ્લોલીએ...
અમે આરસના મોર કેમ બોલીએ ?

પાંદડામાં સૂસવતો લીલોછમ થડકારો
ખખડાવે ભીડ્યાં કમાડને
જાળીએ બેસીને અમે ઓગળતો ભાળીએ,
મીણ જેમ આઘેરા પહાડને;
વલવલતા ખોરડાની ડાળ ઓરડો પાળ્યો :
કમાડ કેમ ખોલીએ ?

ઢોળ્યા ઢોળાય નહિ ટોડલા
ને ઘૂઘવતું ખોબે બંધાઈ રહે પાણી,
નભમાંથી ધોધમાર વરસે
ને વાત રહે નેવાંથી કેટલી અજાણી ?
તરણાની જેમ અમે હળવાંફૂલ હઈએ તો -
ગાંડાતૂર વાયરામાં ડોલીએ.

-રમેશ પારેખ ('છ અક્ષરનું નામ') (Ramesh Parekha)

Friday, March 10, 2006

વિદાય લેતી કન્યાનુ ગીત


દાદાને આંગણ આંબલો
આંબલો ઘોર ગંભીર જો...


એક તે પાન મેં ચૂટિયું
દાદા ન દેશો દોહાઈ રે...

અમે રે લીલુડા વનની ચરકલડી
ઊડી જાશું પરદેશ જો...


દાદાને આંગણ આંબલો
આંબલો ઘોર ગંભીર જો...


આજ રે દાદાજીના દેશમાં
કાલ્ય જાશું પરદેશ જો...

દાદાને વહાલા દીકરા
અમને દીધા પરદેશ જો...


દાદાને આંગણ આંબલો
આંબલો ઘોર ગંભીર જો...

સંપત હોય તો દેજો દાદા મોરા
હાથ જોડી ઊભા રહેજો...

હાથ જોડી ઊભા રહેજો દાદા મોરા
જીભલડીએ જશ લેજો...

અમે રે લીલુડા વનની ચરકલડી
ઊડી જાશું પરદેશ જો...