Sunday, April 03, 2005

મને જોઈને ઊડી જતાં પક્ષીઓને

નીચેના કાવ્યમાં કવિનો પંખીપ્રેમ વ્યક્ત થયો છે. વળી, પંખી જેવાં કુદરતનાં સુંદર નિર્દોષ તત્વો તરફ મનુષ્ય જે અકારણ ક્રૂરતા આચરે છે તેથી અનુભવાતું દુ:ખ પણ અહી વ્યક્ત થયુ છે. પંખી સાથે એક્પણાનો ભાવ અનુભવવાને બદલે સત્તાના તોરથી વર્તતા લોકો માટે અહીં ખેદ વ્યકત કરાયો છે. કવિ જાણે પંખીઓને સંબોધન કરતા હોય એવી રીતે કાવ્ય લખાયુ છે. એને અનુરૂપ કવિની વાણી પણ અહીં કોમળ અને સરળ છે.


રે પંખીડા ! સુખથી ચણજો, ગીત વા કાંઈ ગાજો,
શાને આવાં મુજથી ડરીને ખેલ છોડી ઊડો છો ?


પાસે જેવી ચરતી હતી આ ગાય તેવો જ હુ છું,
ના ના કો' દી' તમ શરીરને કાંઈ હાનિ કરું હું.


ના પાડી છે તમ તરફ કૈં ફેંકવા માળીને મેં,
ખુલ્લું મ્હારું ઉપવન સદા પંખીડાં સર્વને છે.


રે ! રે ! તોયે કુદરતી મળી ટેવ બ્હિવા જનોથી,
છો બ્હિતાં તો મુજથી પણ સૌ ક્ષેમ તેમાં જ માની


જો ઊડો તો જરુર ડર છે ક્રૂર કો' હસ્તનો, હા !
પા'ણો ફેંકે તમ તરફ, રે ! ખેલ એ તો જનોના !

દુ:ખી છું કે કુદરત તણા સામ્યનું ઐકય ત્યાગી,
રે રે ! સત્તા તમ પર જનો ભોગવે ક્રૂર આવી.


-સુરસિંહજી તખ્તસિંહજી ગોહીલ (કલાપી) (Kalapi)

No comments: