નાગર નંદજીના લાલ !
રાસ રમંતાં મારી નથડી ખોવાણી.
કાના ! જડી હોય તો આલ્ય, કાના ! જડી હોય તો આલ,
રાસ રમંતાં મારી નથડી ખોવાણી.
પીળી પીળી નથડી ને ધોળાં ધોળાં મોતી,
તે નથડીને કારણ હું તો હીંડું ગોકુળ જોતી
જોતી ... જોતી ... નાગર
એક એક મોતી માંહી સોના કેરો તાર,
સોળસેં ગોપીમાં પ્રભુ ! રાખો મારો ભાર
ભાર... ભાર ... નાગર
નાનેરી પહેરું તો મારે નાકે નવ સોહાય,
મોટેરી પહેરું તો મારા મુખપર ઝોલાં ખાય
ખાય... ખાય... નાગર
આંબા પર કોયલડી બોલે વનમાં બોલે મોર,
રાધાજીની નથડીનો શામળિયો છે ચોર
ચોર... ચોર... નાગર
તું છે બેટી ભ્રખુભાણની ગોકુળ ગામમાં રે'તી,
ત્રણ ટકાની નથડી માટે મુજને ચોર કહેતી
કહેતી ... કહેતી ... નાગર
તું છે લાલો નંદરાયનો હું આહીરની છોડી
બાઇ મીરાં કે' ગિરધર નાગર મારી મતિ છે થોડી
થોડી ... થોડી ... નાગર
- મીરાં બાઇ (Meera Bai)
Sunday, October 02, 2005
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment