Saturday, April 30, 2005

રંગ રંગ વાદળિયાં


મિત્રો, ઘણાં વખત પછીના અવકાશમાં એક સુંદર બાળકાવ્ય કવિ સુંદરમ્ દ્ધારા રચિત અત્રે રજૂ કરૂ છુ. આ વાચતી વખતે તમે બચપણમાં સરી પડો કે વાદળોની સફરે જઈ ચઢો તો નવાઈ ન પામતા...હાં રે અમે ગ્યાં'તાંહો રંગના ઓવારે, કે તેજના ફુવારે;
અનંતને આરે, કે રંગ રંગ વાદળિયાં,

હાં રે અમે ઊડ્યાં; હો મોરલાના ગાણે, કે વાયરાના વહાણે;
આશાના સુકાને, કે રંગ રંગ વાદળિયાં.

હાં રે અમે થંભ્યાં,હો મહેલના મિનારે,પંખીના ઉતારે;
ડુંગરાની ધારે,કે રંગ રંગ વાદળિયાં.

હાં રે અમે નાહ્યાં,હો રંગના ઓવારે,કે તેજના ફુવારે;
કુંકુમના ક્યારે,કે રંગ રંગ વાદળિયાં.

હાં રે અમે પોઢ્યાં,છલકતી છોળે, દરિયાને હિંડોળે;
ગગનને ગોળે, કે રંગ રંગ વાદળિયાં.

હાં રે અમે જાગ્યાં,ગુલાલ ભરી ગાલે,ચંદન ધરી ભાલે;
રંગાયાં ગુલાલે,કે રંગ રંગ વાદળિયાં.

હાં રે અમે નાચ્યાં,તારાના તરંગે, રઢિયાળા રંગે;
આનંદના અભંગે, કે રંગ રંગ વાદળિયા

હાં રે અમે આવ્યાં,હો રંગ રંગ અંગે,અનંત રૂપરંગે;
તમારે ઉછંગે,કે રંગ રંગ વાદળિયાં.

'સુંદરમ્' ('Sundaram')

Friday, April 22, 2005

ગઝલ


કાજળભર્યાં નયનના કામણ મને ગમે છે
કારણ નહીં જ આપુ કારણ મને ગમે છે

લજ્જા થકી નમેલી પાંપણ મને ગમે છે
ભાવે છે ભાર મનને ભારણ મને ગમે છે

આવી ગયાં છો આંસૂ લૂછો નહીં ભલા થઈ
આ બારે માસ લીલાં તોરણ મને ગમે છે

'ઘાયલ' મને મુબારક આ ઊર્મિ કાવ્ય મારાં
મે રોઈને ભર્યાં છે એ રણ મને ગમે છે.

-અમૃત 'ઘાયલ'

Thursday, April 21, 2005

ગઝલ

મને આ જોઈને હસવું હજારો વાર આવે છે
પ્રભુ તારા બનાવેલા તને આજે બનાવે છે.

-શયદા સાહેબ

Sunday, April 17, 2005

સ્તુતિપ્રભો ! અન્તર્યામી ! જીવન જીવના ! દીનશરણ !
પિતા ! માતા ! બંધુ ! અનુપમ સખા ! હિતકરણ !
પ્રભા કીર્તિ, કાંન્તિ, ધન, વિભવ - સર્વસ્વ જનના !
નમુ છું, વંદું છું, વિમલમુખ સ્વામી જગતના !

પિતા છે એકાકી જડ દકલ ને ચેતન તણો,
ગુરુ છે, મોટો છે, જનકુલ તણો પૂજ્ય તું ઘણો :
ત્રણે લોકે, દેવા ! નથી તુજ સમો અન્ય, ન થશે,
વિભુરાયા ! તું થી અધિક પછી તો કોણ જ હશે ?

વસે બ્રહ્ભાંડોમા, અમ ઉર વિશે વાસ વસતો,
તું આઘેમાં આઘે, પણ સમીપમાં નિત્ય હસતો,
નમું આત્મા ઢળી, નમન લળતી દેહ નમજો,
નમું કોટી વારે, વળી પ્રભુ ! નમસ્કાર જ હજો.

અસત્યો માંહીથી પ્રભુ ! પરમ સત્યે તું લઈ જા;
ઊંડા અંધારેથી પ્રભુ ! પરમ તેજે તું લઈ જા;
મહા મૃત્યુમાંથી અમૃત સમીપે નાથ ! લઈ જા.
તું હીઃઓ હું છું તો તુજ દરસનાં દાન દઈ જા.

-ન્હાનાલાલ ("કેટલાંક કાવ્યો 2") (Nhanalal)


Tuesday, April 12, 2005

કૃષ્ણ-રાધા


આ નભ ઝૂક્યું તે કાનજી, ને ચાંદની તે રાધા રે.
આ સરવરજલ તે કાનજી, ને પોયણી તે રાધા રે.
આ બાગ ખીલ્યો તે કાનજી, ને લ્હેરી જતી તે રાધા રે.
આ પરવત-શિખર કાનજી, ને કેડી ચડે તે રાધા રે.
આ ચાલ્યાં ચરણ તે કાનજી, પગલી પડે તે રાધા રે.
આ કેશ ગૂંથ્યા તે કાનજી, ને સેંથી પૂરી તે રાધા રે.
આ દીપ જલે તે કાનજી, ને આરતી તે રાધા રે.
આ લોચન મારાં કાનજી, ને નજરું તે રાધા રે !

-પ્રિયકાંત મણિયાર (Priyakant Maniyar)

આ ગીત સાંભળવા અહીં ક્લીક કરો.


Sunday, April 10, 2005

મીઠી માથે ભાત

આ કાવ્ય અંગ્રેજ કવિ વડ્ઝવર્થના 'લ્યુસી ગ્રે' નામના અંગ્રેજી કાવ્ય પરથી લખાયુ છે. બરફનું તોફાન આવવાનું હતું એટલે શહેરમાં ગયેલી માતા માટે ફાનસ લઈને નીકળેલી લ્યુસી બરફનાં તોફાનમાં સપડાઈને મૃત્યુ પામી. આ કાવ્યમાં મીઠી પિતા માટે ભાત લઈને ખેતરે જવા નીકળે છે ને વાઘ એને મારી નાખે છે તેમ બતાવ્યુ છે.

કરૂણરસથી સભર આ કાવ્ય ખરેખર બે ઘડી તમને વિશાદની ગર્તામાં લઈ જશે.


મૂળ અંગ્રેજી કાવ્ય વાચવા માટે અહી કલીક કરો.


(દોહરો)

ડુંગર કેરી ખીણમાં, ગાંભુ નામે ગામ,
ખેતી કરતો ખંતથી પટેલ પાંચો નામ,
સીમ થકી છેટી હતી વાડી એક વિશાળ,
ભોંય બધી ભગરી અને રૂડી અધિક રસાળ.
નવાણ છે નવ કોસનું, ફરતાં જંગી ઝાડ,
રોપી તેમાં શેલડી, વાધ્યો રૂડો વાઢ.
પટલાણીએ પુત્રનું મુખ દીઠું છે માંડ,
મીઠી ઉંમર આઠની બહેન લડાવે લાડ.
શિયાળો પૂરો થતાં પાક્યો પૂરો વાઢ,
વાઘ, શિયાળ, વરુ તણી રહેતી વગડે રાડ.
કેળ સમી સૌ શેલડી ઝૂકી રહી છે ઝુંડ,
રસ મીઠાની લાલચે ભાંગે વાડો ભૂંડ.
ચિચોડો બેસાડવા પાંચે કરી વિચાર,
બાવળનાં નથ-બૂતડી તુર્ત કર્યા તૈયાર.
સોંપ્યુ સાથી સર્વને બાકી બીજું કામ,
સાધન ભેળું સૌ થવા તવા-તાવડા ઠામ.
પટલાણી પેખી રહી પટેલ કેરી વાટ,
રોંઢાવેળા ગઈ વહી પડતું ટાઢું ભાત.

(ભુજંગી)

કહે મા, 'મીઠી લે હવે ભાત આપું,
કીકો લાવ મારી કને, જા તું બાપુ.'
હજી ઘેર આતા નથી તુજ આવ્યા,
ભૂખ્યા એ હશે વાઢ-કામે થકાયા.''
ભલે લાવ, બા, જાઉં હું ભાત દેવા,
દીઠા છે કદી તેં ઊગ્યા મોલ કેવા ?
મીઠી કેળ-શી શેલડી તો ખવાશે,
દીઠી છે ટૂંકી વાટ જલ્દી જવાશે.'
કહી એમ માથે લઈ ભાત ચાલી.
મૂકી માર્ગ ધોરી, ટૂંકી વાટ ઝાલી.

(દોહરો)

વહી જાય છે વેગમાં મીઠી ભરતી ફાળ,
ગણે ના કાંટા કાંકરા, દોડે જેમ મૃગબાળ.
ડુંગર ઝાડી ગીચમાં કોડે કૂદતી જાય,
સામો વાઢ ઝઝૂમતો જોતાં તે હરખાય.
હમણાં વાડી આવશે, હમણાં આપું ભાત,
એમ અધિક ઉતાવળી દોડી મળવા તાત.
બખોલમાંથી બહાર ત્યાં વાઘ ધસ્યો વિકરાળ
થપાટ પાછળથી પડી, બાળા થઈ બેહાલ.
ભાત ઓઢણી તો રહ્યું ઝરડામાં જકડાઈ,
મીઠી બાળા મોતના પંજામાસપડાઈ.
વાઘ ઉપાડી ક્યાં ગયો ? કુદરતમાં કકળાટ !
વૃક્ષ ઊભાં વીલાં બધાં, સૂ ની બની સૌ વાટ !
સાંજ વહી સૂનકારમાં ઓઢીને અંધાર,
રાત રડે છે રાનમાં આંસુડે ચોધાર.
પહોચી ઘર પાંચો કરે 'મીઠી ! મીઠી !' સાદ :
'મારે તો મોડું થયું, રોંઢો ન રહ્યો યાદ.'
પટલાણી આવી કહે : 'મેલી છે મેં ભાત,
મળી નથી તમને હજી ? રોકાણી ક્યાં રાત ?'
મળી નથી મીઠી મને મારગ ધોરી વાટ,
કહાં ગોત કરવી હવે ? ગઈ હશે પગવાટ !
બની ગયાં એ બાવરાં બંને મા ને બાપ,
ગયાં તુર્ત તે ગો તવા કરતાં કંઈ સંતાપ.
નભથી ચાંદો નીરખી વિલાય ફિક્કુ મુખ,
ઝાંખા સર્વે ઝા ડવાં, દારુણ જાણ એ દુ:ખ.
'મીઠી ! મીઠી !' પાડતાં બૂમ ઘણી માબાપ,
જવાબ પાછો ના મળે તેથી કરે વિલાપ.
પળતાં આગળ પગ મહીં અટવાયું કંઈ ઠામ,
તે તો ઘરની તાંસળી, ભાત તણું નહિ નામ.
ખાલી આ કોણે કરી ? હશે સીમના શ્વાન ?
મીઠી કાં મેલી ગઈ ? - બોલે નહિ કંઈ રાન.
વળી પગે અટવાય છે ઝરડું, નીચે જોય,
મીઠી કેરી ઓઢણી -પોકેપોકે રોય.
'હા ! મીઠી, તું ક્યાં ગઈ? આ શું - ઝમે રુધિર !'
ઉત્તર એનો ના મળે : બધુંય વિશ્વ બધિર !
નિરાશ પાછા એ વળ્યાં કરતાં અતિ કકળાટ,
'મીઠી ! મીઠી !' નામથી રડતાં આખી વાટ.
વાઢ ગયો વેચાઈને વીતી ગઈ છે વાત,
તો પણ દેખા દે કદી મીઠી માથે ભાત


-વિઠ્ઠલરાય આવસત્થી ( Vitthalray Avasthi )


Friday, April 08, 2005

મુક્તક

મિત્રો, ઘણી જ વ્યસ્તતાને લીધે વચ્ચે બે-ત્રણ દિવસ ખાલી ગયા તેનો ખેદ છે, પરંતુ આજે પ્રથમ દુહા બાદ એક સરસ મુક્તક અત્રે રજૂ કરી રહયો છુ, આશા રાખુ કે તમને બધાને પસંદ પડશે.પીળાં પર્ણૉ ફરી નથી થતાં કોઈ કાળે જ લીલાં;
ભાંગ્યાં હૈયાં ફરી નથી થતાં કોઈ કાળે રસીલાં.


રમણભાઈ નીલકંઠ ("રાઈનો પર્વત" માંથી) (Ramanbhai Nilkanth)

દુહા

થોડામાં ઘણુ કહી શકવાની ક્ષમતા એ દુહાની વિશેષતા છે. આપણા લોકસાહિત્યનો એ મહત્વનો અને ખૂબ પ્રચલિત એવો કાવ્યપ્રકાર છે.

પ્રથમ દુહામા પરાક્ર્મી અને વ્યક્તિઓને બિરદાવવામાં આવી છે. તેમને ઘોડા અને સિંહ સાથે સરખાવવામાં આવ્યા છે. બીજા દુહામાં ગમે તેવા સંજોગોમાં પણ વચનબદ્ધ રહેનાર શૂરવીરોની પ્રશસ્તિ કરવામાં આવી છે.

ચીલે ચીલે ગડી ચલે, ચીલે ચલે કપૂત;
પણ એ ચીલે નવ ચલે, ઘોડા, સિંહ, સપૂત.

દળ ફરે, વાદળ ફરે, ફરે નદીનાં પૂર;
પણ શૂરા બોલ્યા નવ ફરે, પશ્વિમ ઊગે સૂર.

Monday, April 04, 2005

હાઈકુ

મૂળ જાપાનીઝ કાવ્યપ્રકાર "હાઈકુ"માં પાંચ-સાત-પાંચ અક્ષરોની રચનામાં વિજળીની જેમ કોઈ મર્મસ્પર્શી ચિત્ર ઝબકી જતું હોય છે.

બારી કાચની
અંદર ફૂદું: બ્હાર
વ્યોમ વિશાળ.

- ધીરુ પરીખ (Dheeru Parikh)

આ એક ચંદ્દ્ર
સાચું કહું, માનશો ?
ઓછો પડે છે.

-અનિરુદ્ધ બ્રંહ્ભટ્ટ્ (Aniruddha Brahmbhatt)

Sunday, April 03, 2005

મને જોઈને ઊડી જતાં પક્ષીઓને

નીચેના કાવ્યમાં કવિનો પંખીપ્રેમ વ્યક્ત થયો છે. વળી, પંખી જેવાં કુદરતનાં સુંદર નિર્દોષ તત્વો તરફ મનુષ્ય જે અકારણ ક્રૂરતા આચરે છે તેથી અનુભવાતું દુ:ખ પણ અહી વ્યક્ત થયુ છે. પંખી સાથે એક્પણાનો ભાવ અનુભવવાને બદલે સત્તાના તોરથી વર્તતા લોકો માટે અહીં ખેદ વ્યકત કરાયો છે. કવિ જાણે પંખીઓને સંબોધન કરતા હોય એવી રીતે કાવ્ય લખાયુ છે. એને અનુરૂપ કવિની વાણી પણ અહીં કોમળ અને સરળ છે.


રે પંખીડા ! સુખથી ચણજો, ગીત વા કાંઈ ગાજો,
શાને આવાં મુજથી ડરીને ખેલ છોડી ઊડો છો ?


પાસે જેવી ચરતી હતી આ ગાય તેવો જ હુ છું,
ના ના કો' દી' તમ શરીરને કાંઈ હાનિ કરું હું.


ના પાડી છે તમ તરફ કૈં ફેંકવા માળીને મેં,
ખુલ્લું મ્હારું ઉપવન સદા પંખીડાં સર્વને છે.


રે ! રે ! તોયે કુદરતી મળી ટેવ બ્હિવા જનોથી,
છો બ્હિતાં તો મુજથી પણ સૌ ક્ષેમ તેમાં જ માની


જો ઊડો તો જરુર ડર છે ક્રૂર કો' હસ્તનો, હા !
પા'ણો ફેંકે તમ તરફ, રે ! ખેલ એ તો જનોના !

દુ:ખી છું કે કુદરત તણા સામ્યનું ઐકય ત્યાગી,
રે રે ! સત્તા તમ પર જનો ભોગવે ક્રૂર આવી.


-સુરસિંહજી તખ્તસિંહજી ગોહીલ (કલાપી) (Kalapi)