Sunday, October 22, 2006

શુભ દિપાવલી અને નૂતન વર્ષાભિનંદન

વ્હાલા વાંચકમિત્રો,

દિવાળી પર્વનાં સુંદર દિવસો ચાલી રહ્યા છે. તહેવારોની આ મોસમમાં અચૂક રીતે વતનની યાદ આવી જાય છે. વતનથી જોજનો દૂર વતનની યાદો આંખોની સામે અચાનક જીવંત થઈ જાય છે.

મારી બાળપણની દિવાળી મહદ અંશે ક્યા તો વડોદરામાં અથવા તો અમારા દાદાનાં ગામમાં ઉજવાતી.
દિવાળીના દિવસો નજીક આવતા જ વાતાવરણ જીવંત બની જતુ. મમ્મી સાથે ઘર અને માળીયુ સાફ કરવાની, દિવાળીનો નાસ્તો (મઠીયા, ઘૂઘરા, ફાફડા) બનતા જોવાની અને ખાવાની મજા, રંગોળીની ઓટલી બનાવવાની અને એને લીપ્યા બાદ સુંદર રંગોળી પૂરવાની, રાત્રે ઓટલા પર કોડીયાનાં દિવા કરવાની, ફટાકડા ફોડવાની મજા જ કઈક ઓર હતી. વળી ગામડે ગયા હોય તો દાદા સાથે ચોપડા પૂજન કરવાની અને ત્યારબાદ ઘરે સાલમુબારક કરવા આવતા લોકોને મળવાની એક અલગ મજા હતી.


દિવાળીના દિવસોમાં લોકો હિલ સ્ટેશન પર જવાને બદલે ઘરે જ રહેતા અને ઉમળકાથી મહેમાનોનું સ્વાગત કરતા. આજે પરિસ્થિતિ ઘણી જ બદલાઈ ગઈ છે. તૈયાર નાસ્તાઓની મોસમ આવી ગઈ છે, સ્વતંત્ર ઘરોના બદલે ફ્લેટ્સની સંખ્યા વધતા રંગોળીનાં બદ્લે સ્ટીકર લાગે છે, દિવાની જગ્યાએ ઈલેક્ટ્રીક રોશની થાય છે અને લોકો દિવાળીની રજામાં ફરવા જાય છે.

આમ છતા હું એવુ માનુ છુ કે તહેવારો ઉજવવાની મજા તો વતનમાં જ આવે....

આવા સુંદર દિવાળીના પર્વે આ બ્લોગના વતનમાં રહેતા અને વતનથી દૂર રહેતા સમગ્ર વાંચકોને મારી શુભેચ્છાઓ અને આવનારૂ નવુ વર્ષ તમારી દરેક સારી મનોકામના પૂર્ણ કરે એ જ અભ્યર્થના...

સિદ્ધાર્થ

Sunday, October 01, 2006

માતાજીની આરતી


જય આદ્યા શક્તિ મા જય આદ્યા શક્તિ
અખંડ બ્રહ્માંડ નિપજાવ્યા, પડવે પ્રકટ્યા મા ... ઓમ

દ્વિતીયા બે સ્વરૂપ, શિવ શક્તિ જાણો (2)
બ્રહ્મા ગણપતિ ગાવે, હર ગાવે હરમાં ... ઓમ

તૃતિયા ત્રણ સ્વરૂપ, ત્રિભુવનમાં સોહે (2)
જયા થકી તરવેણી સુસરવેણીમાં ... ઓમ

ચોથે ચતુરા મહાલક્ષ્મી મા, સચરાચર વ્યાપ્યા (2)
ચાર ભૂજા ચૌ દિશે, પ્રકટ્યા દક્ષિણમાં ... ઓમ

પંચમે પંચ ઋષિ, પંચમેં ગુણ સઘળાં (2)
પંચ તત્વ ત્યાં સોહીએ, પંડે સત્વોમાં ... ઓમ

ષષ્ઠી તું નારાયણી, મહિસાસુર માર્યો (2)
નર નારીના રૂપે, વ્યાપ્યાં સર્વેમાં ... ઓમ

સપ્તમી સપ્ત પાતાલ, સંધ્યા સાવિત્રિ (2)
ગૌ ગંગા ગાયત્રી, ગૌરી ગીતા મા ... ઓમ

અષ્ટમી અષ્ટ ભૂજા, ઓયે આનંદ મા (2)
સુરિ નર મુનીવર જનમ્યા, દેવ દૈત્યોમાં ... ઓમ

નવમી નવકુળ નાગ, સેવે નવદુર્ગા (2)
નવરાત્રીના પૂજન, શિવરાત્રીના અર્ચન, કીધા હર બ્રહ્મા ... ઓમ

દશમી દશ અવતાર, જય વિજયા દશમી (2)
રામે રામ રમાડ્યા, રાવણ રોળ્યો મા ... ઓમ

એકાદશી અગિયારસે, કાત્યાયની કામા (2)
કામદુર્ગા કાલિકા, શ્યામા ને રામા ... ઓમ

બારસે બાલા રૂપ, બહુચરી અંબા મા (2)
બટુક ભૈરવ સોહીએ, કાળ ભૈરવ સોહીએ, તારા છે તુજમાં ... ઓમ


તેરસે તુલજા રૂપ, તું તારૂણી માતા (2)
બ્રહ્મા વિષ્ણુ સદાશીવ, ગુણ તારા ગાતાં ... ઓમ


ચૌદશે ચૌદ રૂપ, ચંડી ચામુંડા (2)
ભાવ ભક્તિ કંઇ આપો, ચતુરાઇ કંઇ આપો, સિંહવાહીની મા ... ઓમ

પૂનમે કુંભ ભર્યો, સાંભળજો કરુણા (2)
વશિષ્ઠ દેવે વખાણ્યા, મારકંડ દેવે વખાણ્યા, ગાઇએ શુભ કવિતા ... ઓમ

સંવત સોળ સત્તાવન, સોળસે બાવીસમાં (2)
સંવત સોળે પ્રગટ્યા, રેવાને તીરે ... ઓમ


ત્રંબાવટી નગરીમાં, રૂપાવતી નગરી (2)
સોળ સહસ્ત્ર ત્યાં સોહીએ, ક્ષમા કરો ગૌરી ... ઓમ

ભાવ ન જાણું, ભક્તિ ન જાણું, નવ જાણું સેવા (2)
બાળક તારા શરણે અવિચલ પદ લેવા ... ઓમ

એ બે એક સ્વરૂપ, અંતર નવ ગણશો (2)
ભોળા ભવાનીને ભજતાં, ભવસાગર તરશો ... ઓમ

શિવશક્તિની આરતી જે કોઇ ગાશે (2)
ભણે શિવાનંદ સ્વામી, સુખ સંપત્તિ થાશે, હર કૈલાસે જાશે, મા અંબા દુઃખ હરશે ... ઓમ

("સ્વર્ગારોહણ"માંથી સાભાર)