Friday, July 29, 2005

દાદીમાનો ઓરડો

પરિવારજીવનમાં વૃદ્ધના અવસાનથી ખાલીપાની વ્યથાની ઊંડી અનુભૂતિ થતી હોય છે, પણ પછી અન્ય વૃદ્ધોને જોતા આપણું ચિત્ત કંઈક રાહત અનુભવે છે. કવિએ એ સૌ કોઈના હ્રદયના ભાવને પોતાના દાદીમાનાં નિધન નિમિત્તે અહીં રજૂ કર્યો છે. આ સોનેટમાં દીર્ઘાયુષી, કરૂણામૂર્તિ અને સુખદુ:ખના ખજાના સમાં દાદીમાની કાયમી ગેરહાજરીની વ્યથા અષ્ટકમાં વ્યકત થઈ છે. પણ પછી વિશ્વસકલના વૃદ્ધોમાં દાદીમાંનો સાક્ષાત્કાર થવાથી એ સંવેદન સરસ વળાંક છે. દાદીમાની અનુપસ્થિતિથી સૂમસામ એવો ઓરડો જ અહીં એ સંવેદન જાગવાનું નિમિત્ત બની રહે છે.

દાદીમાનો ઓરડો

અહીં જ બસ બા ! સદાય ઢળતો જતો ઢોલિયો,
અહીં જ મણકા ફર્યા વરસ, એક સો સાતના;

અહીં જ ત્રણ પેઢીના ઝૂલવિયાં તમે પારણાં
અહીં જ લચતો ખચેલ ફૂલડે હતો માંડવો.

કદી મરણ બા ! અકાલ ફૂલડાં ચૂંટિયે લિયે,
સહ્યા કઠણ ઘા તમે કરૂણમૂર્તિ ! ભારે હિયે

અનેક સુખદુ:ખના સ્મરણના પટારા સમો,
સૂનો ભરખવા ધસે અહહ ! એ જ આ ઓરડો !

હવે નયન બા ! બધે જ તમને રહે ઢૂંઢતાં,
પિયાસ તમ દર્શની અવ રહી છ પીડી જ કે-

જરાક નજરે ચડે તમ સમું જ કો ખોળિયું
બિછાનું બસ સેજ અંતરતણે અહીં ઓરડે;

નિમંત્રી રહું પોઢવા સકલ વિશ્વવૃદ્ધત્વને
અનેસકલ વૃદ્ધમાં વિલસતાં દીસો બા તમે !

-બાલમુકુન્દ દવે (Balmukund Dave)

No comments: