Saturday, April 30, 2005

રંગ રંગ વાદળિયાં


મિત્રો, ઘણાં વખત પછીના અવકાશમાં એક સુંદર બાળકાવ્ય કવિ સુંદરમ્ દ્ધારા રચિત અત્રે રજૂ કરૂ છુ. આ વાચતી વખતે તમે બચપણમાં સરી પડો કે વાદળોની સફરે જઈ ચઢો તો નવાઈ ન પામતા...



હાં રે અમે ગ્યાં'તાંહો રંગના ઓવારે, કે તેજના ફુવારે;
અનંતને આરે, કે રંગ રંગ વાદળિયાં,

હાં રે અમે ઊડ્યાં; હો મોરલાના ગાણે, કે વાયરાના વહાણે;
આશાના સુકાને, કે રંગ રંગ વાદળિયાં.

હાં રે અમે થંભ્યાં,હો મહેલના મિનારે,પંખીના ઉતારે;
ડુંગરાની ધારે,કે રંગ રંગ વાદળિયાં.

હાં રે અમે નાહ્યાં,હો રંગના ઓવારે,કે તેજના ફુવારે;
કુંકુમના ક્યારે,કે રંગ રંગ વાદળિયાં.

હાં રે અમે પોઢ્યાં,છલકતી છોળે, દરિયાને હિંડોળે;
ગગનને ગોળે, કે રંગ રંગ વાદળિયાં.

હાં રે અમે જાગ્યાં,ગુલાલ ભરી ગાલે,ચંદન ધરી ભાલે;
રંગાયાં ગુલાલે,કે રંગ રંગ વાદળિયાં.

હાં રે અમે નાચ્યાં,તારાના તરંગે, રઢિયાળા રંગે;
આનંદના અભંગે, કે રંગ રંગ વાદળિયા

હાં રે અમે આવ્યાં,હો રંગ રંગ અંગે,અનંત રૂપરંગે;
તમારે ઉછંગે,કે રંગ રંગ વાદળિયાં.

'સુંદરમ્' ('Sundaram')

1 comment:

Anonymous said...

આ કાવ્ય વાચતા મને 'પેલા પંખી'ની કવિતા યાદ આવી ગૈ. શું સુંદર હતા એ બાળપણ ના દિવસો! - SV ( http://sv.typepad.com/guju/2005/02/__2.html )