Tuesday, March 22, 2005

દેશભકત જગડુશા

વાચકમિત્રો, આજે પહેલી વાર કાવ્ય રચનાનાં બદલે નાટ્ય રચના રજૂ કરી રહ્યો છુ. પ્રતિભાવ જણાવશો.

લેખક - રમણલાલ સોની
દેશભકત જગડુશા
સ્થળ : પાટણ
પાટણના રાજા વિશળદેવનો દરબાર
[ રાજા વિશળદેવ દરબાર ભરીને બેટા છે , પણ સૌનાં મોં ઉદાસ છે . આખાયે દરબારમાં જાણે
નિરાશાની ઘેરી છાયા ફરી વળેલી છે . રાજાની સામે રાજજોષી ટીપણું પહોળું કરીને બેઠા છે . તે આંગળીના
વેઢા પર આંકડા માંડે છે . ]
રાજા : તે જોષીજી , આ વર્ષેય વરસાદ નથી શું ?
જોષી : મહારાજ , મને થાય છે કે કાળવાણી ઉચ્ચારતાં મારી જીભ કપાઈ કેમ નથી જતી ?
રાજા : સમજી ગયો ! હું સમજી ગયો ! જોષી , હવે બોલવાની જરૂર નથી .
[ એટલામાં બહારથી ઘણા લોકોનો પોકાર સંભળાય છે : " અમને ખાવાનું આપો ! અમને
જિવાડો ! અમે મરી જઇએ છીએ ! " ]
રાજા : મારી રાંકડી રૈયત ભૂખે મરે છે ! હવે તો એક આશા જગડુશાની રહી છે . પ્રધાનજી એમને
તેડી લાવવા કચ્છ ગયા છે . આજકાલમાં આવી જવા જોઇએ .
દરવાન : [ પ્રવેશી , રાજાને પ્રણામ કરી ] મહારાજ ! કચ્છના શાહ સોદાગર શેઠ જગડુશા પધાર્યા છે .
પ્રધાનજી પણ સાથે છે .
રાજા : [ એકદમ ઉત્સાહમાં આવી ] એકદમ , એકદમ એમને અંદર લઇ આવ !
દરવાન : [ નમ્રતાથી ] મહારાજ , પ્રધાનજીએ કહેવડાવ્યું છે કે શેઠ જગડુશા શાહ સોદાગર છે . તેમનો
સત્કાર કરવા આપ પોતે -
રાજા : સમજ્યો , સમજ્યો ! એમના સત્કાર માટે મારે જ સામા જવું જોઇએ . પ્રધાનજીની વાત સાચી છે !
[ રાજા ગાદી પરથી ઉભો થઇ જાય છે . આખી કચેરી ઊભી થઇ જાય છે . પછી રાજા જગડુશાનો
સત્કાર કરવા પ્રવેશદ્વાર ભણી જાય છે . સામેથી પ્રધાન જગડુશાને લઇ આવે છે . જગડુશાને જોઇ
રાજા ઝડપથી પગલાં ભરી એની સામે જાય છે , તેવી જ રીતે જગડુશા પણ ઝડપ કરે છે . બન્ને
એકબીજાને વહાલથી ભેટે છે . પછી રાજા જગડુશાનો હાથ પકડી રાજગાદી તરફ દોરી જાય છે , અને
પોતાની જોડે જ ગાદી પર તેમને બેસાડે છે . બન્નેના બેઠા પછી પ્રધાન અને દરબારીઓ
પોતપોતાનાં આસન પર બેસે છે . ]
જગડુશા : મહારાજ , ઓચિંતાનો કેમ યાદ કર્યો મને ?
રાજા : સુખદુ:ખની વાતો કરવા , શેઠજી ! ગુજરાતમાં આજે ત્રણ વરસથી કારમો દુકાળ ચાલે છે !
જગડુશા : એકલા ગુજરાતની કાં વાત કરો ? આખા હિંદુસ્થાનમાં આજે દુકાળ છે . સિંધ , મેવાડ માળવા ,
કાશી અને ઠેઠ કંદહાર લગી આજે લોકો ભૂખે મરે છે અને પાનખરમાં પાંદડાં ખરે તેમ ખરે છે .
વખત એવો બારીક છે કે ભલભલાની લાજ જવાનો વખત છે . સાત ખોટના દીકરાના મોંમાંથી બાપ
બટકું રોટલો કાઢી ખાય છે . મૂઠી ધાન સારૂ માબાપ છોકરાને વેચે છે ! શી ખબર શું થવા
બેઠું છે ?
રાજા : રામજી રાખશે તે રહેશે ! પણ આવે વખતે રૈયતને ટકાવી રાખવાનો રાજ્યનો ધર્મ છે .
જગડુશા : આપ સરખા પ્રજાવત્સલ્ય રાજાના મોંમાં આવા જ શબ્દો શોભે . મને એ સાંભળી બહુ આનંદ થાય
છે . મેં તો સાંભળ્યું છે કે આપે આપના ધાનના કોઠાર અને ધનના ભંડાર ગરીબોને માટે ખુલ્લા
મૂકી દીધા છે !
રાજા : મૂકી દીધા હતા ; હવે તો એય ખાલી થઈ ગયા . હવે મારા ધનના ભંડાર અને અન્નના કોઠાર ખાલી~
ખમ થઈ પડયા છે અને રૈયતના પેટનો ખાડો તો હજી ઊણો ને ઊણો જ છે . ધાર્યું ' તું કે ઓણ
સાલ વરસાદ આવશે ને સૌ સારાં વાનાં થશે , પણ વરસાદ આવ્યો નહિ . અધૂરામાં પૂરું તીડ
પડયાં ! લોકો ત્રાહિત્રાહિ પોકારે છે !
[ એટલામાં બહારથી પોકાર આવે છે : " અમે મરી જઈએ છીએ , અમને જિવાડો , અમને જિવાડો ,
અમને અનાજ આપો ! " ]
જગડુશા : [ બહારનો પોકાર સાંભળી ] ભૂખ્યાં ગળાંમાંથી પૂરો અવાજ પણ નીકળતો નથી !
રાજા : વસ્તીનું દુઃખ એ મારું દુઃખ છે , પણ નિવારણનો કોઈ રસ્તો મને દેખાયો નહિ , ત્યારે હું
મૂંઝાયો . એવે વખતે તમે યાદ આવ્યા !
જગડુશા : [ નવાઈ પામી ] હું યાદ આવ્યો ? કેવી રીતે ?
રાજા : મારા સાંભળવામાં આવ્યું છે કે પાટણમાં જગડુશાની માલિકીની કેટલીક અનાજની વખારો છે !
જગડુશા : જગડુશાની માલિકીની કોઈ અનાજની વખારો ? મહારાજ , આપની કંઈક ભૂલ થાય છે . મારી
માલિકીની કોઈ અનાજની વખાર મેં પાટણમાં કે કોઈ શહેરમાં આજે રાખી જ નથી .
રાજા : તો અમે સાંભળ્યું એ શું ?
જગડુશા : કંઈક સમજફેર થઈ હશે , મહારાજ ! કારણ કે વખારો મારી ખરી ને ?
રાજા : [ નવાઈ પામી ] વખારો આપની છે અને છતાં એ આપની માલિકીની નથી , એમ આપનું
કહેવું છે ?
જગડુશા : વાત એમ છે કે વખારો મારી છે એ વિશે કંઈ શંકા નથી !
રાજા: અને એ વખરોમાનું અનાજ ?
જગડુશા : એ અનાજ મારું નથી .
રાજા : [ હતાશ બની જઈ ] એ અનાજ તમારું નથી ? તો શું તમે એ કોઈને દઈ દીધું છે ?
કોને દીધું ? કયારે દીધું ? હું તમને એના મોં માગ્યા દામ આપત !
જગડુશા : એ અનાજ મારું નથી , એ નિશ્ચિત છે . મેં કોને દીધું અને કયારે દીધું એ જાણવું હોય તો
એમ કરો ને , એ વખારો ખોલાવી એની તપાસ કરાવો ને ?
રાજા : એમ કેવી રીતે ખબર પડશે ?
જગડુશા : એમ જ ખબર પડશે . દરેકેદરેકે વખારની અંદર ભીંતપત્ર પર તાંબાપતરામાં લેખ લખાવીને
જડાવેલો છે . તેમાં એ અનાજના માલિકનાં નામઠામ બધું લખેલું છે !
રાજા : ઠીક છે , ઠીક છે , ! હું એ માલિકની પાસે જઇશ . મારી રાંકડી પ્રજાની ખાતર એને કરગરીશ
ને કહીશ કે સુકાળ થયે તને એકેએક દાણા સાટે મોતી ગણીને આપીશ . પણ આજે મારી પર
આટલી દયા કર !
જગડુશા : જે રાજાના દિલમાં રૈયતનાં સુખદુઃખનો આવો ખ્યાલ છે તેને અનાજ જરૂર મળી રહેશે .
રાજા : મળી રહેશે ? કોટવાલજી , જાઓ વખારો ઉઘાડો અને લેખ અહીં લઈ આવો !
કોટવાલ : જેવી આજ્ઞા , મહારાજ ! [ જવાનું કરે છે ]
જગડુશા : મહારાજ ! આપે આટલી તકલીફ લેવાની કંઈ જ જરૂર નથી ! હમણાં જ મારા માણસ લેખ
લઈને અહીં આવશે . મેં કયારનાયે તેમને ત્યાં મોકલી દીધા છે .
[ એટલામાં હાથમાં તાંબાપતરું લઈને એક માણસ સભમાં દાખલ થાય છે . બધા તેની સામે
જોઈ રહે છે . પહેલાં એ રાજાને અને પછી જગડુશાને પગે લાગે છે અને પતરું જગડુશાના
હાથમાં મૂકે છે . જગડુશા એ પતરું રાજાના હાથમાં મૂકે છે . ]
રાજા : આ જ એ લેખ ?
જગડુશા : હા , મહારાજ ! પંડિતજી પાસે એ વંચાવો .
રાજા : પંડિતજી , લો આ લેખ વાંચો .
[ પંડિતજી ઊભા થઈને આગળ આવે છે , ઉઘાડા ડિલ પર ઉપરણો અને માથે પંડિતશાહી
પાઘડી શોભે છે . રાજાની સામે આવી પ્રણામ કરી પતરું હાથમાં લે છે . ]
પંડિત : [ પતરું વાચે છે ] મહારાજ , સાંભળો . આમાં લખ્યું છે કે આ વખાર જગડુશાની છે , પણ
વખારમાંનું બધું અનાજ એનાં ભૂખે મરતાં ગરીબ ભાઈભાંડુઓનું છે . દેશની ભૂખે મરતી વસ્તી
આ અનાજની માલિક છે . એના એક દાણા પર પણ જગડુશાનો હક નથી !
[ આખી સભા આ સાંભળી ઘડીભર સ્તબ્ધ બની જાય છે . પછી કળ વળતાં બધા
` વાહવાહ ' પોકારે છે . ' ]
રાજા : વાહ , જગડુશા વાહ ! [ ઊભો થઈ જઈ જગડુશાને ભેટી પડે છે . ] તમે તો કહેતા હતા કે
અનાજ તમારું નથી ?
જગડુશા : તો મારું કયાં છે ? એ તો ગરીબોનું છે . આ અનાજમાંથી એક દાણોય લેવાનો મને હક
નથી !
[ એટલામાં બીજો માણસ હાથમાં પતરું લઈને આવી પહોંચે છે . તે રાજાને તથા જગડુશાને
પગે લાગી લેખ જગડુશાના હાથમાં મૂકે છે . જગડુશા તે રાજાને સોંપે છે . રાજા પંડિતને આપે
છે . ]
પંડિત : [ બીજો લેખ વાંચે છે ] મહારાજ , સાંભળો , હવે હું બીજું વખારનો લેખ વાંચું છું . આમાં
લખ્યું છે : આ વખાર
જગડુશાની છે . પણ વખારમાંનું બધું અનાજ એનાં ભૂખે મરતાં ગરીબ ભાઈભાંડુઓનું છે .
દેશની ભૂખે મરતી વસ્તી આ અનાજની માલિક છે . એના એક દાણા પર પણ જગડુશાનો
હક નથી !
[ આખી સભા ` વાહવાહ ' પોકારે છે . રાજા ફરી જગડુશાને ભેટી પડે છે . એવામાં ત્રીજો
માણસ સભામાં પ્રવેશે છે . તેના હાથમાં પણ તાંબાપતરું છે . પહેલાંની પેઠે તે પતરું
પણ જગડુશાના અને રાજાના હાથમાં થઈને પંડિતના હાથમાં આવે છે . ]
પંડિત : હવે ત્રીજી વખારનો લેખ સાંભળો : આ વખાર જગડુશાની છે પણ એના પર પણ જગડુશાનો
હક નથી ! દેશની ભૂખે મરતી વસ્તી આ અનાજની માલિક છે .
રાજા : વાહવાહ ! વાહવાહ !
[ આખી સભા આનંદનો જયઘોષ કરે છે . ]
રાજા : જગડુશા , આવી તમારી કેટલી વખારો છે ગામમાં ?
જગડુશા : ચાલીસેક હશે , મહારાજ !
રાજા : ચાલીસ વખારો ? ત્યારે તો મારી પ્રજા જીવી ગઈ અને હુંયે જીવી ગયો ! જયાં લગી
ગુજરાતમાં તમારા જેવા ઉદાર શ્રેષ્ઠીઓ છે , જગડુશા ! ત્યાં લગી ગુજરાતના રાજયને કોઈ
આંચ આવવાની નથી !
[ ત્યાં તો એક સાથે અનેક માણસો હાથમાં તાંબાપતરા લઈ સભામાં પ્રવેશે છે . અને એમને
જોઈ આખી સભા આનંદના આવેશમાં આવી ઊભી થઈ જયનાદ પોકારે છે . ]
આખી સભા : ગુજરાતનો રાજા ઘણું જીવો ! ગુજરાતનો શાહ સોદાગર ઘણું જીવો ! ગુજરાતનું રાજય
અમર રહો !
( પડદો )

6 comments:

Anonymous said...

Saru Blog chhe...

I liked the idea of writing in our mother tongue, have you heard about the poet..Ramnik Someshwar?

He is pretty much popular in Gujarat it seems...

Deep

SV said...

I would like to invite you to join us for the "First Annual Northeast
Desi Blogger Meet' in NYC. Check out the details and let me or anyone
in the list know if your are coming.

http://sv.typepad.com/forsv/2005/03/east_coast_desi.html

Thanks,

SV

Vatsal Mehta said...

તમારો બ્લોગ પણ બહુ સરસ છે.


Thanks for commenting on my Blog. Your Blog is also very useful, I will definitely pass this on to more people.

I am just getting into computing in Gujarati, but its a lot of fun.

Regards,

Vatsal

Siddharth said...

Dear Deep,

Thanks for visiting my blog and posting comment. I am not much familiar with the poet you mentioned...Mr. Ramnik Someshwar.

You can actually send me poesm of his and I will see if I can post it.

thanks,

Siddharth

તુષાર said...

very nice very touching!

Tejas Patel said...

Nice Start Siddharth. Keep up the good work.