Saturday, November 05, 2005

અધીરૂં મન

તહેવારોની આ મોસમમાં વતનની યાદ આવ્યાં વગર રહેતી નથી. બાળપણનાં સુંદર સ્મરણો આ વખતે આંખની સમક્ષ તાદ્શ થઈ જાય છે. તેને વાંચા આપતી આ સુંદર કવિતા અત્રે પ્રસ્તૂત છે. આશા રાખુ કે આપ સર્વેને એ પસંદ પડશે.


જઈ રહ્યો છુ વતન!
થોડી ક્ષણોમાં -
થશે મુલાકાત !
માના ચરણો ચાંપવા
સ્વજનોની સ્નેહવર્ષામાં ભીંજાવા
થઈ રહ્યું અધીરૂં મન!

છેલ્લાં કેટલાંય વર્ષો ફગાવી
શેરીના શોરમાં શૈશવને શોધવા
રંગોળીના રંગમાં દિલને ઢાળવા
પિચકારીના કેસૂડાંની સેર પર સરવા
છાપરે પતંગોની ઢીલ પર ઝૂલવા
થઈ રહ્યું અધીરૂ મન !

એ જ પ્રાથમિક શાળાનો ઓટલો
અને ચણા મમરા વેચતો ફેરિયો
દોસ્તો સામે લંગડી-હુતુજી
ચોકમાં ફરકતા ધ્વજને વંદન કરવા
ઝંડા ઊંચા રહે હમારાનું જયગાન ગાવા
થઈ રહ્યું અધીરૂં મન!

મીઠા સંસ્મરણો વાગોળતાં-
દિવા સ્વપ્નમાં આવ્યો આંચકો!
વિમાને કર્યું ધરતીને ચુંબન
સલામતીની સર્વે સૂચનાઓ અવગણી
બહાર ઘસી વતનની સોડમ લેવા
થઈ રહ્યું અધીરૂં મન !

-કિરીટ મોદી "આક્રોશ (Kirit Modi "Aakrosh")

No comments: