Monday, June 19, 2006

જો હોય

આવી જ એક ક્ષણ હોય,
સામે અષાઢઘન હોય;

ફણગો ફૂટે અડકતાં જ
ભીનોભીનો પવન હોય;

જે તે ચણ્યું ગમે ના,
કાચું પીમળતું વન હોય;

ઊગી જવાય વાડે
જો આ ક્ષણે વતન હોય;

જામીય જાય મૂળિયાં
જો થોડુ બાળપણ હોય;

સિમેન્ટમાં ઢૂં ઢૂં છું :
એકાદ મિટ્ટીકણ હોય;

ઠરવા ચહે છે આંખો
હરિયાળું ક્યાંક તૃણ હોય;

બોલાવે ઘેર સાંજે
બાના સમુ સ્વજન હોય.

-ઉશનસ્ (Ushnash)

શ્રી ગુલાબદાસ બ્રોકરનું અવસાન

જાણીતા સાહિત્યકાર અને ટૂકીવાર્તાના ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન આપનાર શ્રી ગુલાબદાસ બ્રોકરનું પૂણે ખાતે નિધન થયુ છે. તેઓ 97 વર્ષનાં હતા. એમની વાર્તાઓમાં માનવીના મનનું કલામય આલેખન સરળ અને સુંદર રીતે થયેલ છે. છેલ્લી વાર મારી ભારતની મુલાકાત દરમ્યાન તેમની ટૂંકીવાર્તાઓનું પુસ્તક મને મળેલ જે એક જ બેઠકે વાંચી ગયેલ. તેઓની વાર્તાઓ ખરેખર જકડી રાખે તેવી અને સંવેદનાથી ભરપૂર છે.


આ ગુજરાતીબ્લોગ તરફથી તેઓને અંતરમનથી શ્રધ્ધાંજલિ અર્પણ.

સિદ્ધાર્થ

Thursday, June 15, 2006

આભાર...

વાંચક મિત્રો,

ઘણા લાંબા સમયનો વિરામ પડી ગયો. ડોક્ટર પણ ક્યારેક બિમાર પડી જતા હોય છે અને એમા મારો આ વખતે સમાવેશ થઈ ગયો. પરમ કૃપાળુ પરમાત્માની કૃપાથી અને મિત્રો અને શુભેચ્છકોની શુભેચ્છાઓથી પાછો સ્વસ્થ થઈ ગયો છું અને ફરીથી આ ગુજરાતી બ્લોગને સિંચવાનુ કામ ચાલુ કરી દઈશ. આ સમય દરમ્યાન ઘણી બધી ઈ મેઈલ્સ મળી જેનો સમય અને શક્તિ મળતા શાંતિથી પ્રત્યુતર આપીશ પરંતુ અત્રે બધાનો અંતકરણ પૂર્વક આભાર...

આજ રીતે તમારો સાથ આપતા રહેશો.

સિદ્ધાર્થ

Friday, June 02, 2006

જ્યારે વિધાતાએ દીકરી ઘડી

વિધાતાએ દીકરી ઘડીને, ત્યારે ખૂબ ખાંતે
કસબી હાથેથી એણે કરી કમાલ!
રૂપનો અંબાર કરું, મીઠપ અપાર ભરું
ખજીનો ખૂટાડી કરું ખલકને ન્યાલ.

દેવીયું કનેથી માંગી લીધો મલકાટ
અને મધરાતે માપી સીમાડા સુદૂર
ચપટીક રજ લીધી નખેતર તણી
અને દીકરીના આંખે ભર્યાં દમકતાં નૂર

સાકરને લઈને સવાદ એણે દીકરીમાં
તજને લવિંગ વળી ભેળવ્યાં જરીક,
સૂરજનાં ધોળાં ફૂલ હાસને હુલાસ દીધાં
જોઈ કારવીને કીધું, હવે કાંક ઠીક.

વિધાતાએ દીકરી ઘડીને વળી જોઈ જોઈ
વારે વારે હસું હસું થાય એનું મુખ

હૈયે એને હાશ, હર માવતર કાજે ધર્યું
હર્યુંભર્યું હેત, નર્યું નીતર્યું આ સુખ

-અજ્ઞાત અંગ્રેજ કવિની કવિતાનો અનુવાદ મંકરદ દવે દ્ધારા ("દીકરી વ્હાલનો દરિયો" માંથી સાભાર)
gujarati blog