Monday, October 03, 2005

વાતોની કુંજગલી

વાતે વાતે તને વાંકું પડયું :
ને મેં વાતોની કુંજગલી છોડી દીધી.
શબ્દોને પંથ કોણ કોને નડયું ?
મેં તો વાતોની કુંજગલી છોડી દીધી.

આંખોમાં વાદળાં ને શ્વાસોમાં વાયરા :
પણ અડકો તો ભોમ સાવ કોરી :
તારા તે કાન લગી આવી ઢોળાઇ ગઇ
હોઠ સમી અમરત કટોરી.
પંખીની પાંખમહીં પીંછુ રડયું :
મેં તો વાતોની કુંજગલી છોડી દીધી.

હવે ખળખળતાં ટળટળતાં અંધાર્યા જળ
કે અણધાર્યો તૂટી પડયો સેતુ :
પાસે રહીને મને લાગે છે કેમ હવે
કેટલાય જનમોનું છેટું !
મારાં સપનાંને વેદનાનું વૈકુંઠ જડયું :
ને મેં તો વાતોની કુંજગલી છોડી દીધી.


- જગદીશ જોષી (Jagdish Joshi)

No comments: