Wednesday, August 10, 2005

આપણા ઘડવૈયા બાંધવ આપણે.

મનુષ્યના પરિશ્રમ અને પુરુષાર્થની મહત્તા સ્થાપિત કરતી આ કવિતા ખરેખર માણવાલાયક અને જીવનમાં અનુસરવા લાયક છે.


આપણે આવળ બાવળ બોરડી,
કેસરઘોળ્યા ગલના ગોટા જી;
હલકાં તો પારેવાંની પાંખથી
મ્હાદેવથીયે પણ મોટાજી,
આપણા ઘડવૈયા બાંધવ ! આપણે.

કોઈ તો રચે છે વેળુછીપથી,
કોઈ તો જળને હિલ્લોળ જી;
મરજીવો ઊતરે મ્હેરામણે,
માથા સાટે મોતી-મોલ જી.

નજરું ખૂંપી છે જેની ભોંયમાં,
સામે પૂર એ શું ધાય જી !
અધીરા ઘટડાનો ઘોડો થનગને,
અણદીઠ ઓરું એને પાય જી.

બેઠેલાનું બેઠું રહે વિમાસણે,
વેળા જુએ નહિ વાટ જી;
ઝાઝેરો ઝૂક્યો છે આંબો સાખથી,
વેડે તેને આવે હાથ જી.

પંડની પેટીમાં પારસ છે પડ્યો,
ફૂટલાં ફૂટે છે કરંમ જી.
વાવરી જાણે તે બડભાગિયો,
ઝળહળ એના રે ભવંન જી.

-રાજેન્દ્ર શાહ (Rajendra Shah)

No comments: