Thursday, March 31, 2005

જોડકણુ

ગુજરાતી સાહિત્યમાં જોડકણાનુ આગવુ મહત્વ છે. આવુ જ એક સુંદર મજાનુ જોડકણુ આજે અત્રે પ્રસ્તુત છે. ગુજરાતી પરિવારમાં જન્મેલા લગભગ દરેક બાળકે આ જોડકણુ એક વાર તો સાંભળ્યું હશે જ...જો કે આજના અંગ્રેજી માધ્યમમાં ભણતા બાળકોએ કદાચ આ જોડકણુ ના પણ સાંભળ્યું હોય...

વારતા રે વારતા
ભાભો ઢોર ચારતા,
ચપટી બોર લાવતા,
છોકરાવ સમજાવતા,
એક છોકરો રિસાયો,
કોઠી પાછળ ભીંસાયો,
કોઠી પડી આડી,
છોકરાએ ચીસ પાડી,
અરરર... માડી

Tuesday, March 29, 2005

દીલ તમોને...

દિલ તમોને આપતાં આપી દીધું
પામતાં પાછુ અમે માપી લીધું
માત્ર એક જ ક્ષણ તમે રાખ્યું છતાં
ચોતરફથી કેટલું કાપી લીધું!

-મનહર મોદી (Manhar Modi)

Sunday, March 27, 2005

દીકરી વ્હાલનો દરિયો...

લીલુડા પાંદડાની ઉછળતી વેલ
હવે કંકુ ના પગલા દૈ ચાલી
રાખડી ના તાંતણે બાંધેલુ ફળીયુ
હવે લાગે છે સાવ ખાલી ખાલી

દીકરી નો માંડવો જો સૂરજ ને ઘેર હોત
તો જાણત અંધારૂ શી ચીઝ છે
ફાલ ના આંબામાં જે પાંદડા ઝુલે
એની ભીત્તર કૈ મમતાનું બીજ છે?

ધીમા પગલા થી ઉમ્બરો ઓળંગતી
આંસુ ની આંગળી ને ઝાલી
લીલુડા પાંદડાની ઉછળતી વેલ
હવે કંકુ ના પગલા દૈ ચાલી

દીકરી વળાવતા એવો રીવાજ
કે તળાવ સુધી તો હાર્યે જાવુ
ઊઘળતી જાન તને આંખ્યુ તો દરીયો !
કહે તળાવ સુધી વળાવા આવુ?

જાગરણ ની રાતે તુ રમતી જે રાસ
એની ખોવાઈ ગયી છે ક્યાંય તાલી

લીલુડા પાંદડાની ઉછળતી વેલ
હવે કંકુ ના પગલા દૈ ચાલી

-અનિલ જોષી

Thursday, March 24, 2005

તું અહીંયાં રમવા આવ મઝાની ખિસકોલી - બાળગીત

તું અહીંયાં રમવા આવ મઝાની ખિસકોલી
તું દોડ તને દઉ દાવ મઝાની ખિસકોલી

તું કેવી હસે ને રમે મઝાની ખિસકોલી
તારા કૂદકાતો બહુ ગમે મઝાની ખિસકોલી

તું જ્યારે ખિલખિલ ગાય મઝાની ખિસકોલી
તારી પૂંછડી ઊંચી થાય મઝાની ખિસકોલી

તારે અંગે સુંદર પટા મઝાની ખિસકોલી
તારી ખાવાની શી છટા મઝાની ખિસકોલી

તું ઝાડે ઝાડે ચડે મઝાની ખિસકોલી
કહે કેવી મઝા ત્યાં પડે મઝાની ખિસકોલી

બહુ ચંચળ તારી જાત મઝાની ખિસકોલી
તું ઉંદરભાઈની નાત મઝાની ખિસકોલી

તું અહીંયાં રમવા આવ મઝાની ખિસકોલી
તું દોડ તને દઉ દાવ મઝાની ખિસકોલી


-ત્રિભુવનભાઈ વ્યાસ (Tribhuvanbhai Vyas)

Wednesday, March 23, 2005

ને તમે યાદ આવ્યાં

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં,
જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ,
એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં.

ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં,
જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ,
એક તારો ટમકયો ને તમે યાદ આવ્યાં.

જરા ગાગર ઝલકી ને તમે યાદ આવ્યાં,
જાણે કાંઠા તોડે છે કોઈ મ્હેરામણ રામ,
સ્હેજ ચાંદની છ્લકી ને તમે યાદ આવ્યાં.

કોઈ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં,
જાણે કાનુડાના મુખમાં ભ્રમાંડ દીઠું રામ,
કોઈ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યાં.

કોઈ આંગણ અટક્યુ ને તમે યાદ આવ્યાં,
જાણે પગરવની દુનિયામાં શોરે થયો રામ,
એક પગલુ ઊપડ્યું ને તમે યાદ આવ્યાં.

-હરિન્દ્ર દવે (Harindra Dave)

આ ગીત સાંભળવા અહીં ક્લીક કરો.

Tuesday, March 22, 2005

દેશભકત જગડુશા

વાચકમિત્રો, આજે પહેલી વાર કાવ્ય રચનાનાં બદલે નાટ્ય રચના રજૂ કરી રહ્યો છુ. પ્રતિભાવ જણાવશો.

લેખક - રમણલાલ સોની
દેશભકત જગડુશા
સ્થળ : પાટણ
પાટણના રાજા વિશળદેવનો દરબાર
[ રાજા વિશળદેવ દરબાર ભરીને બેટા છે , પણ સૌનાં મોં ઉદાસ છે . આખાયે દરબારમાં જાણે
નિરાશાની ઘેરી છાયા ફરી વળેલી છે . રાજાની સામે રાજજોષી ટીપણું પહોળું કરીને બેઠા છે . તે આંગળીના
વેઢા પર આંકડા માંડે છે . ]
રાજા : તે જોષીજી , આ વર્ષેય વરસાદ નથી શું ?
જોષી : મહારાજ , મને થાય છે કે કાળવાણી ઉચ્ચારતાં મારી જીભ કપાઈ કેમ નથી જતી ?
રાજા : સમજી ગયો ! હું સમજી ગયો ! જોષી , હવે બોલવાની જરૂર નથી .
[ એટલામાં બહારથી ઘણા લોકોનો પોકાર સંભળાય છે : " અમને ખાવાનું આપો ! અમને
જિવાડો ! અમે મરી જઇએ છીએ ! " ]
રાજા : મારી રાંકડી રૈયત ભૂખે મરે છે ! હવે તો એક આશા જગડુશાની રહી છે . પ્રધાનજી એમને
તેડી લાવવા કચ્છ ગયા છે . આજકાલમાં આવી જવા જોઇએ .
દરવાન : [ પ્રવેશી , રાજાને પ્રણામ કરી ] મહારાજ ! કચ્છના શાહ સોદાગર શેઠ જગડુશા પધાર્યા છે .
પ્રધાનજી પણ સાથે છે .
રાજા : [ એકદમ ઉત્સાહમાં આવી ] એકદમ , એકદમ એમને અંદર લઇ આવ !
દરવાન : [ નમ્રતાથી ] મહારાજ , પ્રધાનજીએ કહેવડાવ્યું છે કે શેઠ જગડુશા શાહ સોદાગર છે . તેમનો
સત્કાર કરવા આપ પોતે -
રાજા : સમજ્યો , સમજ્યો ! એમના સત્કાર માટે મારે જ સામા જવું જોઇએ . પ્રધાનજીની વાત સાચી છે !
[ રાજા ગાદી પરથી ઉભો થઇ જાય છે . આખી કચેરી ઊભી થઇ જાય છે . પછી રાજા જગડુશાનો
સત્કાર કરવા પ્રવેશદ્વાર ભણી જાય છે . સામેથી પ્રધાન જગડુશાને લઇ આવે છે . જગડુશાને જોઇ
રાજા ઝડપથી પગલાં ભરી એની સામે જાય છે , તેવી જ રીતે જગડુશા પણ ઝડપ કરે છે . બન્ને
એકબીજાને વહાલથી ભેટે છે . પછી રાજા જગડુશાનો હાથ પકડી રાજગાદી તરફ દોરી જાય છે , અને
પોતાની જોડે જ ગાદી પર તેમને બેસાડે છે . બન્નેના બેઠા પછી પ્રધાન અને દરબારીઓ
પોતપોતાનાં આસન પર બેસે છે . ]
જગડુશા : મહારાજ , ઓચિંતાનો કેમ યાદ કર્યો મને ?
રાજા : સુખદુ:ખની વાતો કરવા , શેઠજી ! ગુજરાતમાં આજે ત્રણ વરસથી કારમો દુકાળ ચાલે છે !
જગડુશા : એકલા ગુજરાતની કાં વાત કરો ? આખા હિંદુસ્થાનમાં આજે દુકાળ છે . સિંધ , મેવાડ માળવા ,
કાશી અને ઠેઠ કંદહાર લગી આજે લોકો ભૂખે મરે છે અને પાનખરમાં પાંદડાં ખરે તેમ ખરે છે .
વખત એવો બારીક છે કે ભલભલાની લાજ જવાનો વખત છે . સાત ખોટના દીકરાના મોંમાંથી બાપ
બટકું રોટલો કાઢી ખાય છે . મૂઠી ધાન સારૂ માબાપ છોકરાને વેચે છે ! શી ખબર શું થવા
બેઠું છે ?
રાજા : રામજી રાખશે તે રહેશે ! પણ આવે વખતે રૈયતને ટકાવી રાખવાનો રાજ્યનો ધર્મ છે .
જગડુશા : આપ સરખા પ્રજાવત્સલ્ય રાજાના મોંમાં આવા જ શબ્દો શોભે . મને એ સાંભળી બહુ આનંદ થાય
છે . મેં તો સાંભળ્યું છે કે આપે આપના ધાનના કોઠાર અને ધનના ભંડાર ગરીબોને માટે ખુલ્લા
મૂકી દીધા છે !
રાજા : મૂકી દીધા હતા ; હવે તો એય ખાલી થઈ ગયા . હવે મારા ધનના ભંડાર અને અન્નના કોઠાર ખાલી~
ખમ થઈ પડયા છે અને રૈયતના પેટનો ખાડો તો હજી ઊણો ને ઊણો જ છે . ધાર્યું ' તું કે ઓણ
સાલ વરસાદ આવશે ને સૌ સારાં વાનાં થશે , પણ વરસાદ આવ્યો નહિ . અધૂરામાં પૂરું તીડ
પડયાં ! લોકો ત્રાહિત્રાહિ પોકારે છે !
[ એટલામાં બહારથી પોકાર આવે છે : " અમે મરી જઈએ છીએ , અમને જિવાડો , અમને જિવાડો ,
અમને અનાજ આપો ! " ]
જગડુશા : [ બહારનો પોકાર સાંભળી ] ભૂખ્યાં ગળાંમાંથી પૂરો અવાજ પણ નીકળતો નથી !
રાજા : વસ્તીનું દુઃખ એ મારું દુઃખ છે , પણ નિવારણનો કોઈ રસ્તો મને દેખાયો નહિ , ત્યારે હું
મૂંઝાયો . એવે વખતે તમે યાદ આવ્યા !
જગડુશા : [ નવાઈ પામી ] હું યાદ આવ્યો ? કેવી રીતે ?
રાજા : મારા સાંભળવામાં આવ્યું છે કે પાટણમાં જગડુશાની માલિકીની કેટલીક અનાજની વખારો છે !
જગડુશા : જગડુશાની માલિકીની કોઈ અનાજની વખારો ? મહારાજ , આપની કંઈક ભૂલ થાય છે . મારી
માલિકીની કોઈ અનાજની વખાર મેં પાટણમાં કે કોઈ શહેરમાં આજે રાખી જ નથી .
રાજા : તો અમે સાંભળ્યું એ શું ?
જગડુશા : કંઈક સમજફેર થઈ હશે , મહારાજ ! કારણ કે વખારો મારી ખરી ને ?
રાજા : [ નવાઈ પામી ] વખારો આપની છે અને છતાં એ આપની માલિકીની નથી , એમ આપનું
કહેવું છે ?
જગડુશા : વાત એમ છે કે વખારો મારી છે એ વિશે કંઈ શંકા નથી !
રાજા: અને એ વખરોમાનું અનાજ ?
જગડુશા : એ અનાજ મારું નથી .
રાજા : [ હતાશ બની જઈ ] એ અનાજ તમારું નથી ? તો શું તમે એ કોઈને દઈ દીધું છે ?
કોને દીધું ? કયારે દીધું ? હું તમને એના મોં માગ્યા દામ આપત !
જગડુશા : એ અનાજ મારું નથી , એ નિશ્ચિત છે . મેં કોને દીધું અને કયારે દીધું એ જાણવું હોય તો
એમ કરો ને , એ વખારો ખોલાવી એની તપાસ કરાવો ને ?
રાજા : એમ કેવી રીતે ખબર પડશે ?
જગડુશા : એમ જ ખબર પડશે . દરેકેદરેકે વખારની અંદર ભીંતપત્ર પર તાંબાપતરામાં લેખ લખાવીને
જડાવેલો છે . તેમાં એ અનાજના માલિકનાં નામઠામ બધું લખેલું છે !
રાજા : ઠીક છે , ઠીક છે , ! હું એ માલિકની પાસે જઇશ . મારી રાંકડી પ્રજાની ખાતર એને કરગરીશ
ને કહીશ કે સુકાળ થયે તને એકેએક દાણા સાટે મોતી ગણીને આપીશ . પણ આજે મારી પર
આટલી દયા કર !
જગડુશા : જે રાજાના દિલમાં રૈયતનાં સુખદુઃખનો આવો ખ્યાલ છે તેને અનાજ જરૂર મળી રહેશે .
રાજા : મળી રહેશે ? કોટવાલજી , જાઓ વખારો ઉઘાડો અને લેખ અહીં લઈ આવો !
કોટવાલ : જેવી આજ્ઞા , મહારાજ ! [ જવાનું કરે છે ]
જગડુશા : મહારાજ ! આપે આટલી તકલીફ લેવાની કંઈ જ જરૂર નથી ! હમણાં જ મારા માણસ લેખ
લઈને અહીં આવશે . મેં કયારનાયે તેમને ત્યાં મોકલી દીધા છે .
[ એટલામાં હાથમાં તાંબાપતરું લઈને એક માણસ સભમાં દાખલ થાય છે . બધા તેની સામે
જોઈ રહે છે . પહેલાં એ રાજાને અને પછી જગડુશાને પગે લાગે છે અને પતરું જગડુશાના
હાથમાં મૂકે છે . જગડુશા એ પતરું રાજાના હાથમાં મૂકે છે . ]
રાજા : આ જ એ લેખ ?
જગડુશા : હા , મહારાજ ! પંડિતજી પાસે એ વંચાવો .
રાજા : પંડિતજી , લો આ લેખ વાંચો .
[ પંડિતજી ઊભા થઈને આગળ આવે છે , ઉઘાડા ડિલ પર ઉપરણો અને માથે પંડિતશાહી
પાઘડી શોભે છે . રાજાની સામે આવી પ્રણામ કરી પતરું હાથમાં લે છે . ]
પંડિત : [ પતરું વાચે છે ] મહારાજ , સાંભળો . આમાં લખ્યું છે કે આ વખાર જગડુશાની છે , પણ
વખારમાંનું બધું અનાજ એનાં ભૂખે મરતાં ગરીબ ભાઈભાંડુઓનું છે . દેશની ભૂખે મરતી વસ્તી
આ અનાજની માલિક છે . એના એક દાણા પર પણ જગડુશાનો હક નથી !
[ આખી સભા આ સાંભળી ઘડીભર સ્તબ્ધ બની જાય છે . પછી કળ વળતાં બધા
` વાહવાહ ' પોકારે છે . ' ]
રાજા : વાહ , જગડુશા વાહ ! [ ઊભો થઈ જઈ જગડુશાને ભેટી પડે છે . ] તમે તો કહેતા હતા કે
અનાજ તમારું નથી ?
જગડુશા : તો મારું કયાં છે ? એ તો ગરીબોનું છે . આ અનાજમાંથી એક દાણોય લેવાનો મને હક
નથી !
[ એટલામાં બીજો માણસ હાથમાં પતરું લઈને આવી પહોંચે છે . તે રાજાને તથા જગડુશાને
પગે લાગી લેખ જગડુશાના હાથમાં મૂકે છે . જગડુશા તે રાજાને સોંપે છે . રાજા પંડિતને આપે
છે . ]
પંડિત : [ બીજો લેખ વાંચે છે ] મહારાજ , સાંભળો , હવે હું બીજું વખારનો લેખ વાંચું છું . આમાં
લખ્યું છે : આ વખાર
જગડુશાની છે . પણ વખારમાંનું બધું અનાજ એનાં ભૂખે મરતાં ગરીબ ભાઈભાંડુઓનું છે .
દેશની ભૂખે મરતી વસ્તી આ અનાજની માલિક છે . એના એક દાણા પર પણ જગડુશાનો
હક નથી !
[ આખી સભા ` વાહવાહ ' પોકારે છે . રાજા ફરી જગડુશાને ભેટી પડે છે . એવામાં ત્રીજો
માણસ સભામાં પ્રવેશે છે . તેના હાથમાં પણ તાંબાપતરું છે . પહેલાંની પેઠે તે પતરું
પણ જગડુશાના અને રાજાના હાથમાં થઈને પંડિતના હાથમાં આવે છે . ]
પંડિત : હવે ત્રીજી વખારનો લેખ સાંભળો : આ વખાર જગડુશાની છે પણ એના પર પણ જગડુશાનો
હક નથી ! દેશની ભૂખે મરતી વસ્તી આ અનાજની માલિક છે .
રાજા : વાહવાહ ! વાહવાહ !
[ આખી સભા આનંદનો જયઘોષ કરે છે . ]
રાજા : જગડુશા , આવી તમારી કેટલી વખારો છે ગામમાં ?
જગડુશા : ચાલીસેક હશે , મહારાજ !
રાજા : ચાલીસ વખારો ? ત્યારે તો મારી પ્રજા જીવી ગઈ અને હુંયે જીવી ગયો ! જયાં લગી
ગુજરાતમાં તમારા જેવા ઉદાર શ્રેષ્ઠીઓ છે , જગડુશા ! ત્યાં લગી ગુજરાતના રાજયને કોઈ
આંચ આવવાની નથી !
[ ત્યાં તો એક સાથે અનેક માણસો હાથમાં તાંબાપતરા લઈ સભામાં પ્રવેશે છે . અને એમને
જોઈ આખી સભા આનંદના આવેશમાં આવી ઊભી થઈ જયનાદ પોકારે છે . ]
આખી સભા : ગુજરાતનો રાજા ઘણું જીવો ! ગુજરાતનો શાહ સોદાગર ઘણું જીવો ! ગુજરાતનું રાજય
અમર રહો !
( પડદો )

Monday, March 21, 2005

લાડકડી

આ કાવ્યમાં દીકરી પ્રત્યેની માયા વ્યક્ત થઈ છે. આપણા સાહીત્યમાં કહ્યુ છે કે "જેને તે ઘેર એક દીકરી, એનો ધન્ય થયો અવતાર"...સાચે જ દીકરી હોવી એ એક અનુપમ લ્હાવો છે. પોતાની કાલી ઘેલી ભાષા અને અલગ અલગ નખરા દ્ધારા નાનપણમાં અવર્ણનીય આનંદ આપીને કયારે મોટી થઈને એ પારકે ઘેર જવા તૈયાર થઈ જાય છે એનો અંદાજ પણ આવતો નથી પરંતુ એ શુભ પણ વસમી ક્ષણ દીકરીના માં-બાપ તથા ખુદ દીકરી માટે ખૂબ જ કરૂણ હોય છે...એ ક્ષણનું કરૂણતાસભર વર્ણન કવિએ કર્યુ છે. વાચકમિત્રો આશા રાખુ કે તમને આ રચના ગમશે જ અને જો ગમે તો તમારો પ્રતિભાવ આપવાનુ ન ચૂકતા.પીઠી ચોળી લાડકડી !
ચૂંદડી ઓઢી લાડકડી !
ચૂંદડીએ ધબકારા ઢાંક્યા ને
કરમાં કર સોંપ્યા લાડકડી !


મીઠી આવો લાડકડી !
કેમ કહું જાઓ લાડકડી ?
તું શાની સાપનો ભારો ?
-તું તુલસીનો ક્યારો લાડકડી !


ચરકલડી ચાલી લાડકડી,
રહેશે ના ઝાલી લાડકડી !
આછેરી શીમળાની છાયા :
એવી તારી માયા લાડકડી !

સોડમાં લીધાં લાડકડી !
આંખભરી પીધાં લાડકડી !
હીબકાંને હૈયામાં રૂંધ્યાં ને
પારકાં કીધાં લાડકડી !

-બાલમુકુંદ દવે (Balamukund Dave)
Sunday, March 20, 2005

ગ્રામમાતા

આજે રવિવાર હોવાથી અને મારે રજા હોવાથી એક ઘણી જ સુંદર કવિતા રજૂ કરૂ છુ. ગુજરાતી સાહિત્યના રસિયાઓ માટે શ્રી કલાપીની આ રચના સાચે જ મન ડોલાવે એવી છે. વાચકમિત્રો જુદા જુદા છંદ પર ધ્યાન આપી તે પ્રમાણે આ રચના ગાવાનો પ્રયત્ન કરે તો માણવાની વધારે મજા આવશે.

(શાર્દૂલવિક્રીડિત)

ઊગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં,
ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ, દીસતી એકે નથી વાદળી;
ઠંડો હિમભર્યો વહે અનિલ શો, ઉત્સાહને પ્રેરતો,
જે ઉત્સાહ ભરી દીસે શુક ઊડી ગાતાં, મીઠાં ગીતડાં !

(માલિની)

મધુર સમય તેવે ખેતરે શેલડીના,રમત કૃષિવલોનાં બાલ ન્હાનાં કરે છે;
કમલવત ગણીને બાલના ગાલ રાતા,રવિ નિજ કર તેની ઉપરે ફેરવે છે !

(અનુષ્ટુપ)

વૃદ્ધ માતા અને તાત તાપે છે સગડી કરી,
અહો ! કેવું સુખી જોડું કર્તાએ નિરમ્યું દીસે !

(વસંતતિલકા)

ત્યાં ધૂળ દૂર નજરે ઊડતી પડે છે,
ને અશ્વ ઉપર ચડી નર કોઈ આવે
ટોળે વળી મુખ વિકાસી ઊભા રહીને,
તે અશ્વને કુતૂહલે સહુ બાલ જોતાં !

(મંદાક્રાન્તા)

ધીમે ઊઠી શિથિલ કરને નેત્રની પાસ રાખી,વૃદ્ધા માતા નયન નબળાં ફેરવીને જુએ છે;
ને તેનો એ પ્રિય પતિ હજુ શાંત બેસી રહીને,જોતાં ગાતો સગડી પરનો દેવતા ફેરવે છે.

(અનુષ્ટુપ)

ત્યાં તો આવી પહોંચ્યો એ અશ્વ સાથે યુવાન ત્યાં;
કૃષિક, એ ઊઠી ત્યારે 'આવો, બાપુ !' કહી ઊભો.

(શાર્દૂલવિક્રીડિત)

'લાગી છે મુજને ત્રુષા, જલ જરી દે તું મને'
બોલીનેઅશ્વેથી ઊતરી યુવાન ઊભીને ચરે દિશાએ જુએ;
'મીઠો છે રસ ભાએ ! શેલડી તણો' એવું દયાથી કહી,
માતા ચલી યુવાનને લઈ ગઈ જ્યાં છે ઊભી શેલડી !

(વસંતતિલકા)

પ્યાલું ઉપાડી ઊભી શેલડી પાસ માતા,
છૂરી વતી જરીક કાતળી એક કાપી;
ત્યાં સેર છૂટી રસની ભરી પાત્ર દેવા,
ને કૈ વિચાર કરતો નર તે ગયો પી.

(અનુષ્ટુપ)

'બીજું પ્યાલું ભરી દેને, હજુ છે મુજને ત્રુષા,'
કહીને પાત્ર યુવને માતાના કરમાં ધર્યું.

(મંદાક્રાન્તા)

કાપી કાપી ફરી ફરી અરે ! કાતળી શેલડીની,
એકે બિંદુ પણ રસતણું કેમ હાવાં પડે ના ?
'શુ કોપ્યો છે પ્રભુ મુજ પરે !' આંખમાં આંસુ લાવી,
બોલી માતા વળી ફરી છૂરી ભોંકતી શેલડીમાં

(અનુષ્ટુપ)

'રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ;
નહિ તો ના બને આવું;' બોલી માતા ફરી રડી.

(વસંતતિલકા)

એવું યુવાન સુણતાં ચમકી ગયો ને
માતાતણે પગ પડી ઊઠીને કહે છે :
‘એ હું જ છું નૃપ, મને કર માફ ! બાઈ !
એ હું જ છું નૃપ, મને કર માફ ! ઈશ !’

(શાર્દૂલવિક્રીડિત)

‘પીતો’તો રસ મિવ્હ્ટ હું પ્રભુ ! અરે ત્યારે જ ધાર્યું હતું,
આ લોક્કો સહુ દ્ધવ્યવાન નકી છે, એવી ધરા છે અહીં;
છે તોયે મુજ ભાગ કૈં નહીંસમો, તે હું વધારું હવે,
શા માટે બહુ દ્ધવ્ય આ ધનિકની, પાસેથી લેવું નહીં ?

(ઉપજાતિ)

રસ હવે દે ભરી પાત્ર બાઈ !પ્રભુક્રુપાએ નકી એ ભરાશે;
સુખી રહે બાઈ! સુખી રહો સૌ,તમારી તો આશિષ માત્ર માગું !’

(વસંતતિલકા)

પ્યાલુ ઉપાડી ઊભી શેલડી પાસ માતા,
છૂરી વતી જરી જ કાતળી એક કાપી;
ત્યાં સેર છૂટી રસની ભરી પાત્ર દેવા,
બ્હોળો વહે રસ અહો ! છલકાવી પ્યાલું !’

-સુરસિંહજી તખ્તસિંહજી ગોહીલ (કલાપી) (Kalapi)

Saturday, March 19, 2005

શુભાસિત

રાતે વ્હેલા જે સૂઈ વ્હેલા ઊઠે વીર
બળ બુદ્ધિ, ધન બહુ વધે સુખમાં રહે શરીર

Friday, March 18, 2005

ચારણ-કન્યા

આ ગુજરાતી બ્લોગના એક વાચકની ફરમાઈશ હતી કે ઝવેરચંદ મેઘાણીની રચના અહીં પ્રસ્તૂત કરૂ. નાનપણથી આ કવિતા મારી પ્રિય છે. આ કવિતા સાથે પુસ્તકમાં ચારણ કન્યાંનું સુંદર રેખાચિત્ર હજી આજે પણ આંખો સમક્ષ રમે છે. વાંચકો ખાસ દરેક કડીનાં અંતે "પ્રાસ" પર ધ્યાન આપે. આટલી સુંદર રીતે જુદી જુદી કલ્પનાઓ દ્ધારા પ્રાસ બેસાડવા એ "કાબિલેતારીફ" છે, પરંતુ "ચારણોના ટપાલી" એવા સ્વ. ઝવેરચંદ મેઘાણી માટે એ રમત વાત છે.
તો માણો એમની આ સુંદર રચના...

સાવજ ગરજે

વનરાવનનો રાજા ગરજે
ગીરકાંઠાનો કેસરી ગરજે
ઐરાવતકુળનો અરિ ગરજે
કડ્યપાતળિયો જોદ્ધો ગરજે
મોં ફાડી માતેલો ગરજે
જાણે કો જોગંદર ગરજે
નાનો એવો સમદર ગરજે !

ક્યાં ક્યાં ગરજે ?

બાવળના જાળામાં ગરજે
ડુંગરના ગાળામાં ગરજે
કણબીના ખેતરમાં ગરજે
ગામ તણા પાદરમાં ગરજે
નદીઓની ભેખડમાં ગરજે
ગિરિઓની ગોહરમાં ગરજે
ઉગમણો, આથમણો ગરજે
ઓરો ને આઘેરો ગરજે

થર થર કાંપે !

વાડામાં વાછડલાં કાંપે
કૂબામાં બાળકડાં કાંપે
મધરાતે પંખીડા કાંપે
ઝાડ તણાં પાંદડલાં કાંપે
પહાડોના પથ્થર પણ કાંપે
સરિતાઓનાં જળ પણ કાંપે
સૂતાં ને જાગંતાં કાંપે
જડ ને ચેતન સૌએ કાંપે

આંખ ઝબૂકે !

કેવી એની આંખ ઝબૂકે !
વાદળમાંથી વીજ ઝબૂકે
જોટે ઊગી બીજ ઝબૂકે
જાણે બે અંગાર ઝબૂકે
હીરાના શણગાર ઝબૂકે
જોગંદરની ઝાળ ઝબૂકે
વીર તણી ઝંઝાળ ઝબૂકે
ટમટમતી બે જ્યોત ઝબૂકે
સામે ઊભું મોત ઝબૂકે

જડબાં ફાડે !

ડુંગર જાણે ડાચાં ફાડે !
જોગી જાણે ગુફા ઉઘાડે !
જમરાજાનું દ્ધાર ઉઘાડે !
પ્રુથ્વીનું પાતાળ ઉઘાડે !
બરછી સરખા દાંત બતાવે
લસ ! લસ ! કરતા જીભ ઝુલાવે.

બ્હાદર ઊઠે !

બડકંદાર બિરાદર ઊઠે
ફરસી લેતો ચારણ ઊઠે
ખડગ ખેંચતો આહીર ઊઠે
બરછી ભલે કાઠી ઊઠે
ઘર-ઘરમાંથી માતી ઊઠે
ગોબો હાથ રબારી ઊઠે
સોટો લઈ ઘરનારી ઊઠે
ગાય તણા રખવાળો ઊઠે
દૂધમલા ગોવાળો ઊઠે
મૂછે વળ દેનારા ઊઠે
ખોંખારો ખાનારા ઊઠે
માનું દૂધ પીનારા ઊઠે !
જાણે આભ મિનારા ઊઠે !

ઊભો રે’જે !

ત્રાડ પડી કે ઊભો રે’જે !
ગીરના કુત્તા ઊભો રે’જે !
કાયર દુત્તા ઊભો રે’જે !
પેટભરા ! તું ઊભો રે’જે !
ભૂખમરા ! તું ઊભો રે’જે !
ચોર-લૂંટારા ઊભો રે’જે !
ગા-ગોઝારા ઊભો રે’જે !

ચારણ-કન્યા

ચૌદ વરસની ચારણ-કન્યા
ચૂંદડિયાળી ચારણ-કન્યા
શ્વેતસુંવાળી ચારણ-કન્યા
બાળી ભોળી ચારણ-કન્યા
લાલ હિંગોળી ચારણ-કન્યા
ઝાડ ચડંતી ચારણ-કન્યા
પહાડ ઘૂમંતી ચારણ-કન્યા
જોબનવંતી ચારણ-કન્યા
આગ-ઝરંતી ચારણ-કન્યા
નેસ-નિવાસી ચારણ-કન્યા
જગદમ્બા-શી ચારણ-કન્યા
ડાંગ ઉઠાવે ચારણ-કન્યા
ત્રાડ ગજાવે ચારણ-કન્યા
હાથ હિલોળી ચારણ-કન્યા
પાછળ દોડી ચારણ-કન્યા

ભયથી ભાગ્યો !

સિંહણ, તારો ભડવીર ભાગ્યો
રણ મેલીને કાયર ભાગ્યો
ડુંગરનો રમનારો ભાગ્યો
હાથીનો હણનારો ભાગ્યો
જોગીનાથ જટાળો ભાગ્યો
મોટો વીર મૂછાળો ભાગ્યો
નર થઈ તું નારીથી ભાગ્યો
નાનકડી છોડીથી ભાગ્યો !

-ઝવેરચંદ મેઘાણી (Zaverchand Meghani)

Thursday, March 17, 2005

અન્યોક્તિ

નાના હતા ત્યારે ગુજરાતી પાઠ્ય પુસ્તકમાં આ કવિતા આવતી હતી, જે અમારે કંઠસ્થ પણ કરવી પડતી હતી. આ સુંદર કવિતામાં અન્યોનાં દોષ જોવા કરતા પોતાની ઊણપ ઉપર ધ્યાન આપવાનો ગર્ભિ ત સંકેત સરસ રીતે પ્રકટ થયેલ છે.
ઊંટ કહે: આ સમામાં, વાંકાં અંગવાળાં ભૂંડા;

ભૂતળમાં પક્ષીઓ ને પશુઓ અપાર છે;
બગલાની ડોક વાંકી, પોપટની ચાંચ વાંકી;
કૂતરાની પૂછ્ડીનો, વાંકો વિસ્તાર છે.
વારણની સૂંઢ વાંકી, વાઘના છે નખ વાંકા;
ભેંસને તો શિર વાંકાં, શિંગડાનો ભાર છે.
સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપતરામ;
“અન્યનું તો એક વાંકું, આપનાં અઢાર છે ”

-દલપતરામ (Dalpat Ram)

છે આવો એકે દેશ?
છે આવો એકે દેશ, આખા જગમાં આવો દેશ?

ફરીફરીને જુઓ છતાંયે આવો ન મળે એક;
પાંચ ખંડની આ પૃથ્વીમાં દેખો દેશ અનેક ... છે આવો

ધર્મતણાં ધાવણ પાયાં છે જેણે જગને નેક;
સંસ્કૃતિ એની ઊંચી તેમજ ઉત્તમ એની ટેક ... છે આવો

વેદ ઉપનિષદ ગીતામાં છે આપ્યા મંત્ર અનેક;
ઉત્તમ જીવનના પાઠ ધર્યા, તાજા આજે છેક ... છે આવો

સૌના હિતના સંદેશ ધર્યા, સેવાની અહાલેક;
ભ્રાતૃભાવની ધરી ભાવના, જગવી સંત અનેક ... છે આવો

શાંતિ સંપ ને સમજુતી માટે કરતો યત્ન દરેક,
ભરતો પગલાં પ્રગતિ પંથપે, રાખી ધૈર્ય વિવેક ... છે આવો

કુદરત એની, એની ઋતુઓ, એના રસ પ્રત્યેક;
પર્વત, સાગર, સરિતા,ઝરણાં દૈવી, ના અતિરેક ... છે આવો

અમર રહો આઝાદી એની, અમર રહો એ દેશ;
વિશ્વશાંતિના દૂત બનાવો એને હે પરમેશ! ... છે આવો


(શ્રી યોગેશ્વરજીના કાવ્યસંગ્રહ 'બિંદુ' માંથી)


Tuesday, March 15, 2005

જૂનું ઘર ખાલી કરતાં

શ્રી બાલમુંકુંદ દવેની આ અતિસુંદર રચના ઘણી જ હ્રદયસ્પર્ષી છે. દરેક મનુષ્યનાં જીવનમાં સ્થળાંતર કરવાનો સમય આવે જ છે, પરંતુ તે વખતે થતી પીડાનું ઘણુ જ સરસ વર્ણન કરેલ્ છે. નિર્જીવ વસ્તુઓ સાથે કેવી માયા બંધાય છે, તદુઉપરાંત કાવ્યનાં ઉર્તરાધમાં પ્રસન્ન દામ્પત્ય જીવનનાં ફળસ્વરૂપ પામેલા અને ત્યાર બાદ અકાળે મ્રુત્યુ પામેલા પુત્રની આવેલી યાદનું કરૂણતાસભર વર્ણન કરેલ છે.

ફંફોસ્યું સૌ ફરીફરી અને હાથ લાગ્યુંય ખાસ્સું :
જૂનું ઝાડૂ, ટૂથબ્રશ, વળી લક્સ સાબુની ગોટી,
બોખી શીશી, ટિનનું ડબલું, બાલદી કૂખકાણી,
તૂટ્યાં ચશ્માં, ક્લિપ, બટન ને ટાંકણી સોય-દોરો !
લીધું દ્ધ્રારે નિત લટકતું નામનું પાટિયું,
જે મૂકી ઊંધુ, સુપરત કરી, લારી કીધી વિદાય.

ઊભા છેલ્લી નજર ભરીને જોઈ લેવા જ ભૂમિ,
જ્યાં વિતાવ્યો પ્રથમ દસકો મુગ્ધ દામ્પત્ય કેરો;
જ્યાં દેવોના પરમ વર શો પુત્ર પામ્યાં પનોતો
ને જ્યાંથી રે કઠણ હ્રદયે અગ્નિને અંક સોંપ્યો !
કોલેથી જે નીકળી સહસા ઊઠતો બોલી જાણે:
'બા-બાપુ ! ના કશુંય ભૂલિયાં, એક ભૂલ્યાં મને કે ?’
ખૂંચી તીણી સજલ દગમાં કાચ કેરી કણિકા !
ઉપાડેલાં ડગ ઉપર શા લોહ કેરા મણિકા !

-બાલમુકુંદ દવે (Balmukunda Dave)

Monday, March 14, 2005

જય જય ગરવી ગુજરાત !
જય જય ગરવી ગુજરાત !
જય જય ગરવી ગુજરાત,
દીપે અરુણું પરભાત,
ધ્વજ પ્રકાશશે ઝળળળ કસુંબી, પ્રેમ શૌર્ય અંકિત;
તું ભણવ ભણવ નિજ સંતજિ સઉને, પ્રેમ ભક્તિની રીત -
ઊંચી તુજ સુંદર જાત,
જય જય ગરવી ગુજરાત.

ઉત્તરમાં અંબા માત,
પૂરવમાં કાળી માત,
છે દક્ષિણ દિશમાં કરંત રક્ષા, કુંતેશ્વર મહાદેવ;
ને સોમનાથ ને દ્ધારકેશ એ, પશ્વિમ કેરા દેવ-
છે સહાયમાં સાક્ષાત
જય જય ગરવી ગુજરાત.

નદી તાપી નર્મદા જોય,
મહી ને બીજી પણ જોય.
વળી જોય સુભટના જુદ્ધ રમણને, રત્નાકર સાગર;
પર્વત પરથી વીર પૂર્વજો, દે આશિષ જયકર-
સંપે સોયે સઉ જાત,
જય જય ગરવી ગુજરાત.

તે અણહિલવાડના રંગ,
તે સિદ્ધ્રરાજ જયસિંગ.
તે રંગ થકી પણ અધિક સરસ રંગ, થશે સત્વરે માત !
શુભ શકુન દીસે મધ્યાહ્ન શોભશે, વીતી ગઈ છે રાત.
જન ઘૂમે નર્મદા સાથ,
જય જય ગરવી ગુજરાત.

-નર્મદ (Narmad)Sunday, March 13, 2005

મે તને જોઈ છેંમે તને જોઈ છેં
શિયાળાની સવારના તડકામાં
ઘાસની પર બાઝેલા ઝાંકળમાં
તાપણામાંથી ઉડતા તણખલામાં
મોંમાથી નીકળતી વરાળની કુમાશમાં
ફાટી ગયેલા હોઠની દઝાડતી ઝાંયમાં
ચાહમાંથી આવ્તી એલચીની સુગંધમાં
રસ્તા પર બેઠેલી સળેકડી નિર્જનતામાં
વ્રુક્ષમાંથી ચળાઈને આવતા સૂર્યકિરણોમાં
મંદિરમાં વાગતા નગારાનાં નાદમાં
પહાડ પરથી સરકી જતી વાદળીની ભીનાશમાં
પર્વતની ટોચ પર અને ખીણની કિનાર પર
ધુમ્મસમાં સરી જતી ઘટનાઓમાં
રણમાં ઊગતા મ્રુગજળના પાણીમાં
ધૂળની ડમરીમાં અને સૂરજની ગરમીમાં
પહેલા વરસાદની ભીની ખુશ્બુમાં
નળીયેથી ટપકતી ધારમાં
ટ્રેનની બારીમાંથી આવતી વાછ્ટમાં
સપ્તરંગી મેઘધનુષમાં
વરસાદ સાથે 'બેલે' કરતાં વ્રુક્ષોમાં
આખી રાત ટમટમતા આસમાની તારલાઓમાં
પૂનમની ચાંદનીમાં અને અમાસના અંધકારમાં
રોડ ઊપર ઢોળાઈ જતી નિયોન સાઈન લાઈટમાં
ઊગતા સૂરજનાં પહેલા કિરણમાં
વસંતના વ્રુક્ષોની લીલાશમાં
ફૂલોની મદહોશ સુવાસમાં
પતંગિયાની પાંખોથી વિંઝાતી હવામાં
ભમરા અને ફૂલોના સંભોગમાં
બાળકના બોખા હાસ્યમાં
પ્રેમી યુગલની આગોશમાં

-તેજસ જોષી


ઝરણાં

નાનાં નાનાં ઝરણાં કેવાં જુઓ જંગલે દોડે?
મીઠા સ્વરથી જાય દોડતાં, ભરેલ કોઈ કોડે ... નાનાં નાનાં ઝરણાં

પર્વતમાંથી પ્રકટ થઈને, આગળ પાછળ દોડે;
કેવાં લાગે છે સુંદર એ, ચઢ્યાં છે બધાં હોડે ... નાનાં નાનાં ઝરણાં

પવન એમને જોતાં કેવી લહરી મીઠી છોડે?
પકડવા કરે પ્રયાસ તોપણ ઝરણાં વેગે દોડે ... નાનાં નાનાં ઝરણાં

પકડ્યાં ના પકડાય કેમે, સૂતાં ધરતી સોડે;
જમીનના જૂદા ભાગોને પાણીથી એ જોડે ... નાનાં નાનાં ઝરણાં

આ જીવન છે ચંચલ ટૂંકું ક્ષણક્ષણ તમને છોડે;
કરવાનું તે કામ કરી લો એમ કહેતાં દોડે ... નાનાં નાનાં ઝરણાં

(શ્રી યોગેશ્વરજીના કાવ્યસંગ્રહ 'બિંદુ' માંથી)

Saturday, March 12, 2005

પ્રેમમાં

પ્રેમમાં ચાલને ચકચૂર થૈ ચાલ્યા કરીએ
સૂર્યની આંખે અજબ નૂર થૈ ચાલ્યા કરીએ.
એના ધસમસતા પ્રવાહે બધું આવી મળશે
પ્રેમનું કોઈ અજબ પૂર થૈ ચાલ્યા કરીએ.-હરીન્દ્ર દવે (Harindra Dave)

Monday, March 07, 2005

ગમતાંનો કરીએ ગુલાલ

સ્વ. કવિ શ્રી મકરંદ દવેની ખૂબ જાણીતી રચના અત્રે પ્રસ્તૂત છે. આશા રાખુ કે બધાને પસંદ પડશે.


ગમતું મળે તો અલ્યા, ગુંજે ન ભરીએ
ને ગમતાંનો કરીએ ગુલાલ.

આડા દે આંક એ તો ઓશિયાળી આંગળી,
પંડમાં સમાય એવી પ્રીતિ તો પાંગંળી,
સમંદરની લ્હેર લાખ સુણી ક્યાંય સાંકળી?
ખાડા ખાબોચિયાને બાંધી બેસાય,
આં તો વરસે ગગનભરી વ્હાલ.

ગાંઠે ગરથ બાંધી ખાટી શું જિંદગી?
સરી સરી જાય એને સાચવશે ક્યા લગી?
આવે તે આપ કરી પળમાં પસંદગી,
મુઠ્ઠીમાં રાખતાં તો માટીની પાંદડી
ને વેર્યે ફોરમનો ફાલ.

આવી મળ્યું તે દઈશ આંસુડે ધોઈને,
ઝાઝેરું જાળવ્યું તે વ્હેલેરું ખોઈને,
આજ પ્રાણ જાગે તો પૂછવું શું કોઈને ?
માધવ વેચંતી વ્રજનારીની સંગ
તારાં રણકી ઊઠે કરતાલ !


ગમતું મળે તો અલ્યા, ગુંજે ન ભરીએ
ને ગમતાંનો કરીએ ગુલાલ.

-મકરંદ દવે (Makarand Dave)

Saturday, March 05, 2005

ઊઘડે

આંખમાં છો ને ભીની ઝલક ઊઘડે,
મેઘ વરસી પડે તો ફલક ઊઘડે.

ગાલ પર કોઈ શમણાનું પીંછુ ફરે,
પોપચાં થરથરે ને પલક ઊઘડે.

રોજ લાગે કોઈ યાદ કરતું હશે,
રોજ છાતીમાં ઝીણી સલક ઊઘડે.

પારકા દેશમાં તારી યાદ આવતાં,
ઘર તો ઘર, આખેઆખો મલક ઊઘડે.

છો ખલીલ ! આજ મન થોડું હળવું થતું,
આંખમાં છોને ભીની ઝલક ઊઘડે.

-ખલીલ ધનતેજવી (Khalil Dhantejvi)

Friday, March 04, 2005

વરસો પછી...

ઘણાં વરસો પછી આવ્યા છો એનો એ પુરાવો છે
જે મહેંદી હાથ ને પગ પર હતી એ કેશ પર લાગી-


-મરીઝ (Mareez)

Thursday, March 03, 2005

આછી જાગી સવાર,

આ ગીતમાં કવિએ સવારના પ્રકૃતિસૌંદર્યને મનોહર નારીસ્વરૂપે આલેખ્યુ છે. સવારને કવિએ પુષ્પ સૌરભમાં સ્નાન કરીને આકાશના દર્પણમાં એની રૂપઝલકને પ્રસારતી વર્ણવી છે. સાગરજલનો પાલવ, એના કેશ ગૂંથતી વાયુલહરી વાદળાને ફૂલની જેમ એના કેશમાં મૂકે છે એવુ શબ્દચિત્ર આપીને કવિએ પ્રભાતને સ્વપ્નલોક્ની પેલી પારની સુંદરી રૂપે અંકીત કર્યુ છે. પરંતુ પછીથી એ સુન્દરતા સાથે સવારની ભવ્યતાનો પણ સુમેળ સાધ્યો છે. ઊગતા રતુમડા સૂર્યને પ્રભાતના લલાટ પરની ટીલદી રૂપે દર્શાવવામાં કવિકલ્પ્નાની ઊચી ઉડાન દેખાય છે. રૂપક યોજના દ્ધારા કવિએ સ્ત્રીના લાવણ્યને રજૂ કરી દીધું છે.

આછી જાગી સવાર,
નિંદરની મધુ કુંજ થકી ને સ્વપ્નલોકની પાર. - આછી

પારિજાતના શરણે ન્હાઈ
કોમલ એની કાય,
વ્યોમ આયને જેની છાઈ
રંગ રંગની ઝાંય;
ઑઢ્યો પાલવ સાગરજલનો છલછલ નીલનિતાર - આછી

લહર લહર સમીરણની વાતી
કેશ ગૂંથતી જાણે,
અંબોડામાં શું મદમાતી
અભ્ર-ફૂલને આણે;
કે જેનો ઊડતાં પંખીન કલરવ માંહી બહાર - આછી

ભુવનભુવનનાં ઉજ્જવળ રવિની
બિન્દી અહો લગાવી,
દિશા દિશાના મુખરિત કવિની
વાણી રહી વધાવી;
રંગમન્દિર જાવા જાણે સજી રહી સિંગાર - આછી

(પ્રિયકાંત મણિયાર, ‘પ્રતિક’માંથી) (Priyakant Maniyaar - from 'Pratik')

Tuesday, March 01, 2005

ચાલ, ફરીએ

નિરંજન ભગતની આ કવિતામાં હ્રદયના વિસ્તાર દ્ધારા આ સકલ સૃષ્ટિને ચાહવાની મનીષા પ્રગટ થઈ છે.

ચાલ, ફરીએ

ચાલ, ફરીએ !
માર્ગમાં જે જે મળે તેને હ્રદયનુ વ્હાલ ધરીએ !
બહારની ખુલ્લી હવા
આવે અહીં, ક્યાં લે જવા ?
જ્યાં પંથ નવા, પંથી નવા;
એ સર્વનો સંગાથ છે તો નિત નવા કૈં તાલ કરીએ !
એકલા રહેવું પડી ?
આ સૃષ્ટિ છે ના સાંકડી !
એમાં મળી જો બે ઘડી
ગાવા વિષે, ચહાવા વિષે; તો આજની ના કાલ કરીએ !
ચાલ ફરીએ !
-નિરંજન ભગત (Niranjan Bhagat)