
મિત્રો, લાંબા સમયના વિરામ બાદ એક અતિ સુંદર અને કરૂણરસથી સભર રચના અત્રે રજૂ કરી રહયો છુ. આ રચનાનાં જવાબ રૂપે રચાયેલ કાવ્ય "દેખતા દીકરાનો જવાબ" જો આપ વાંચકોની ઈચ્છા હશે તો જરૂરથી રજૂ કરીશ.
અમ્રુત ભરેલું અંતર જેનું, સાગર, જેવડું સત
પૂનમચંદના પાનિયા આગળ ડોશી લખાવતી ખત,
ગગો એનો મુંબઈ કામે; ગીગુભાઈ ગગજી નામે.
લખ્ય કે, માડી ! પાંચ વરસમાં પહોંચી નથી એક પાઈ,
કાગળની એક ચબરખી પણ, મને મળી નથી, ભાઈ!
સમાચાર સાંભળી તારા; રોવું મારે કેટલા દા'ડા ?
ભાણાનો ભાણિયો લભે છે કે, ગગુ રોજ મને ભેળો થાય,
દન આખો જાય દાડિયું ખેંચવા, રાતે હોટલમાં ખાય,
નિત નવાં લૂગડાં પે'રે, પાણી જેમ પૈસા વેરે.
હોટલનું ઝાઝું ખાઈશ મા, રાખજે ખરચીખૂટનું માપ,
દવાદારૂના દોકડા આપણે કાઢશું કયાંથી, બાપ !
કાયા તારી રાખજે રૂડી; ગરીબની ઈ જ છે મૂડી.
ખોરડું વેચ્યું ને ખેતર વેચ્યું, કૂબામાં કર્યો છે વાસ,
જારનો રોટલો જડે નહિ તે દિ' પીઉં છુ એકલી છાશ,
તારે પકવાનનું ભાણું; મારે નિત જારનું ખાણું.
દેખતી તે દિ' દળણાં-પાણી કરતી ઠામેઠામ,
આંખ વિનાનાં આંધળાંને હવે કોઈ ન આપે કામ,
તારે ગામ વીજળીદીવા, મારે આંહી અંધારા પીવાં.
લિખિતંગ તારી આંધળી માના વાંચજે ઝાઝા જુહાર,
એકે રહ્યું નથી અંગનું ઢાંકણ, ખૂટી છે કોઠીએ જાર,
હવે નથી જીવવા આરો, આવ્યો ભીખ માંગવા વારો.
-ઇંદુલાલ ગાંધી (Indulal Gandhi)
1 comment:
PLEASE SEND ANSWER FROM THE SON
DEKHTA DIKARA NO JAWAB PAN JOVO CHE,KE KAI CHAMAK TENE BHARKHI GAI CHE?
Post a Comment