Thursday, March 17, 2005

છે આવો એકે દેશ?




છે આવો એકે દેશ, આખા જગમાં આવો દેશ?

ફરીફરીને જુઓ છતાંયે આવો ન મળે એક;
પાંચ ખંડની આ પૃથ્વીમાં દેખો દેશ અનેક ... છે આવો

ધર્મતણાં ધાવણ પાયાં છે જેણે જગને નેક;
સંસ્કૃતિ એની ઊંચી તેમજ ઉત્તમ એની ટેક ... છે આવો

વેદ ઉપનિષદ ગીતામાં છે આપ્યા મંત્ર અનેક;
ઉત્તમ જીવનના પાઠ ધર્યા, તાજા આજે છેક ... છે આવો

સૌના હિતના સંદેશ ધર્યા, સેવાની અહાલેક;
ભ્રાતૃભાવની ધરી ભાવના, જગવી સંત અનેક ... છે આવો

શાંતિ સંપ ને સમજુતી માટે કરતો યત્ન દરેક,
ભરતો પગલાં પ્રગતિ પંથપે, રાખી ધૈર્ય વિવેક ... છે આવો

કુદરત એની, એની ઋતુઓ, એના રસ પ્રત્યેક;
પર્વત, સાગર, સરિતા,ઝરણાં દૈવી, ના અતિરેક ... છે આવો

અમર રહો આઝાદી એની, અમર રહો એ દેશ;
વિશ્વશાંતિના દૂત બનાવો એને હે પરમેશ! ... છે આવો


(શ્રી યોગેશ્વરજીના કાવ્યસંગ્રહ 'બિંદુ' માંથી)






No comments: