Monday, March 07, 2005

ગમતાંનો કરીએ ગુલાલ

સ્વ. કવિ શ્રી મકરંદ દવેની ખૂબ જાણીતી રચના અત્રે પ્રસ્તૂત છે. આશા રાખુ કે બધાને પસંદ પડશે.


ગમતું મળે તો અલ્યા, ગુંજે ન ભરીએ
ને ગમતાંનો કરીએ ગુલાલ.

આડા દે આંક એ તો ઓશિયાળી આંગળી,
પંડમાં સમાય એવી પ્રીતિ તો પાંગંળી,
સમંદરની લ્હેર લાખ સુણી ક્યાંય સાંકળી?
ખાડા ખાબોચિયાને બાંધી બેસાય,
આં તો વરસે ગગનભરી વ્હાલ.

ગાંઠે ગરથ બાંધી ખાટી શું જિંદગી?
સરી સરી જાય એને સાચવશે ક્યા લગી?
આવે તે આપ કરી પળમાં પસંદગી,
મુઠ્ઠીમાં રાખતાં તો માટીની પાંદડી
ને વેર્યે ફોરમનો ફાલ.

આવી મળ્યું તે દઈશ આંસુડે ધોઈને,
ઝાઝેરું જાળવ્યું તે વ્હેલેરું ખોઈને,
આજ પ્રાણ જાગે તો પૂછવું શું કોઈને ?
માધવ વેચંતી વ્રજનારીની સંગ
તારાં રણકી ઊઠે કરતાલ !


ગમતું મળે તો અલ્યા, ગુંજે ન ભરીએ
ને ગમતાંનો કરીએ ગુલાલ.

-મકરંદ દવે (Makarand Dave)

No comments: