આજે હેતલભાઈના નવો ગુજરાતી બ્લોગ ધ્યાનમાં આવ્યો અને તેમના બ્લોગ પર રજૂ થયેલ આ કવિતા અત્રે પ્રસ્તૂત કરવાની ઈચ્છા રોકી શક્યો નથી.
સિદ્ધાર્થ
--------------------------------------------------------------------------------------------
આમ તો ખૂબ સહેલી વાત છે જળથી ભીના થવું
પણ
ધોધમાર આષાઢને દિવસે
અનેક લોકો વસ્ત્ર સાચવતા છત નીચે ઊભા રહે ત્યારે
માર્ગ ઉપરથી બધીયે આંખોને વટાવી
ભીના થતાંથતાં ચાલી જવું
થોડીક હિંમત માગી લે છે.
આમ તો ખૂબ સહેલું છે એક ફુલને હાથમાં રમાડવું
પણ
રવિવારની સાંજે બાગમાં ગપ્પાં મારતાં લોકો બેઠા હોય ત્યારે
એક ફુલની પાંખડી સાથે અંગત વાતો કરવી
થોડીક હિંમત માગી લે છે.
બાળક સાથે રમવું એ કંઈ મોટી વાત નથી.
પણ
આપણા નામની આસપાસ
કીર્તિનું સોનું ગૂંથાઈ જાય પછી
ફરી પાછા નાનકડા થઈ રમતમાં ભૂલા પડવું
થોડીક હિંમત માગી લે છે.
આમ તો સહેલી છે મૃત્યની વાતો કરવી વિરકત થઈને
પણ
રાત્રિની સ્તબ્ધતામાં એના આગમનના પડઘા
આપણા ઘર ભણી આવતા લાગે તે પછી પણ
હસતાં રહેવુંથોડીક હિંમત માગી લે છે.
-વિપિન પરીખ (Vipin Parikh)
Saturday, May 06, 2006
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment