Sunday, May 28, 2006

મા બાપને ભૂલશો નહિ

હમણા "મધર્સ ડે" ગયો...માર્કેટિંગનાં ખેરખા એવા આ દેશમાં લાગણીનો મોટો ધંધો થઈ ગયો છે અને જીંદગી એવી થઈ ગઈ છે કે મા બાપને યાદ કરવા કે તેમની સાથે સમય વિતાવવા માટે સમય નથી, તેથી આવા "મધર્સ ડે" અને "ફાધર્સ ડે"નાં દિવસોએ એક સરસ મજાનું કાર્ડ કે પછી ફૂલનો ગુલદસ્તો અથવા તો પછી એક સાંજ માટે ફેમીલી સાથે ડીનર લઈને પોતાની માબાપ પ્રત્યેની જવાબદારી પૂરી થયાનો આજનો સંતાન આનંદ માણે છે. પરંતુ હકિકત એ છે કે તેઓને તમારા પળ બે પળ સાથ સંગાથની જરૂર નથી તેમને જરૂર છે તમારી લાગણીની...તમારી હૂંફની

આ સુંદર મજાની આંખો ખોલાવી નાખતી રચના વાંચીને તમે આંતરખોજ કરજો કે તમે મા-બાપને જીંદગીની ઘટમાળમાં ભૂલી તો નથી ગયાને....આ રચના વાંચીને કદાચ એક પણ બાળક તેમના મા-બાપને પ્રેમથી યાદ કરીને બોલાવશે તો આ પ્રયત્ન સાર્થક ગણાશે.

સિદ્ધાર્થ


મા બાપને ભૂલશો નહિ


ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ
અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહિ

પથ્થર પૂજ્યા પૃથ્વી તણા, ત્યારે દીઠું તમ મુખડું
એ પુનિત જનનાં કાળજાં, પથ્થર બની છુંદશો નહિ

કાઢી મુખેથી કોળીયા, મ્હોંમાં દઈ મોટા કર્યા
અમૃત તણાં દેનાર સામે, ઝેર ઉગળશો નહિ

લાખો લડાવ્યાં લાડ તમને, કોડ સૌ પુરા કર્યા
એ કોડના પુરનારના, કોડને ભૂલશો નહિ

લાખો કમાતા હો ભલે, મા બાપ જેથી ના ઠર્યા
એ લાખ નહિં પણ રાખ છે, એ માનવું ભૂલશો નહિ

સંતાનથી સેવા ચાહો, સંતાન છો સેવા કરો
જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહિ

ભીને સૂઈ પોતે અને, સુકે સુવડાવ્યા આપને
એ અમીમય આંખને, ભૂલીને ભીંજવશો નહિ

પુષ્પો બિછાવ્યાં પ્રેમથી, જેણે તમારા રાહ પર
એ રાહબરના રાહ પર, કંટક કદી બનશો નહિ

ધન ખરચતાં મળશે બધું, માતા પિતા મળશે નહિ
પલ પલ પુનિત એ ચરણની, ચાહના ભૂલશો નહિ.

-સંત પુનિત (Sant Punit)



gujarati blog




Wednesday, May 24, 2006

ઓ નીલગગનનાં પંખેરું....

આ ગીત મને ખૂબ જ ગમે છે, મુકેશના કંઠે પહેલીવાર સાંભળ્યુ હતું. કદાચ ગુજરાતી ચિત્રપટનું ગીત છે. વાંચકો વધુ માહિતિ હોય તો જરૂરથી મોકલાવશો. કર્તાનું નામ મને ખબર નથી તેથી લખ્યુ નથી, જાણકાર વાંચકો આ ગીત વિશે વધુ માહિતિ આપશે તો ઘણૉ જ આનંદ થશે.

સિદ્ધાર્થ


ઓ નીલ ગગનનાં પંખેરું
તુ કાં નવ પાછો આવે
મને તારી
ઓ મને તારી યાદ સતાવે

ઓ નીલગગનનાં પંખેરુ

સાથે રમતા સાથે ભમતાં
સાથે નાવલડીમાં તરતાં
એક દરિયાનું મોજુ આવ્યું
વાર ન લાગી આવી તુજને સરતાં
આજ લગી તારી વાટ જોવુ છું
તારો કોઈ સંદેશો ના આવે...
મને તારી...(2)

ઓ નીલગગનનાં પંખેરુ

તારા વિના ઓ જીવનસાથી
જીવન સૂનું સૂનું ભાસે
પાંખો પામી ઊડી ગયો તું,
જઈ બેઠો તું ઊંચે આકાશે
કેમ કરી હું આવુ તારી પાસે...(2)
મને કોઈ ના માર્ગ બતાવે...(2)
મને તારી
ઓ મને તારી યાદ સતાવે

ઓ નીલગગનનાં પંખેરું....

મોરલા સમ વાટલડી જોઉં
ઓ રે મેહુલા તારી
વિનવુ વારંવાર તુને
તુ સાંભળી લે વિનંતિ મારી
તારી પાસે છે સાધન સૌએ

તુ કા નવ મને બોલાવે ...(2)
મને તારી યાદ સતાવે...(2)


ઓ નીલગગનનાં પંખેરું....

આ ગીત સાંભળવા અહિ ક્લીક કરો

gujarati blog







Wednesday, May 17, 2006

કવિ શ્રી રમેશ પારેખ

રાજકોટમાં જ્યારે રમેશ પારેખ કાવ્યપર્વ યોજાયુ ત્યારે કવિ શ્રી અરવિંદ ભટ્ટે નીચેનુ કાવ્ય રજૂ કરેલ જેમા રમેશ પારેખ અમરેલી છોડીને રાજકોટ સ્થાયી થવાનો નિર્ણય લીધો તેનો ઉલ્લેખ હતો.

બોલ અમરેલી તને કેવુ-કેવુ થાય
રમેશ પારેખ આજે તને છોડી-છોડી જાય
ર.પા. તારા આંગણાનો છોડ
તેને જોઈ જોઈ તને ઉગ્યા કરે કોડ
આથમે તું ત્યારે અહી ઉગતો રમેશ

આજ કવિતા આજના સંદર્ભમાં લઈએ તો

બોલ આ દુનિયા તને કેવુ-કેવુ થાય
રમેશ પારેખ આજે તને છોડી-છોડી જાય
ર.પા. તારા આંગણાનો છોડ
તેને જોઈ જોઈ તને ઉગ્યા કરે કોડ
આથમે તું ત્યારે અહી(ગુજરાતી સાહિત્ય જગતમાં)
હમેશ ઉગતો રમેશ


સાચે જ રમેશ પારેખ તેમની રચનાઓ દ્ધારા ગુજરાતી સાહિત્ય જગતમાં તો અમરત્વને પામી જ ચૂક્યા છે.

સિદ્ધાર્થ

gujarati blog

કવિ શ્રી રમેશ પારેખનું અવસાન

આજે સવારે ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય કવિ શ્રી રમેશ પારેખ નું હૃદયરોગના હુમલાથી અવસાન થયું છે. આ બ્લોગના વાંચકો તદઉપરાંત ગુજરાતી કવિતામાં રસ ધરાવતા રસિકો માટે અંત્યત આઘાતનાં સમાચાર છે. લાગણીઓને શબ્દોમાં વણી લેવાની તેમની એક અનોખી વિશિષ્ટતા હતી. આ બ્લોગનાં કર્તા અને વાંચકો તરફથી "છ અક્ષરનું નામ"નાં રચયિતાને અશ્રુભીની શ્રદ્ધાજંલિ. શ્રી રમેશ પારેખના અવસાનથી ગુજરાતી સાહિત્ય જગતને ન પૂરાય તેવી ખોટ પડી છે અને સદગતના આત્માને પ્રભુ શાંતિ આપે એ જ પ્રાર્થના....

સિદ્ધાર્થ શાહ

Monday, May 15, 2006

Important tip

Dear fellow gujarati bloggers,

It is a matter of great pride that gujarati blog world is spreading its wings and more and more people are coming in and sharing their knowledge, experiences and love for literature in Gujarati. I just came across a situation which I am sure lots of you must have come across and while researching it further I found the solution. So I am posting the solution here. I hope it helps.

When you create a blog in Gujarati most of the time in Internet Explorer it looks fine but in firefox or some other browser it may look different and non-readable. I am providing sample below.



To avoid this, please go to the template and in the stylesheet section of the code make sure your text is aligned to left. Also when you create a post make sure it is not set to "justify" but set to "left aligned". I hope this is not too technical. I invite other fellow bloggers to simplify it. Most of the time when you try to justify the text it is ok for English but gujarati unicode are not set up for "justify"

I hope this little tip will certainly help the look of your site and make life for gujarati readers much more fun.

regards,

Siddharth

Saturday, May 13, 2006

રમૂજી ગીત

ઈન્ટરનેટ એક ગજબની વસ્તુ છે. ઘણીવાર એવુ મળી જાય છે કે તમારાજ્ઞાનમાં વધારો કરે અને ઘણીવાર તમારૂ હસાવી હસાવીને પેટ દુખાડી દે. આજે નેટ પર ફરતા ફરતા કોઈ ઉભરતા ગાયકે પોતાની સૂવાની આદત પર ગીત ગાયુ છે જે તમે સાંભળીને હસવાનું રોકી નહિ શકો.

સાંભળવા માટે અહિ ક્લીક કરો.


સિદ્ધાર્થ

Friday, May 12, 2006

પનઘટની વાંટે


તને જાતા જોઈ પનઘટની વાટે
મારૂ મન મોહી ગયુ,

તારા રૂપાળા ગોરા ગોરા ઘાટે,
મારૂ મન મોહી ગયુ,

કેડે કંદોરોને કોટમાં દોરો
તારા લહેરિયાની લાલ લાલ ભાતે,
મારૂ મન મોહી ગયુ,

રાસે રમતી આંખને ગમતી
પૂનમની રઢિયાળી રાતે,
મારૂ મન મોહી ગયુ,

બેંડલુ માઠે ને મહેંદી ભરી હાથે
તારી ગાગરની છલકાતી છાંટે,
મારૂ મન મોહી ગયુ,

તને જાતા જોઈ પનઘટની વાટે
મારૂ મન મોહી ગયુ,


-અવિનાશ વ્યાસ (Avinash Vyas)

Wednesday, May 10, 2006

આ કોની મનોરમ દ્ધષ્ટિથી

આ બ્લોગ વાંચતા વાંચકોને અંદાજ હશે જ કે પ્રકૃતિગાન કરતી કવિતાઓ મારી પ્રિય છે અને સમયાંતરે હુ આ પ્રકારની કવિતાઓ રજૂ કરવાનો મોકો શોધતો જ હોઉ છું. આજે ગની દહિવાળાની આ સુંદર કવિતા રજૂ કરૂ છું જે વાંચીને એક સુંદર હિન્દી ગીત "યે કોન ચિત્રકાર હે, યે કોન ચિત્રકાર હે" યાદ આવી જાય છે.

સિદ્ધાર્થ

-------------------------------------------------------------------------------------

આ કોની મનોરમ દ્ધષ્ટિથી આકાશનું અંતર ભીંજાણું ?
ધરતીને જતનથી ઓઢેલું નવલું નીલામ્બર ભીંજાણુ ?



આ ઈંદ્ધધનુની પિચકારી કાં સપ્તરંગમાં ઝબકોળી ?
ફાગણ નહિ આ તો શ્રાવણ છે, એમાં રમી લીધી હોળી?


છંટાઈ ગયા ખુદ, વ્યોમ સ્મું ધરતીનું કલેવર ભીંજાણું,
ધરતીએ જતનથી ઓઢેલું નવલું નીલામ્બર ભીંજાણું,


કાળી કાળી જલપરીઓની આંખોમાં વીજના ચમકારા,
ત્યાં દૂર ક્ષિતિજે દેખાતા આ કોની આંખના અણસારા ?


શી હર્ષાની હેલી કે, ધરતીનું કલેવર ભીંજાણું,
ધરતીએ જતનથી ઓઢેલું નવલું નીલામ્બર ભીંજાણું,

આરસભીની એકલતામાં સાંનિધ્યનો સાંજે સંભવ છે,
ફોરાંની મૃદુ પાયલ સાથે આ કોનો મંજુલ પદરવ છે?

આનંદના ઉઘડ્યા દરવાજા, ધરતીનું કલેવર ભીંજાણું,
ધરતીએ જતનથી ઓઢેલું નવલું નીલામ્બર ભીંજાણું,


-ગની દહીંવાળા (Gani Dahiwala)

Saturday, May 06, 2006

આમ તો

આજે હેતલભાઈના નવો ગુજરાતી બ્લોગ ધ્યાનમાં આવ્યો અને તેમના બ્લોગ પર રજૂ થયેલ આ કવિતા અત્રે પ્રસ્તૂત કરવાની ઈચ્છા રોકી શક્યો નથી.



સિદ્ધાર્થ
--------------------------------------------------------------------------------------------

આમ તો ખૂબ સહેલી વાત છે જળથી ભીના થવું
પણ
ધોધમાર આષાઢને દિવસે
અનેક લોકો વસ્ત્ર સાચવતા છત નીચે ઊભા રહે ત્યારે
માર્ગ ઉપરથી બધીયે આંખોને વટાવી
ભીના થતાંથતાં ચાલી જવું
થોડીક હિંમત માગી લે છે.

આમ તો ખૂબ સહેલું છે એક ફુલને હાથમાં રમાડવું
પણ
રવિવારની સાંજે બાગમાં ગપ્પાં મારતાં લોકો બેઠા હોય ત્યારે
એક ફુલની પાંખડી સાથે અંગત વાતો કરવી
થોડીક હિંમત માગી લે છે.

બાળક સાથે રમવું એ કંઈ મોટી વાત નથી.
પણ
આપણા નામની આસપાસ
કીર્તિનું સોનું ગૂંથાઈ જાય પછી
ફરી પાછા નાનકડા થઈ રમતમાં ભૂલા પડવું
થોડીક હિંમત માગી લે છે.

આમ તો સહેલી છે મૃત્યની વાતો કરવી વિરકત થઈને
પણ
રાત્રિની સ્તબ્ધતામાં એના આગમનના પડઘા
આપણા ઘર ભણી આવતા લાગે તે પછી પણ
હસતાં રહેવુંથોડીક હિંમત માગી લે છે.

-વિપિન પરીખ (Vipin Parikh)

Friday, May 05, 2006

જો થઈ છે.......

આજે મે બ્લોગમાં મોટા ફેરફાર કરવાનો વિચાર કર્યો. મારી પોતાની વેબસાઈટ નોંધાવ્યા બાદ વિચાર્યુ કે હવે બ્લોગ પણ ત્યા ટ્રાન્સફર કરી દઉ. વર્ડપ્રેસ નામનું આજકાલ ઘણુ જાણીતુ સોફ્ટવેર બ્લોગ માટે વાપરવાનું નકકી કર્યુ અને ત્યારબાદ કામકાજ ચાલુ કર્યુ. આમ તો વાંધો કશો આવ્યો નહિ પરંતુ ફોર્મેટીંગ બધુ બગડી ગયુ. જો કે આવનારા થોડા દિવસો માં હુ તમને વેબસાઈટનું નવુ સરનામુ આપીશ.

લોકો કહે છે કે "હિમ્મતે મર્દા તો મદદે ખુદા" હમણા કોઈક પાસેથી સાંભળ્યુ કે "હિમ્મતે મર્દા તો માર ખવડાવે ખુદા"

તમે જ જણાવો કે તમારો અનુભવ કેવો છે.

ચાલો ત્યારે,

આવજો રામ રામ,

સિદ્ધાર્થ શાહ

Wednesday, May 03, 2006

પ્રેમ એટલે કે


પ્રેમ એટલે કે,
સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો.
સ્વપ્નમાં પળાય એવો કાયદો


પ્રેમ એટલે કે,
તારા ગાલોના ખાડામાં ડૂબી જતા મારા ચોર્યાસી લાખ વહાણૉનો કાફલો
ક્યારે નહીં માણી હો,
એવી કોઈ મોસમનો કલરવ યાદ આવે, એ પ્રેમ છે.
દાઢી કરતા જો લોહી નીકળે ને ત્યાંજ કોઈ પાલવ યાદ આવે, એ પ્રેમ છે.


પ્રેમ એટલે કે,
સાવ ઘરનો જ એક ઓરડોને તોય આખા ઘરથી અલાયદો,
કાજળ આંજીને તને જોઉં તો તું લાગે,
એક છોકરીને તે શ્યામવર્ણી
વાદળ આંજીને જોતાં એવું લાગ્યું કે, મને મૂકીને આકાશને તું પરણી
પ્રેમમાં તો ઝાકલ આંજીને તને જોવાની હોય અને ફૂલોમાં ભરવાનો હોય
છે મુશાયરો

પ્રેમ એટલે કે...


-મુકુલ ચોક્સી (Mukul Choksi)