Friday, July 29, 2005

દાદીમાનો ઓરડો

પરિવારજીવનમાં વૃદ્ધના અવસાનથી ખાલીપાની વ્યથાની ઊંડી અનુભૂતિ થતી હોય છે, પણ પછી અન્ય વૃદ્ધોને જોતા આપણું ચિત્ત કંઈક રાહત અનુભવે છે. કવિએ એ સૌ કોઈના હ્રદયના ભાવને પોતાના દાદીમાનાં નિધન નિમિત્તે અહીં રજૂ કર્યો છે. આ સોનેટમાં દીર્ઘાયુષી, કરૂણામૂર્તિ અને સુખદુ:ખના ખજાના સમાં દાદીમાની કાયમી ગેરહાજરીની વ્યથા અષ્ટકમાં વ્યકત થઈ છે. પણ પછી વિશ્વસકલના વૃદ્ધોમાં દાદીમાંનો સાક્ષાત્કાર થવાથી એ સંવેદન સરસ વળાંક છે. દાદીમાની અનુપસ્થિતિથી સૂમસામ એવો ઓરડો જ અહીં એ સંવેદન જાગવાનું નિમિત્ત બની રહે છે.

દાદીમાનો ઓરડો

અહીં જ બસ બા ! સદાય ઢળતો જતો ઢોલિયો,
અહીં જ મણકા ફર્યા વરસ, એક સો સાતના;

અહીં જ ત્રણ પેઢીના ઝૂલવિયાં તમે પારણાં
અહીં જ લચતો ખચેલ ફૂલડે હતો માંડવો.

કદી મરણ બા ! અકાલ ફૂલડાં ચૂંટિયે લિયે,
સહ્યા કઠણ ઘા તમે કરૂણમૂર્તિ ! ભારે હિયે

અનેક સુખદુ:ખના સ્મરણના પટારા સમો,
સૂનો ભરખવા ધસે અહહ ! એ જ આ ઓરડો !

હવે નયન બા ! બધે જ તમને રહે ઢૂંઢતાં,
પિયાસ તમ દર્શની અવ રહી છ પીડી જ કે-

જરાક નજરે ચડે તમ સમું જ કો ખોળિયું
બિછાનું બસ સેજ અંતરતણે અહીં ઓરડે;

નિમંત્રી રહું પોઢવા સકલ વિશ્વવૃદ્ધત્વને
અનેસકલ વૃદ્ધમાં વિલસતાં દીસો બા તમે !

-બાલમુકુન્દ દવે (Balmukund Dave)

Wednesday, July 27, 2005

અંધેરીનગરી

પૂરી એક અંધેરી ને ગંડુ રાજા,
ટકે શેર ભાજી ને ટકે શેર ખાજાં;
બધી ચીજ વેચાર ત્યાં ભાવ એકે,
કદી સારી બૂરી ન વેચે વિવેકે.

ત્યાં જઈ ચઢ્યા બે ગુરુ એક ચેલો,
ગયો ગામમાં માગવા શિષ્ય પેલો;
લીધી સુખડી હાટથી આપી આટો,
ગુરુ પાસ જઈને કહે, "ખૂબ ખાટ્યો."

ગુરુજી કહે, "રાત રહેવું ન આંહી,
સહુ એક ભાવે ખપે ચીજ જ્યાંહી;
હશે ચોરને શાહનો ન્યાય એકે,
નહી હોય શિક્ષા ગુનાની વિવેકે...

ન એ વસ્તીમાં એક વાસો વસીજે,
ચલો સદ્ય ચેલા જવું ગામ બીજે."
કહે શિષ્ય, "ખાવા પીવા ખૂબ આંહી,
તજી તેહ હું તો ન આવીશ ક્યાંહી."

ગુરુએ બહુ બોધ દીધો જ ખાસો,
"નહીં યોગ્ય આંહી રહ્યે રાતવાસો."
ન માની કશી વાત તે શિષ્ય જયારે,
ગુરુજી તજીને ગયા ગામ ત્યારે.

રહ્યા શિષ્યજી તો ત્યહાં દિન ઝાઝા,
બહુ ખાઈપીને થયા ખૂબ તાજા;
પછીથી થયા તેહના હાલ કેવા,
કહું છું હવે હું સુણો સદ્ય તેવા.


તસ્કર ખાતર પાડવા, ગયા વણિકને દ્ધાર;
તહાં ભીત તૂટી પડી, ચોર દબાયા ચાર.
માત પ્રભાતે ચોરની, ગઈ નૃપને ફરિયાદ;
શૂળી ઠરાવી શેઠને, ડોશીની સૂણી દાદ.

"એવુ ઘર કેવું ચણ્યું, ખૂન થયાં તે ઠાર;
રાતે ખાતર ખોદતાં, ચોર દબાયા ચાર."
વણિક કહે, "કડિયા તણો એમાં વાંક અપાર;
ખરેખરી એમાં નથી, મારો ખોડ લગાર."

કડિયાને શૂળી ઠરી, વણિક બચ્યો તે વાર;
ચૂકે ગારો કરનારની, કડિયે કરી ઉચ્ચાર.
ગારો કરનાર કહે, "પાણી થયું વિશેષ;
એ તો ચૂક પખાલીની, મારી ચૂક ન લેશ"

પુરપતી કહે પખલીને, "જો તું શૂળીએ જાય,
આજ પછી આ ગામમાં, એવા ગુના ન થાય."
"મુલ્લાં નીસર્યા મારગે, મેં જોયુ તે દિશ;
પાણી અધિક તેથી પડ્યું, રાજા છાંડો રીસ."

મુલ્લાંજીને મારવા, કરી એવો નિરધાર;
શૂળી પાસે લઈ ગયા, મુલ્લાંને તે વાર.
ફળ જાડું શૂળી તણું, મુલ્લાં પાતળે અંગ;
એવી હકીકત ચાકરે, જઈ કહી ભૂપ પ્રસંગ.

ભૂપ કહે, "શું હરઘડી આવી પૂછો કોઈ;
શોધી ચઢાવો શૂળીએ, જાડા નરને જોઈ."
જોતાં જોતાં એ જડ્યો, જોગી જાડે અંગ;
બહુ દિન ખાઈને બન્યો, રાતે માતે રંગ

શિષ્ય મુદત માગી ગયો ગુરુ પાસે પસ્તાય;
ગુરુએ આવી ઉગારિયો, અદભૂત કરી ઉપાય.
જોગી શૂળી પાસ જઈ કહે, "ભૂપ સુણ કાન,
આ અવસર શૂળીએ ચઢે, વેગે મળે વિમાન."

ચેલો બોલ્યો, "હું ચઢું" ને ગુરુ કહે, "હું આપ;"
અધિપતિ કહે, "ચઢીએ અમો, પૂરણ મળે પ્રતાપ."
ગુરુ ચેલાને ગામથી, પહોંચાડ્યા ગાઉ પાંચ;
રાજા શૂળી પર રહ્યો, અંગે વેઠી આંચ.


-દલપતરામ (Dalpatram)

Tuesday, July 26, 2005

આપણ ખેતરિયે મંગલ

અ અ પ્રકૃતિ-ગીતમાં વરસાદની પ્રથમ વૃષ્ટિને કારણે ખેડુ-દંપતિને થયેલો આનંદ વ્યક્ત કરાયો છે. નાનકડા ગીતમાં વાદળની ઝરમર, મોરના ટહુકાર તથા ઝરણાનો કલનાદ સંભળાવીને; ધરતીની ધૂળમાંથી ઓ ઊઠતી સોડમ સૂંઘાડીને, ભીના ઘાસ ઊપર ચમકતું આભનું પ્રતિબિંબ તથા ધરા-આભની રંગછટા દર્શાવીને કવિએ આપણાં કાન-નાક-આંખને આનંદ આપ્યો છે. દર્ભના લીલા ઘાસ ઊપર જામેલાં જલ-શીકરોમાં નભનુ પ્રતિબિંબ ચમકે છે. પણ કવિ એવી સાદી વાત કરે કે? તેમને તો એ ચમકતું પ્રતિબિંબ હલમલતો આનંદ લાગે છે. ખેડુ અને ખેડુપત્નિનો નાનકડો સંવાદ પણ અહીં છે. એમાં ખેડુપત્નિ કહે છે કે પોતે બિયારણ લાવી છે અને ખેડુ કહે છે કે પોતે હળ અને બળદ લાવ્યો છે. બન્નેને મહેનતનાં ફળ ભેળાં જમવાની હોંશ છે.



આપણ ખેતરિયે મંગલ
ટહુકે મોરા, બાદલ વરસે ઝરમર ઝરમર જલ,
ધરતીની ધૂળ ઝરતી આજે
મનહર મીઠી ગંધ,
નીલ દાભના અંકુરે શો
હલમલ રે આનંદ!

થલે થલે વ્હેતાં ઝરણાંનો નાદ રમે કલકલ
'હું લાવી ઓરામણ.'
'લાવ્યો હું ધોરી ને હલ.'
ભેળી તે મહેનતનાં આપણ
ભેળાં જમશુ ફલ.
ધરા-આભને આધારે જે
રંગછટા અંકાઈ,
એવાં રે જીવતર હૈયાંને
ઉમંગ રહેશુ ગાઈ,
દિનભરનાં ભીંજ્યાં પોઢણિયે ઓઢીશું કંવલ.

રાજેન્દ્ર શાહ

Sunday, July 24, 2005

પ્રણયમાં નિષ્ફળતા- કોનો વાંક ?

પ્રણયમાં સાંપડેલી નિષ્ફળતા માટે કોઈ એક જ પક્ષને જવાબદાર કેમ ગણી શકાય ?

શાયર મરીઝ એ માટે એકની શરમ ને અન્યના વિનયને કારણભૂત ગણીને, ઉભયની જવાબદારીને સરખે હિસ્સે વહેચે છે.

નિષ્ફળ પ્રણયનું કારણ શોધો તો છે ઉભયમાં,
એ રહી ગયા શરમમાં, હુ રહી ગયો વિનયમાં

Saturday, July 23, 2005

કાળજા કેરો કટકો

આજે પ્રસ્તૂત છે કવિ દાદની અમર કૃતિ અને કન્યાવિદાયની શ્રેષ્ઠ કાઠિયાવાડી રચના


કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગ્યો

આંબલીપીપળી ડાળ બોલાવે
હે બેના એકવાર હામું જો
અરે ધૂમકા દેતી જે ધરામાં
ઈ આરો અણહર્યો

કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગ્યો

લૂંટાઈ ગ્યો મારો લાડખજાનો
હે દાદ હું જોતો રયો
જાન ગઈ જાણે જાન લઈ હો
આ સૂનો માંડવડો

કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગ્યો

-દાદ (Daad)

Thursday, July 21, 2005

દિલના દર્દોને પીનારો શુ જાણે, પ્રેમ ના રિવાજો ને જમાનો શું જાણે,
છે કેટલી તકલીફ કબરમાં, તે ઉપરથી ફૂલ મૂકનારો શું જાણે!

જીવનમા જસ નથી, પ્રેમમાં રસ નથી;
ધંધામાં કસ નથી, જાવુ છે સ્વર્ગમાં, પણ એની કોઈ બસ નથી

જિંદગીને જીવવાની ફિલસુફી સમજી લીધી,
જે ખુશી આવી જીવનમાં, આખરી સમજી લીધી!

ડૂબતા જીવનનાં તમે શ્વાસ છો, કહુ કેમ કે તમે કઈક ખાસ છો;
તમે ફૂલ નહીં પણ જમીન પર ઊગતા ઘાસ છો, સાચુ કહુ, તમે એક મોટો ત્રાસ છો.

લોકો કહે છે કે - હસ્યા તેના ઘર વસ્યા!
પરંતુ એ કોણ જાણે છે કે - ઘર વસ્યા પછી કેટલા હસ્યા?

-અજ્ઞાત

Tuesday, July 19, 2005

સુભાષિતો

વાપરતા આ વિશ્વમાં, સહુ ધન ખૂટી જાય;
વિદ્યા વાપરતા વધે, એ અચરજ કહેવાય.

વિપત પડે નવ વલખિએ, વલખે વિપત નવ જાય;
વિપતે ઉદ્યમ કીજિયે, ઉદ્યમ વિપતને ખાય.

Sunday, July 17, 2005

જોબનિયું

આજે એક સરસ મજાનું લોકગીત પ્રસ્તૂત કરૂ છુ. લોકગીતના કર્તા અજ્ઞાત હોય છે. લોકગીતો લોકમુખે ગવાતા અને પ્રસરતા રહે છે.


જોબનિયું આજ આવ્યું ને કાલ્ય જાશે,
જોબનિયું કાલ્ય જાતું રે'શે.
જોબનિયાને માથાના અંબોડામાં રાખો, જોબનિયું...
જોબનિયાને પાઘડીના આંટામાં રાખો, જોબનિયું...
જોબનિયાને આંખ્યનાં ઉલાળામાં રાખો, જોબનિયું...
જોબનિયાને હરખના હિલોળામાં રાખો, જોબનિયું...
જોબનિયાને હાથની હથેળીમાં રાખો, જોબનિયું...
જોબનિયાને ઘાઘરાના ઘેરમાં રાખો, જોબનિયું...
જોબનિયાને પગની પાનીમાં રાખો.. જોબનિયું કાલ્ય જાતું રે'શે

Friday, July 15, 2005

દીકરીના લગ્ન પછી, ઘરમાં

આખરે ઉજાગરાનો અંત આવ્યો:
લગન ઊકલી ગયાં.
મા હવે
ઘરની ચીજવસ્તુઓ ગણે છે
સંભારી સંભારી મેળવે છે
સંભાળી સંભાળી ગોઠ્વે છે:
થાળી, વાડકા, ગ્લાસ, ડિશ-
બધું બરાબર છે
ક્યાંય કશુંય ખોવાયું નથી
કશુંય ગયું નથી-
પણ
અચાનક કંઈક યાદ આવતાં
એ ઓરડા વચ્ચે
ઊભી રહી જાય છે
આંખોમાંથી ટપકું ટપકું થાય છે
ખારો ખારો પ્રશ્ન :
'મારી દીકરી ક્યાં ?'

-જયંત પાઠક (Jayant Pathak)

Thursday, July 14, 2005

દેખતા દીકરાનો જવાબ

ફાટ્યાં-તૂટ્યાં જેને ગોદડી ગાભાં, આળોટવા ફૂટપાથ,
આંધળી ડોશીનો દેખતો દીકરો, કરતો મનની વાત.
વાંચી તારાં દુ:ખડાં માડી ! ભીની થઈ આંખડી મારી.

પાંચ વરસમાં પાઈ મળી નથી, એમ તું નાખતી ધા,
આવ્યો તે દિ'થી આ હોટલને ગણી, માડી વિનાના 'મા'
બાંધી ફૂટપાયરી જેણે, રાખ્યો રંગ રાતનો એણે !

ભાણિયો તો માડી ! થાય ભેળો જે દિ' મિલો બધી હોય બંધ,
એક જોડી મારાં લૂગડાંમા, એને, આવી અમીરીની ગંધ ?
ભાડે લાવી લૂગડાં મોંઘા, ખાતો ખારા દાળિયા સોંઘા.

દવાદારૂ આંહી આવે ન ઢૂંકડા, એવી છે કારમી વેઠ,
રાત ને દિવસ રળું તોયે મારું, ખાલી ને ખાલી પેટ,
રાતે આવે નીંદર રૂડી, મારી કને એટલી મૂડી.

જારને ઝાઝા જુહાર કે'જે, ઊડે આંહી મકાઈનો લોટ,
બેસવા પણ ઠેકાણું ના મળે, કૂબામાં તારે શી ખોટ ?
મુંબઈની મેડીયું મોટી, પાયામાંથી સાવ છે ખોટી.

ભીંસ વધીને ઠેલંઠેલા, રોજ પડે હડતાળ,
શે'રના કરતા ગામડામાં, મને દેખાય ઝાઝો માલ,
નથી જાવું દાડિયે તારે, દિવાળીએ આવવું મારે.

કાગળનું તારે કામ શું માડી ! વાવડ સાચા જાણ,
તારા અંધાપાની લાકડી થાવાના, મેં લીધા પચખાણ,
હવે નથી ગોઠતું માડી, વાંચી તારી આપદા કાળી.

-ઇંદુલાલ ગાંધી (Indulal Gandhi)

Wednesday, July 13, 2005

આ મોજ ચલી

આ સુંદર રચના માટે પંચમ શુક્લાનો ઘણો ઘણો આભાર...

આ મોજ ચલી જે દરિયાની તે મારગની મુહતાજ નથી,
એ કેમ ઉછળશે કાંઠા પર એનો કોઈ અંદાજ નથી.

ઓ દોસ્ત, વહેતા જીવનની આ કોણ સિતાર સુણાવે છે?
આ બેઠો છે ક્યાં બજવૈયો? કૈં સૂર નથી કૈં સાજ નથી.

હા, બે’ક ઘડી એ નયનોમાં જોઈ છે એવી એક છબી,
ઝબકારે એક જ જાણી છે, જ્યાં કાલ નથી કે આજ નથી.

હરરોજ હજારો ગફલતમાં હું ભૂલી જાઉં તને, પ્રીતમ!
ને એમ છતાં એવું શું છે જે પ્રીતમ તારે કાજ નથી?

આ નૂર વિહોણી દુનિયામાં મેં એક જ નૂર સદા દીઠું,
એક પંખી ટહુકી ઊઠ્યું તો લાગ્યું કે તું નારાજ નથી.

આ આગ કટોરી ફૂલોની પરદા ખોલી પોકાર કરે,
ઓ દેખ નમાઝી, નેન ભરી! જ્યાં લગની છે ત્યાં લાજ નથી.


-મકરંદ દવે (Makarand Dave)


મહેન્દ્ર મેઘાણી સંપાદિત “ અરધી સદીની વાચનયાત્રા” માંથી સાભાર

Sunday, July 10, 2005

આ કવિતા શ્રી પંચમ શુકલાની વેબસાઈટ પરથી મેળવીને સાભાર રજૂ કરેલ છે. પંચમભાઈએ પોતે જ આ કવિતા એમની વ્હાલી બહેનના લગ્નપ્રસંગે રચેલ. પંચમભાઈ સમયાંતરે હુ તમારી રચનાઓ અત્રે રજૂ કરતો રહીશ. તમારી કાવ્યસર્જનની પ્રવૃતિ અટકાવતા નહિ.



ઝળહળ ઝળહળ જ્યોત ઝગે ને
મહાભર્ગ આહૂતિ હો !

ચેતનવંતી ચોખટ ઊપર
પળપળની આપૂર્તિ હો! !

મુગટ અલગ નહીં મોરપિચ્છ થી,
નહીં પ્રાણીથી પ્રાણ,

સઘળુ એકાકાર હવે બસ,
દ્વૈત મિલનની મૂર્તિ હો

-પંચમ શુકલા (Pancham Shukla)

Saturday, July 09, 2005

આંધળી માંનો કાગળ


મિત્રો, લાંબા સમયના વિરામ બાદ એક અતિ સુંદર અને કરૂણરસથી સભર રચના અત્રે રજૂ કરી રહયો છુ. આ રચનાનાં જવાબ રૂપે રચાયેલ કાવ્ય "દેખતા દીકરાનો જવાબ" જો આપ વાંચકોની ઈચ્છા હશે તો જરૂરથી રજૂ કરીશ.



અમ્રુત ભરેલું અંતર જેનું, સાગર, જેવડું સત
પૂનમચંદના પાનિયા આગળ ડોશી લખાવતી ખત,
ગગો એનો મુંબઈ કામે; ગીગુભાઈ ગગજી નામે.


લખ્ય કે, માડી ! પાંચ વરસમાં પહોંચી નથી એક પાઈ,
કાગળની એક ચબરખી પણ, મને મળી નથી, ભાઈ!
સમાચાર સાંભળી તારા; રોવું મારે કેટલા દા'ડા ?


ભાણાનો ભાણિયો લભે છે કે, ગગુ રોજ મને ભેળો થાય,
દન આખો જાય દાડિયું ખેંચવા, રાતે હોટલમાં ખાય,
નિત નવાં લૂગડાં પે'રે, પાણી જેમ પૈસા વેરે.


હોટલનું ઝાઝું ખાઈશ મા, રાખજે ખરચીખૂટનું માપ,
દવાદારૂના દોકડા આપણે કાઢશું કયાંથી, બાપ !
કાયા તારી રાખજે રૂડી; ગરીબની ઈ જ છે મૂડી.


ખોરડું વેચ્યું ને ખેતર વેચ્યું, કૂબામાં કર્યો છે વાસ,
જારનો રોટલો જડે નહિ તે દિ' પીઉં છુ એકલી છાશ,
તારે પકવાનનું ભાણું; મારે નિત જારનું ખાણું.


દેખતી તે દિ' દળણાં-પાણી કરતી ઠામેઠામ,
આંખ વિનાનાં આંધળાંને હવે કોઈ ન આપે કામ,
તારે ગામ વીજળીદીવા, મારે આંહી અંધારા પીવાં.


લિખિતંગ તારી આંધળી માના વાંચજે ઝાઝા જુહાર,
એકે રહ્યું નથી અંગનું ઢાંકણ, ખૂટી છે કોઠીએ જાર,
હવે નથી જીવવા આરો, આવ્યો ભીખ માંગવા વારો.

-ઇંદુલાલ ગાંધી (Indulal Gandhi)
ક્યાંક ઝરણાંની ઉદાસી પથ્થરો વચ્ચે પડી છે,
ક્યાંક તારી યાદની મોસમ રડી છે !

દોસ્ત, મૃગજળની કથા વચ્ચે તમે છો,
આ જુઓ અહીંયા તરસ, ત્યાં વાદળી ઊંચે ચડી છે !

પંખીઓનાં ગીત જેવી એક ઈચ્છા ટળવળે છે,
ઓ હ્રદય ! બોલો કે આ કેવી ઘડી છે !

આવ, મારા રેશમી દિવસોના કારણ,
જિંદગી જેને કહે છે એ અહી ઠેબે ચડી છે !

ઓ નગરજન, હું અજાણ્યા દેશનો થાક્યો પ્રવાસી,
લાગણી નામે હવેલી ક્યાં ખડી છે ?

-શ્યામ સાધુ (Shyam Sadhu)