Tuesday, September 26, 2006

જીંદગાની

આ સુંદર રચના મારા મિત્ર કેયુર ગાંધીએ મોક્લાવી છે તે બદલ તેમનો ઘણો જ આભાર....
આ રચના અતિશય ઝડપથી ગવાય છે અને તેનો અર્થ પણ સરસ છે, આશા રાખુ કે વાંચકમિત્રોને પસંદ પડશે.

સિદ્ધાર્થ


જીંદગાની નાની, એની નાની શી કહાની
મહાજ્ઞાની કહે ફાની તે થવાની
વર્ષ સો ની જીંદગાની, અડધી ઊંઘમાં જવાની
રહી અડધી તેની તો આ કહાની કહેવાની

બાલખ્યાલની નાદાની તોફાની માં ખપવાની
છાની છાની મસ્તાની જુવાની આવવાનીઅરે !
આવીને ના બેસવાની, નાચવાની, કૂદવાની
ફરવાની, મસ્તીમા મોજ મનાવવાંની

જુવાની ઓ જુવાની તુ કોઈનું નહિ માનવાની
જુવાની જવાની, જાતા લાત મારવાની
નેપછી ધીમેથી કહેવાની
હવે હુ પાછી નથી આવવાની

-અજ્ઞાત

Saturday, September 16, 2006

એક છોકરી

એક આમ છોકરી ખાસ થઈ ગઈ

જાણે મોસમનો પહેલો વરસાદ થઈ ગઈ

કોઈના દીલનો ઉજાસ થઈ ગઈ

જાણે શ્યામ કેરી રાધા થઈ ગઈ

કોકનાં વિરહમાં ઉદાસ થઈ ગઈ

ખારા ઉસ સાગરની પ્યાસ થઈ ગઈ

એક આમ છોકરી ખાસ થઈ ગઈ


-સેજલ (Sejal)

Wednesday, September 13, 2006

રસપ્રદ સમાચાર


ચિત્રલેખામાંથી સાભાર

ગીત

ગુજરાતી લીટરલી એકેડેમી ઓફ નોર્થ અમેરિકા દ્ધારા એક મેગેઝીન પ્રસિદ્ધ કરવામાં આવે છે જેની મને હમણા જ ખબર પડી. મારા પપ્પાના ખાસ મિત્ર કે જેઓ ગુજરાતી સાહિત્યમાં રસ ધરાવે છે તેઓએ મને આ મેગેઝીનની કોપી આપી અને આજે તેમાથી એક કવિતા પ્રસિદ્ધ કરી રહ્યો છુ આશા રાખુ છુ કે પસંદ પડશે.

આભનો ભૂરો રંગ ને મારા ફૂલનો લાલમલાલ
રંગની લીલા જોઈને મારાં નેણ તો ન્યાલમન્યાલ.

રાતનું વહેતું શ્યામ સરોવર
એમાં નૌકા શ્વેત,
સમજું નહીં કે ચાંદ ઊગે
કે ઊગતુ કોઈનું હેત.


આજ તો મારી સાવ સુંવાળી : લીલમલીલી કાલ,
આભનો ભૂરો રંગ ને મારા ફૂલનો લાલમલાલ.

પવન પોતે ઝાડ થઈને
ડોલતો રહે હરિયાળુ
મનમાં હવે ક્યાંય નથી કોઈ
કરોળિયાનું જાળું.

ગમતીલા ગુલાલમાં વેરે કોઈ તો વહાલમવહાલ,
આભનો ભૂરો રંગ ને મારા ફૂલનો લાલમલાલ


- પન્ના નાયક (Panna Nayak) (કાવ્યસંગ્રહ 'વિદેશિની'માંથી)

અત્રે 'દેશ વિદેશ' માંથી સાભાર

Saturday, September 09, 2006

કે. કા. શાસ્ત્રીનું અવસાન

સુપ્રસિદ્ધ, વિદ્વાન સંશોધનકાર તેમજ સાહિત્યકાર અને વિશ્વ હિન્દુ પરિષદનાં સ્થાપકોમાનાં એક શ્રી કે.કા. શાસ્ત્રીનું (કેશવરામ કાશીરામ શાસ્ત્રી) આજે (9-9-2006) બપોરે 3.30 વાગે 102 વર્ષની વયે અવસાન થયું છે. તેમણે બૃહદ ગુજરાતીશબ્દકોષનું સર્જન કરેલ. તેઓ ગુજરાતી સાહિત્ય જગતમાં એક અનોખી ભાત પાડતા હતા. તેઓએ 240 કરતા પણ વધારે પુસ્તકોનું સર્જન કરેલ તથા ઘણા બધા વિષયો પર લેખો લખેલ. તેમના અવસાનથી ગુજરાતી સાહિત્ય જગતે સૌથી અનુભવી અને અતિ વિદ્ધાન મહાવ્યક્તિ ગુમાવેલ છે અને આં ખોટ હમેશા સાલ્યા જ કરશે. ગુજરાતી સાહિત્ય જગતને સમૃદ્ધ કરનાર માં સરસ્વતીનાં પનોતા પુત્રને હ્રદયપૂર્વક શ્રંદ્ધાજલિ...

સિદ્ધાર્થ

Monday, September 04, 2006

વિજોગ

(છંદ : સોરઠા)

ઘન આષાઢી ગાજિયો, સળકી સોનલ વીજ,
દૂરે ડુંગરમાળ હોંકારા હોંશે દિયે,

મચવે ધૂન મલ્હાર કંઠ ત્રિભંગે મોરલા,
સળકે અંતરમાંહ્ય સાજણ ! લખલખ સોણલાં.


ખીલી ફૂલ બિછાત, હરિયાળી હેલે ચડી,
વાદળની વણજાર પલ પલ પલટે છાંયડી.

ઘમકે ઘૂધરમાળ સમદરની રણઝણ થતી,
એમાં તારી યાદ અંતર ભરી ભરી ગાજતી.

નહિ જોવાં દિનરાત : નહિ આઘું ઓરુ કશું;
શું ભીતર કે બહરા, સાજણ ! તું હિ તું હિ એક તું.


નેણ રડે ચોધાર તોય વિજોગે કેમ રે ?
આ જો હોય વિજોગ, જોગ વળી કેવા હશે ?

-મનસુખલાલ ઝવેરી (Mansukhalal Zhaveri)

Friday, September 01, 2006

મધુસંચય તરફથી અગત્યનાં સમાચાર

સ્વ. બકુલભાઈ ત્રિપાઠી ની અંતિમ ક્રિયા આવતી કાલે તા. 1 લી સપ્ટેમ્બર શનિવારના રોજ અમદાવાદ ખાતે કરવામાં આવશે. તે પૂર્વે સ્વર્ગસ્થના પાર્થિવ દેહને દર્શનાર્થે શનિવારે સવારે 9 થી 10 દરમ્યાન ગુજરાતી સાહિત્ય પરિષદના કાર્યાલય પર ગુજરાતી સાહિત્ય પરિષદ ભવન, જૂના ટાઈમ્સ ઓફ ઈંડિયા બિલ્ડિંગ પાછળ, આશ્રમ રોડ ખાતે લાવવામાં આવશે. સાહિત્યપ્રેમીઓ તે સમયે દિવંગત સાક્ષરને શ્રદ્ધાસુમન અર્પણ કરી શકશે.

શ્રધ્ધાંજલિ

આજકાલ ગુજરાતી સાહિત્ય જગતને વારંવાર આચકા આવે તેવા જ સમાચાર મળતા રહે છે. એક પછી એક ધુરંધરો આ ફાની દુનિયાને અલવિદા કહી રહ્યા છે.

હજી તો સર્વ શ્રી ચંદ્રકાંત બક્ષી, રમેશ પારેખ અને ગુલાબદાસ બ્રોકરનાં વિદાયની કળ વળે તે પહેલા શ્રી બકુલ ત્રિપાઠીનાં અવસાનનાં આઘાત જનક સમાચાર મળ્યા છે. આ બ્લોગનાં કર્તા અને વાંચકો તરફથી તેમને શ્રધ્ધાંજલિ અર્પણ.


(અકિલામાંથી સાભાર)