Thursday, July 20, 2006

ધીંગાણુ

બાપુનાં ગઢમાં બધી જણસ છે, બે વાતની ખોટ છેં
પહેલું તો કે' યુદ્ધ થાય નહીં, બીજું ફાટલો કોટ છે.
શિરોહી તલવારનું લટકવું વર્ષોજૂનું ખીંટીએ
ને ફાટ્યો છે કોટ કાળબળથી આડીઊભી લીંટીએ

બાપુ કહેતા : 'નોતરાં દઈ દઉં દેમાર બારોટને
શત્રુ મારું - એમ આજ બખિયા મારી દઉં કોટને'
દોરાસોતી સોયથી પલકમાં દારુણ હલ્લો કર્યોને
બાપુએ કોટને કસબથી કાતિલ ટેભો ભર્યો

ત્યાં તો 'લોહી' એમ ચીસ સહસા પાડી ઊઠી આંગળી
ને બાપુના ટેરવે રગતની શેડ્યું ફૂટી નીકળી
'ખમ્મા, ખમ્મા બાપ...' એમ કહીને બાપુ કરે હાકલા
ખીંટીથી તલવારને લઈ કરે લોહી વડે ચાંદલા

થાતું બાપુને : બહુ શુકનવંતો આપણો કોટ છે
કિંતુ એક જ ખોટ, આજ અહીં ના એક્કેય બારોટ છે.

-રમેશ પારેખ (Ramesh Parekh)

5 comments:

વિવેક said...

પ્રિય સિદ્ધાર્થભાઈ,

આપની વેબસાઈટ પર મારા સરનામાની લિન્ક આ પ્રમાણે બદલવા વિનંતી છે:


www.vmtailor.com

આભાર...


વિવેક

Anonymous said...

બહુ મઝાનું ગીત છે, સિદ્ધાર્થ !

Anonymous said...

રમેશ પારેખ ની સુંદર કૃતિ , કાઠ્યાવાડી શબ્દો માં..

સિદ્ધાર્થભાઇ મે એક બ્લોગ ની શરૂઆત કરેલી છે.
સલાહસુચન આપશોજી
http://amitpisavadiya.wordpress.com

Anonymous said...

પ્રિય સિદ્ધાર્થભાઈ,

આ કવિતા ઘણીવાર વાંચી જોઇ...
પણ મને બહુ સમજ ન પડી...
જરા સમજાવશો??

આપનો ઘણો આભાર!!

"ઊર્મિસાગર"

સિદ્ધાર્થ શાહ (Siddharth Shah) said...

ઊર્મિસાગર,

મારી સમજણ મુજબ આ કવિતામાં એ દર્શાવવામાં આવ્યુ છે કે રજવાડા જવા છતા પણ બાપુનો રજવાડી મિજાજ ગયો નથી. રમૂજ સાથે કરૂણ રસનો સરસ સંગમ છે. તલવાર, કોટ, બારોટ વગેરે રાજાશાહીના પ્રતિકો સાથે રજવાડી મિજાજનું સુંદર નિરૂપણ કર્યુ છે.