Saturday, July 08, 2006

મધ્યાહન

આ સોનેટૅમાં કવિએ મધ્યાહનની સ્તબ્ધતા અને મૂર્છામુક્તિ બન્નેને વર્ણવી છે. પ્રથમ આઠ પંક્તિઓમાં કવિએ મધ્યાહનનો નિરગ્નિ દવ સુપેરે દર્શાવ્યો છે. ક્ષિતિજ એમને હાંફતી લાગે છે. મધ્યાહનની છટા એમને ઘોર અવધૂતની છટા જેવી લાગે છે. વૃક્ષની છાયા સૂરજ માથે આવ્યો હોવાને કારણે વિલાઈ ગઈ છે. પણ એવુ સાચકલુ કારણ આપે તો કવિ શેના ? તેઓ તો કહે છે કે ભયને કારણે છાયા દૂબળી થઈ ગઈ છે. પવન તેમેને ભભૂકતા ભડકા જેવો લાગ્યો છે. તેમાં સમસ્ત લીલોતરી બળી ગઈ છે. ઝરણનાં મૂંગાં ઝાંઝરાંને છણછણી ઊઠતાં સાંભળતા કવિનાં કાન કેવા સરવા હશે ! અંતિમ છ પંક્તિઓમાં કવિએ સહસા ઊઠેલો વંટોળિયો અને તેની પાછળ દોડતો ભોળિયો ખર બન્નેની ગતિ દર્શાવી છે. અને સાથેસાથે હોંચીહોંચીનો શ્રવણ-લાભ પણ અપાવ્યો છે. મૂર્છિત અવનીને સજીવન કરનાર ગર્દભનો જાણે કવિએ 'હાશ!'ઉદગાર દ્વારા આભાર માન્યો છે.

હતી ક્ષિતિજ હાંફતી, પ્રખર ધોમ ધખતો હતો.
અઘોર અવધૂત શી હતી છટા જ મધ્યાહનની.
વિલાઈ ભય દૂબળી નહિશી છાંયડે સૌ બની.
અને અખિલ રોમરોમ અવકાશ બળતો હતો.
હતો પવન એહ ? કે ભભૂકતો શું ભડકો હતો ?
ઝળેળી ઊઠતાં અરણ્ય તરુઝુંડ ને ઝાંખરાં,
જરી છણછણી ઊઠ્યાં ઝરણનાં મૂંગાં ઝાંઝરાં,
નિરગ્નિ દવ સૃષ્ટિને પટ અફાટ ભમતો હતો.
હતું સકલ શાન્ત, છાતી મહીં મેંય નિ:શ્વાસ તો
હતો દીધ દબાવી, ત્યાં લઘુક એક વંટોળિયો
ઊઠ્યો કહીંથી ને પૂંઠે પકડવા જ જાણે જતો
ન હોય ત્યમ, વાડ પાછળથી કોઈ ખર ભોળિયો
પડ્યો સૂકલ ખેતરે ગજબ હોંચીહોંચી કરી.
સજીવ થઈ સૃષ્ટિ હાશ ! અવનીની મૂર્છા સરી.

-ઉમાશંકર જોશી ("આતિથ્ય"માંથી) (Umashankar Joshi)

No comments: