Saturday, April 28, 2007

તું છે મારી અંદર તેથી -

તું છે મારી અંદર તેથી ભર્યો-ભર્યો હું લાગું !
તું લીલોછમ અંદર તેથી હર્યોભર્યો હું લાગું !

તારું છે પાતાળ, એથી તો ખરા ઉનાળે પાણી;
તારી એવી ફૂંક - વાંસમાં ફૂંટે મીઠી વાણી;
તારો છાંયો મળ્યો એટલે ઠર્યોઠર્યો હું લાગું !

તારી આંખે સૂર્ય એથી તો દિવસ થઈ સૌ દેખું;
રાતે તારે દેવે મારું પગલું પડતું પેખું;
તારી છોળે છોળે તટ પર તર્યોતર્યો હું લાગું !

તું છે મારા પર્ણે પર્ણે, તું છે મારા મૂળમાં;
તારો અઢળક રંગ ઊઘડે અહી આ દરેક ફૂલમાં;
તારી મઘમઘ લ્હેરે બધે જ ફર્યોફર્યો હું લાગું !

-ચંદ્રકાંત શેઠ (Chandrakant Sheth)

Sunday, April 08, 2007

વિપર્યય

પિતા જ્યારે હોતા નથી
અને મા વધારે વૃદ્ધ થતી જાય છે
ત્યારે એની આંખમાંથી પ્રશ્ન ડોકાયા કરી છે :
'આ પુત્ર મને સાચવશે ખરો ?'
પણ એ પ્રશ્ન શબ્દ બનીને હોઠ ઉપર નથી આવતો.


આ એ જ મા
જેણે મને ફૂલની જેમ સાચવ્યો,
જે મારાં પગલાં પાછળ પાછળ અધ્ધર ટીંગાઈ રહેતી -
હું મોટો થઈને ટટ્ટાર ઊભો રહ્યો ત્યાં સુધી,


આ એ જ મા
જે મીઠાં હાલરડાંના ઘેનમાં મને ડુબાવી પછી જ સૂતી,
આજે એ ઊંઘમાંથી ઝબકી ઝબકીને જગી ઊઠે છે -
પણ બોલતી નથી.
એના ધ્રૂજતા હાથમાંથી વારેવારે એક શંકા છટકી જાય છે
કે દીકરાનો હાથ એને દગો દેશે તો ?

હું એને ટેકો આપી શકે એવું ક્શું જ કહી નથી શકતો.
ફક્ત
મને મારા હાથ
કાપી નાખવાનું મન થાય છે.

-વિપિન પરીખ (Vipin Parikh)

Saturday, April 07, 2007

એક સવારે


એક સવારે આવી,
મુજને કોણ ગયું ઝબકાવી ?

વસંતની ફૂલમાળા પહેરી,
કોકિલની લઈ બંસી,

પરાગની પાવડીએ આવી,
કોણ ગયું ઉર પેસી ?

કિરણ તણી કોમળ અંગુલિએ
રમ્ય રચી રંગોળી,

સોનલ એના સ્નેહસુહાગે
કોણ રહ્યું ઝબકોળી ?

-સુન્દરમ્ (Sundaram)

Monday, April 02, 2007

વતન

દૂર દેશ વસ્યું ધબકતું એક ગામ યાદ આવે છે
વાળુ ટાણે જાણે માનો મીઠો સાદ આવે છે

'ચોરતા હતા બચપણમાં કાચી કેરીઓ હવે ક્યાં ખોવાયા છો?'
ક્યારેક સ્વપનમાં ખેતર લઈને આ ફરિયાદ આવે છે.

પરદેશમાં મળે તો છે ભોજન ભાતભાતનાં ન ખૂંટે એવાં
આંબા તળે માણેલા ક્યાં મરચું રોટલાનાં સ્વાદ આવે છે ?

શીખ્યા અમે ભાષા પરદેશી, ને ભાષાઓ અનેક યંત્રોની પણ
ક્યાં બસંતીની બકબક, કે એમાં ગબ્બર-ઠાકુરના સંવાદ આવે છે ?

અલ્લાહનો પૈગામ આપતી, નથી વિસરાતી એ મીઠી અઝાન
ઢંઢોળતો જે મહાદેવનું ધ્યાન, યાદ હજુ એ શંખનાદ આવે છે.

કોરો વરસાદ, કોરી હવા, ને કોરા સમયનો છે સાથ અહીં
બે ટીપાં ભીંજાઈ લઈએ, જો વતન વાવડનાં વરસાદ આવે છે.

તારે ત્યાં બધું સમું સુતરું નથી, કોરી ખાય છે એક વાત વતન
નજર સમક્ષ બુદ્ધિભ્રષ્ટોનો હજુ પણ જ્યારે કોમવાદ આવે છે.

-સંજય મેકવાન (Sanjay Macwan)

Sunday, April 01, 2007

ખીલે છે ગુલાબ !






કોણ મોહતાજી વસંતોની કરે
તમને સંભારુંને ખીલે છે ગુલાબ !

-દીપક બારડોલીકર (Deepak Bardolikar)