Wednesday, March 22, 2006

આરસના મોર

મુક્ત પ્રકૃતિની રમ્ય અને રોમાંચક લીલાને બંધ ઓરડામાં ઈન્દ્ધ્રિયજડ બનીને ન માણી શકાય. ઘનઘોર મેઘને ગોરંભાયેલો જોઈને વનના મોર ડોકના ત્રિભંગ કરીને ટહુકી ઊઠે, પરંતુ ઓરડાને ટોડલે કંડારેલા આરસના મોર ચૂપ બેઠા છે ! એમને સૂસવતો પવન કે લીલીછમ ભીનાશ સ્પર્શી શકતા નથી ! નજર સામે જ ઝરણામાં ઓગળી જતા પહાડ દેખાય, પણ આરસના મોર તો ઓરડારૂપી ડાળ ઉપર મૂંગામંતર થઈને બેઠા છે ! ટોડલા કે નેવાં પણ વર્ષાની ઝડીને માણી શકતા નથી. આધુનિક નગરસભ્યતા વચ્ચે કહેવાતું સુઘડ જીવન જીવતા સાંપ્રત સંવેદનશૂન્ય મનુષ્ય પરનાં મર્માળા કટાક્ષનો ધ્વનિ આ ગીતમાં સ્ફુરતો જણાશે.



ચોમાસું ચીતરે માળો ઘનઘોર
વન હઈએ તો એવું કલ્લોલીએ...
અમે આરસના મોર કેમ બોલીએ ?

પાંદડામાં સૂસવતો લીલોછમ થડકારો
ખખડાવે ભીડ્યાં કમાડને
જાળીએ બેસીને અમે ઓગળતો ભાળીએ,
મીણ જેમ આઘેરા પહાડને;
વલવલતા ખોરડાની ડાળ ઓરડો પાળ્યો :
કમાડ કેમ ખોલીએ ?

ઢોળ્યા ઢોળાય નહિ ટોડલા
ને ઘૂઘવતું ખોબે બંધાઈ રહે પાણી,
નભમાંથી ધોધમાર વરસે
ને વાત રહે નેવાંથી કેટલી અજાણી ?
તરણાની જેમ અમે હળવાંફૂલ હઈએ તો -
ગાંડાતૂર વાયરામાં ડોલીએ.

-રમેશ પારેખ ('છ અક્ષરનું નામ') (Ramesh Parekha)

No comments: