Sunday, January 15, 2006

ખેડૂતની સેવા


આ સુંદર કાવ્ય શ્રી યોગેશ્વરજીના કાવ્યસંગ્રહ 'દ્યુતિ' માંથી લેવામાં આવ્યુ છે. તેમના સત્સંગીઓએ બનાવેલી અતિસુંદર વેબસાઈટ ગુજરાતી વેબજગતમાં અનેરી ભાત પાડે છે. આ વેબસાઈટની મુલાકાત ખરેખર લેવા જેવી છે. આ વેબસાઈટ પર તમને મહાભારત, રામાયણ, ગીતાસાર ગુજરાતીમાં વાંચવા મળશે.

વેબએડ્રેસ http://www.swargarohan.org

ખેડૂતની સેવા

એક તાત છે દુનિયા કેરો, બીજો તાત મનુષ્ય કહ્યો;
તે મનુષ્ય ખેડૂત ગણાયે, જેણે તડકો ખૂબ સહ્યો.

ટાઢતાપ વેઠીને જેણે પરિશ્રમ સદા ઘોર કર્યો;
પાક એહનો આખા જગને, એણે હસતાં સર્વ ધર્યો.

રાતદિવસ ના જોયાં એણે, જોયાં સુખ કે દુઃખ નહીં;
જીવન આખું સેવા કરતાં, ધરતી કેરું ગયું વહી.

વરસાદ ભલે વરસે તો પણ, હિંમત ના હારે કો'દિ;
પવનતણા સુસવાટા માંયે, જાય ખેતરોમાં દોડી.

બળદ એહના સાથી સાચા, એ એની જીવાદોરી;
અનાજ પકવે એની મદદે, આળસની કરતાં હોળી.

સેવા લે સઘળાયે એની, જીવન એ સૌને આપે;
કેમ ગમે આપણને, જો એ દુઃખમહીં દિવસો કાપે?

કંગાળ જ જો હોય એ, વળી અક્ષરજ્ઞાન રહિત હોયે;
શરમ ગણાયે દેશતણી તો, દેવાદાર બને તોયે.

માટે એની સેવા માટે, તૈયારી સઘળીય કરો;
એની સેવા લઈ એહને, જીવનની રસલ્હાણ ધરો.

-શ્રી યોગેશ્વરજીના કાવ્યસંગ્રહ 'દ્યુતિ' માંથી

No comments: