Tuesday, January 03, 2006

ભોમિયા વિના

વાંચકમિત્રો,

સૌ પ્રથમ તો નૂતન વર્ષાભિનંદન 2006 માટે,

ઘણા લાંબા સમયના વિરામ બાદ આજે નવા વર્ષનો પ્રારંભ શ્રી ઉમાશંકર જોષીની આ સુંદર કવિતાથી કરૂ છું, આશા રાખુ કે બધાને જરૂરથી પસંદ પડશે. આ લાંબો વિરામ વ્યવસાયિક અને શૈક્ષણિક વ્યસ્તતાનાં લીધે હતો, આ સમય દરમ્યાન પણ તમારી સુંદર ઈ-મેઈલ્સ મળતી રહેતી હતી જે ખૂબ જ આનંદની વાત છે.


ભોમિયા વિના

ભોમિયા વિના મારે ભમવા'તા ડુંગરા,
જંગલની કુંજકુંજ જોવી હતી;
જોવાં'તાં કોતરો ને જોવી'તી કંદરા,
રોતાં ઝરણાંની આંખ લ્હોવી હતી.

સૂના સરવરિયાની સોનેરી પાળે,
હંસોની હાર મારે ગણવી હતી;
ડાળે ઝૂલંત કોક કોકિલાને માળે,
અંતરની વેદના વણવી હતી.

એકલા આકાશ તળે ઊભીને એકલો,
પડઘા ઉરબોલના ઝીલવા ગયો;
વેરાયા બોલ મારા, ફેલાયા આભમાં,
એકલો, અટૂલો ઝાંખો પડ્યો.

આખો અવતાર મારે ભમવા ડુંગરિયા,
જંગલની કુંજકુંજ જોવી ફરી;
ભોમિયા ભૂલે એવી ભમવી રે કંદરા,
અંતરની આંખડી લ્હોવી જરી.

- ઉમાશંકર જોષી (Umashankar Joshi)

No comments: