Tuesday, October 11, 2005

મનને સમજાવો નહિ

નીચેની પંક્તિઓ મોકલવા બદલ નેહલભાઈનો ઘણૉ જ આભાર...નેહલભાઈ પોતે ગુજરાતી સાહિત્યમાં ઘણૉ જ રસ ધરાવે છે. નેહલભાઈ તમે મોકલાવેલ બીજી રચનાઓ પણ સમયાંતરે રજૂ કરતો રહીશ.


મનને સમજાવો નહિ કે મન સમજતુ હોય છે,
આ સમજ, આ અણસમજ એ ખુદ સરજતુ હોય છે.

-રાજેન્દ્ર શુક્લ

Friday, October 07, 2005

એક ઘા

તે પંખીની ઉપર પથરો ફેકતાં ફેકી દીધો,
છૂટયો તે ને અરરર! પડી ફાળ હૈયા મહીં તો!
રે રે! લાગ્યો દિલ પર અને શ્વાસ રૂંધાઇ જાતાં
નીચે આવ્યું તરુ ઉપરથી પાંખ ઢીલી થતાંમાં.

મેં પાળ્યું તે તરફડી મરે હસ્ત મ્હારા જ-થી આ,
પાણી છાંટયું દિલ ધડકતે ત્હોય ઊઠી શક્યું ના;
ક્યાંથી ઊઠે? જ્ખમ દિલનો ક્રૂર હસ્તે કરેલો!
ક્યાંથી ઊઠે! હ્રદય કુમળું છેક તેનું અહોહો!

આહા! કિન્તુ કળ ઊતરી ને આંખ તો ઊધડી એ,
મ્રૂત્યુ થાશે? જીવ ઊગરશે? કોણ જાણી શકે એ?
જીવ્યું, આહા! મધુર ગમતાં ગીત ગાવા ફરીને,
આ વાડીનાં મધુર ફલને ચાખવાને ફરીને.

રે રે! કિન્તુ ફરી કદી હવે પાસ મ્હારી ન આવે,
આવે ત્હોયે ડરી ડરી અને ઇચ્છતું ઊડવાને;
રે રે! શ્રદ્ધા ગત થઇ પછી કોઇ કાળે ન આવે,
લાગ્યા ઘાને વીસરી શકવા કાંઇ સામથ્યૅ ના છે.

-સુરસિંહજી તખ્તસિંહજી ગોહીલ (કલાપી) (Kalapi)

Wednesday, October 05, 2005

ફરવા આવ્યો છું

વાંચકમિત્રો, આ પહેલા આ જ બ્લોગ પર નિરંજન ભગતની 'ચાલ ફરીએ' કવિતા રજૂ કરેલ, આજે તેમની બીજી એક કવિતા પ્રસ્તૂત છે.

હું તો બસ ફરવા આવ્યો છું.
હું ક્યાં એકે કામે તમારું કે મારું કરવા આવ્યો છું?

અહીં પથ પર શી મધુર હવા
ને ચહેરા ચમકે નવા નવા!
-- રે ચાહું ન પાછો ઘેર જવા!
હું ડગ સાત સુખે ભરવા અહીં સ્વપ્રમહીં સરવા આવ્યો છું!

જાદુ એવો જાય જડી
કે ચાહી શકું ચાર ઘડી
ને ગાઇ શકું બે ચાર ઘડી
તો ગીત પ્રેમનું આ પ્રુથ્વીના કર્ણપટે ધરવા આવ્યો છું.
હું તો બસ ફરવા આવ્યો છું.

- નિરંજન ભગત (Niranjan Bhagat)

Monday, October 03, 2005

વાતોની કુંજગલી

વાતે વાતે તને વાંકું પડયું :
ને મેં વાતોની કુંજગલી છોડી દીધી.
શબ્દોને પંથ કોણ કોને નડયું ?
મેં તો વાતોની કુંજગલી છોડી દીધી.

આંખોમાં વાદળાં ને શ્વાસોમાં વાયરા :
પણ અડકો તો ભોમ સાવ કોરી :
તારા તે કાન લગી આવી ઢોળાઇ ગઇ
હોઠ સમી અમરત કટોરી.
પંખીની પાંખમહીં પીંછુ રડયું :
મેં તો વાતોની કુંજગલી છોડી દીધી.

હવે ખળખળતાં ટળટળતાં અંધાર્યા જળ
કે અણધાર્યો તૂટી પડયો સેતુ :
પાસે રહીને મને લાગે છે કેમ હવે
કેટલાય જનમોનું છેટું !
મારાં સપનાંને વેદનાનું વૈકુંઠ જડયું :
ને મેં તો વાતોની કુંજગલી છોડી દીધી.


- જગદીશ જોષી (Jagdish Joshi)

Sunday, October 02, 2005

નાગર નંદજીના લાલ

નાગર નંદજીના લાલ !
રાસ રમંતાં મારી નથડી ખોવાણી.
કાના ! જડી હોય તો આલ્ય, કાના ! જડી હોય તો આલ,
રાસ રમંતાં મારી નથડી ખોવાણી.


પીળી પીળી નથડી ને ધોળાં ધોળાં મોતી,
તે નથડીને કારણ હું તો હીંડું ગોકુળ જોતી
જોતી ... જોતી ... નાગર


એક એક મોતી માંહી સોના કેરો તાર,
સોળસેં ગોપીમાં પ્રભુ ! રાખો મારો ભાર
ભાર... ભાર ... નાગર


નાનેરી પહેરું તો મારે નાકે નવ સોહાય,
મોટેરી પહેરું તો મારા મુખપર ઝોલાં ખાય
ખાય... ખાય... નાગર


આંબા પર કોયલડી બોલે વનમાં બોલે મોર,
રાધાજીની નથડીનો શામળિયો છે ચોર
ચોર... ચોર... નાગર

તું છે બેટી ભ્રખુભાણની ગોકુળ ગામમાં રે'તી,
ત્રણ ટકાની નથડી માટે મુજને ચોર કહેતી
કહેતી ... કહેતી ... નાગર


તું છે લાલો નંદરાયનો હું આહીરની છોડી
બાઇ મીરાં કે' ગિરધર નાગર મારી મતિ છે થોડી
થોડી ... થોડી ... નાગર

- મીરાં બાઇ (Meera Bai)

Saturday, October 01, 2005

યાદી ભરી ત્યાં આપની

વાંચકમિત્રો,
ખૂબ જ વ્યસ્તતાને લીધે હમણાથી નિયમિત રીતે બ્લોગ અપડેટ થઈ શકતો નથી, તેનો ખેદ છે. આજે રાજવી કવિ કલાપીની સુંદર રચના રજૂ કરી રહેલ છું આશા રાખુ કે તમને ગમશે.


જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની;
આંસુ મહીં એ આંખથી યાદી ઝરે છે આપની!

માશૂકોના ગાલની લાલી મહીં લાલી,
અનેજ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની!

જોઉં અહીં ત્યાં આવતી દરિયાવની મીઠી લહર,
તેની ઉપર ચાલી રહી નાજુક સવારી આપની!

તારા ઉપર તારા તણાં ઝૂમી રહ્યાં જે ઝૂમખાં,
તે યાદ આપે આંખને ગેબી કચેરી આપની!

આ ખૂનને ચરખે અને રાતે હમારી ગોદમાં,
આ દમબદમ બોલી રહી ઝીણી સિતારી આપની!

આકાશથી વર્ષાવતા છો ખંજરો દુશ્મન બધા;
યાદી બનીને ઢાલ ખેંચાઇ રહી છે આપની!

દેખી બૂરાઇ ના ડરું હું, શી ફિકર છે પાપની?
ધોવા બૂરાઇને બધે ગંગા વહે છે આપની!

થાકું સિતમથી હોય જ્યાં ના કોઇ ક્યાં એ આશના;
તાજી બની ત્યાં ત્યાં ચડે પેલી શરાબી આપની!

જ્યાં જ્યાં મિલાવે હાથ યારો ત્યાં મિલાવી હાથને,
અહેસાનમાં દિલ ઝૂકતું, રહેમત ખડી ત્યાં આપની!

પ્યારું તજીને પ્યાર કોઇ આદરે છેલ્લી સફર;
ધોવાઇ યાદી ત્યાં રડાવે છે જુદાઇ આપની!

રોઉં ન કાં એ રાહમાં બાકી રહીને એકલો?
આશકોના રાહની જે રાહદારી આપની!

જૂનું નવું જાણું અને રોઉં હસું તે તે બધું;
જૂની નવી ના કાંઇ તાજી એક યાદી આપની!

ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી;
જોયું ન જોયું છો બને જો એક યાદી આપની!

કિસ્મત કરાવે ભૂલ તે ભૂલો કરી નાખું બધી;
છે આખરે તો એકલી ને એ જ યાદી આપની!

-સુરસિંહજી તખ્તસિંહજી ગોહીલ (કલાપી) (Kalapi)