Friday, March 30, 2007

હું ક્યા છું ?

ઘણા જ લાંબા સમયનાં વિરામ બાદ પાછો બ્લોગજગતમાં પ્રવેશ કરી રહ્યો છું. જ્યારે પ્રથમ વખત નેટ પર ગુજરાતીમાં લખવાનું ચાલુ કર્યુ,ત્યારે ગણી ગાઠી વેબસાઈટ્સ ગુજરાતીમાં હતી, અને બ્લોગમાં તો ફક્ત બીજો જ ગુજરાતી બ્લોગ હતો. આજે કદાચ ગુજરાતી બ્લોગની સંખ્યા 100 કરતા વધારે હશે અને લગભગ દરેક વિષય પર ગુજરાતી સાહિત્ય નેટ પર ઉપલબ્ધ છે, જે આનંદની વાત છે.

આશા રાખીએ કે સરસ મજાનું સંસ્કાર અને સંસ્કૃતિનું જતન કરતુ વાંચન નેટ પર દિન-પ્રતિદિન વધારે ને વધારે મળતુ રહે.

આ સાથે એક સુંદર શૈસવની સ્મૃતિને તાજી કરતી એક કવિતા રજૂ કરૂ છું.

સિદ્ધાર્થ


હું ક્યા છું ?

ગામની પાસેના વગડામાં
સીતાફળીની ડાળીડાળીએ
આંખ ઉઘાડી ઝૂલે સીતાફળ હજીય -
પણ તે અમને
બાળટોળીને સાથે લઈને
ઝાકળભીના સવારના તડકામાં થઈને
વનની વાટે વળનારા એ દાદા કયાં છે ?

રિસાઈને ઘરમાંથી ભાગી
જઈ જહીં સંતાતા તે સૌ
ટેકરીઓ તો ગામ પાદરે હજી આ બેઠી -
પણ ચિંતાથી અરધી અરધી
હાંફતી હાંફતી ટેકરીઓને માથે ચઢતી
પડતી ને આખડતી
મમતાની મૂરતી બા ક્યાં છે ?

પૂરમાં ઘેલી થઈ વ્હેતી ને
ધોળી ફૂલ એવી રેતીને રમાડતી તે
નદી
હજી ગામને ઘસાઈ વ્હે છે -
પણ રમનારા ડૂબકીદાવો
રેતીમાં ઘર ચણનારાઓ
કલકલ કરતા છોકરડાઓ -
બાલગોઠિયા મારા ક્યાં છે ?

હજીય
પાપા પગલી કરતું
ભમરડે શેરીમાં રમતું, લખોટા જેવું દડતું
ટહુકા તરુડાળોમાં કરતું, જલમાં તરતુ,
સીમશેઢામાં હરતું ફરતું,
ટેકરીઓને માથે ચઢતું
કોક પ્હણે દેખાય -

અરે, પણ તે હું ક્યાં છું ?

-જયંત પાઠક (Jayant Pathak)

5 comments:

Anonymous said...

Wah..
Really nice one..
Your selection is always amazing.. Even if you update the blog once in a while, whatever you put here is just too good.

Anonymous said...

બહુ જ સરસ કવિતા ...

Anonymous said...

જયશ્રીબેન અને સુરેશભાઈ,

પ્રશસ્તિ માટે ઘણો જ આભાર...
તમારા જેવા વાંચકો થકી જ આ બ્લોગ આગળ વધી રહ્યો છે. આ પ્રવૃતિ મે મારા નિજાનંદ માટે શરૂ કરેલ જે આજે નેટ પર વટવૃક્ષ તરીકે પાંગરેલ છે, જે જોઈને ઘણૉ જ આનંદ થાય છે.

સિદ્ધાર્થ

Anonymous said...

સિદ્ધાર્થભાઈ,


ગુજરાતી શબ્દજગતમાં પુનઃપ્રવેશ પર ખૂબ ખૂબ અભિનંદન અને ખાસ તો આભાર... પણ હવે લાં...બો વિરામ લઈશો તો તમારી ખબર લઈ લઈશું, હં કે !

Anonymous said...

વિવેક,


તમારો સંદેશ મળ્યો. હવે જરૂરથી નેટજગતમાં વ્યસ્ત રહેવાની ઈચ્છા છે, હમણા જ હું ભારત આવીને ગયો, અહીથી પ્રયાણ કરતી વખતે તમને અને મૃગેશભાઈને મળવાની ઈચ્છા હતી, પરંતુ ટૂંકા સમયનાં રોકાણમાં એ શક્ય બની ન શક્યું, પરંતુ નેટ માધ્યમ દ્ધારા મળવાનું ચાલુ જ રાખીશું.


સિદ્ધાર્થ