Sunday, October 22, 2006

શુભ દિપાવલી અને નૂતન વર્ષાભિનંદન

વ્હાલા વાંચકમિત્રો,

દિવાળી પર્વનાં સુંદર દિવસો ચાલી રહ્યા છે. તહેવારોની આ મોસમમાં અચૂક રીતે વતનની યાદ આવી જાય છે. વતનથી જોજનો દૂર વતનની યાદો આંખોની સામે અચાનક જીવંત થઈ જાય છે.

મારી બાળપણની દિવાળી મહદ અંશે ક્યા તો વડોદરામાં અથવા તો અમારા દાદાનાં ગામમાં ઉજવાતી.
દિવાળીના દિવસો નજીક આવતા જ વાતાવરણ જીવંત બની જતુ. મમ્મી સાથે ઘર અને માળીયુ સાફ કરવાની, દિવાળીનો નાસ્તો (મઠીયા, ઘૂઘરા, ફાફડા) બનતા જોવાની અને ખાવાની મજા, રંગોળીની ઓટલી બનાવવાની અને એને લીપ્યા બાદ સુંદર રંગોળી પૂરવાની, રાત્રે ઓટલા પર કોડીયાનાં દિવા કરવાની, ફટાકડા ફોડવાની મજા જ કઈક ઓર હતી. વળી ગામડે ગયા હોય તો દાદા સાથે ચોપડા પૂજન કરવાની અને ત્યારબાદ ઘરે સાલમુબારક કરવા આવતા લોકોને મળવાની એક અલગ મજા હતી.


દિવાળીના દિવસોમાં લોકો હિલ સ્ટેશન પર જવાને બદલે ઘરે જ રહેતા અને ઉમળકાથી મહેમાનોનું સ્વાગત કરતા. આજે પરિસ્થિતિ ઘણી જ બદલાઈ ગઈ છે. તૈયાર નાસ્તાઓની મોસમ આવી ગઈ છે, સ્વતંત્ર ઘરોના બદલે ફ્લેટ્સની સંખ્યા વધતા રંગોળીનાં બદ્લે સ્ટીકર લાગે છે, દિવાની જગ્યાએ ઈલેક્ટ્રીક રોશની થાય છે અને લોકો દિવાળીની રજામાં ફરવા જાય છે.

આમ છતા હું એવુ માનુ છુ કે તહેવારો ઉજવવાની મજા તો વતનમાં જ આવે....

આવા સુંદર દિવાળીના પર્વે આ બ્લોગના વતનમાં રહેતા અને વતનથી દૂર રહેતા સમગ્ર વાંચકોને મારી શુભેચ્છાઓ અને આવનારૂ નવુ વર્ષ તમારી દરેક સારી મનોકામના પૂર્ણ કરે એ જ અભ્યર્થના...

સિદ્ધાર્થ

2 comments:

વિવેક said...

દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ...

Anonymous said...

કોડિયાના દીવા ની તોલે કોઇ ઝાકઝમાળ ન આવી શકે.
એમાં રોશની ની સાથે મધુરતા,પરમ નો એહસાસ,અને પવિત્રતા અનુભવી શકાય છે.

નવા વરસની શુભ કામનાઓ સાથે
nilam doshi
http://paramujas.wordpress.com