Wednesday, April 19, 2006

કબીરવડ

આ સુંદર કવિતા મોકલવા બદલ ડો. વિવેકનો ઘણૉ જ આભાર...
આ કવિતા ટાઈપ કરતી વખતે જ મને ગુજરાતીમાં OCR પ્રકારનું સોફ્ટવેર તૈયાર કરવામાં આવે તો ઘણો જ ફાયદો થાય અને ઘણુ જ અમૂલ્ય સાહિત્ય ડીજીટાલાઈઝ થઈ શકે એવો વિચાર આવેલ. વિશાલ તમને સમય મળે તો જરૂરથી Projectનો શુભ આરંભ કરશો.

આ કવિતા વાંચતી વખતે મને તો ફક્ત કબીરવડ જ નહિ પરંતુ મારા શહેર વડોદરાનાં ઘણા બધા વડ યાદ આવી જાય છે જેની સંખ્યા દિન-પ્રતિદિન ઘટતી જાય છે.

સિદ્ધાર્થ
------------------------------

કબીરવડ

(શિખરિણી)

ભૂરો ભાસ્યો ઝાંખો, દૂરથી ધૂમસે પહાડ સરખો,
નદી વચ્ચે ઊભો, નિરભયપણે એકસરખો;
દીસ્યો હાર્યો જોદ્ધો, હરિ તણું હ્રદે ધ્યાન ધરતો,
સવારે એકાંતે, કબીરવડ એ શોક હરતો.
કદે દેખાવે એ, અચરતી જણાયે જગતમાં,
ખરી મ્હોરાંનો, મગરૂબ રહે દેશ નવ કાં?
મનાયે સત્સંગે પવિતર કબીરાભગતમાં,
પ્રજાની વૃદ્ધિએ, નિત અમર કહેવાય નવ કાં?
જતાં પાસે જોઉં, વડ નહિ વડોનું વન ખરે,
મળે આડા ઊભા, અતિ નિકટ નીચે ઉપર જે;
વડે ઝાઝા તોએ, સહુ ભળી ગયે એક દીસતો,
વળી સંધાઓનું, અસલ જીવતું એક મૂળ તો.
ફૂટી ડાળોમાંથી, પ્રથમ તરુ કેરી નીકળતા,
ખૂંચે તેવા તંતુ, વધી જઈ નીચે જે લટકતા;
જટાની શોભાથી, અતિશ શરમાઈ શિવ ઊઠ્યા,
જટાને સંકેલી, વડ તજી ગિરિએ જઈ રહ્યા.
જટા લાંબી લાંબી, મૂળ થડથી થોડેક દૂર જે,
નીચે ભૂમિ સાથે, અટકી પછી પેસે મહીં જતે;
મળી મૂળિયાંમાં, ફરી નીકળી આવે તરુરૂપે,
થડો બાંધી મોટાં, ઘણીક વડવાઈ કહી રહે.


વડો વચ્ચે વચ્ચે, તરુ અવર આસોપાલવનાં
વડોથી ઊંચાં છે, ખીચખીચ ભર્યાં પત્રથી ઘણાં;
ઘણા આંબા ભેગા, વળી ઘણીક સીતાફળી ઊગે,
બીજાં ઝાડો છોડો, વડની વચમાં તે જઈ ઘૂસે.

ઉનાળાનો ભનુ, અતિશ મથે ભેદી નવશકે,
ઘટા ઊંચે એવે, જન શીતળ છાયા સુખ લિય;
ખૂલી બાજુઓથી, બહુ પવન આઅવે જમીનને,
કરે ચોખ્ખી રૂડે, પછી મિત થઈને ખુશી કરે.

ઘણાં જંતુ પંખી, અમળ સુખ પામે અહીં રહી,
ઘણાં જાત્રાળુઓ, અહીં ઊતરતાં પુણ્ય સમજી;


ઘણા શિકારીઓ, ગમત કરતા રેહ બહુ અહીં,
હજારો લોકોને, અડચણ સમાતાં અહીં નહિ.


અહીંયાંથી જોવે, ચકચકતી વ્હેતી નદી દૂરે,
પશુ કો જોવાં જે, અહીતહીં ચરે બેટ ઉપરે.
ઘટા ભારે જોવી, શબદ સુણવા કોઈ ખગના,
દિલે વાયુ લેવો, સુખ નવ હીણ લે કરમના.


ઘટા થાળાં લીધે, ઘણીક ફરવાને ગલી થઈ,
બખોલો બંધાઈ, રમણીય બહુ બેઠક બની;
નિરાંતે જેમાં તો, ખુશી થકી રમે લાલ લલટોના,
નિરાંતે જેમાં તો, ખુશી થકી રહે જોગી જપમાં.

દીપે છાયી જાડાં, હરિત કુમળાં પત્ર ઠુમસાં,
વળી રાતા ટેટા, ચૂગી બહુ જીવો પેટ ભરતા;

પડે બાજુએથી, બહુ ખુશનુમા રંગકિરણો,
નીચે ચળકે તડકે, બરફ સરખાં ઠારથી પડો.


ઠરી મારી આંખો, કબીરવડ તુને નીરખીને,
ખરી પાપી બુદ્ધિ, ખરી જ રૂડી જાત્રા થઈ મને;
વિશેષે શોભે છે, ગભીર વડ તુંથી નરમદા,
કૃતાર્થી મોટો હું, દરશન વડે છું નરમદા



-નર્મદ (Narmad)

Monday, April 17, 2006

બે નવા ગુજરાતી બ્લોગ

વાંચકમિત્રો,

લાગે છે કે ઘીમી શરૂઆત બાદ ગુજરાતીનો વ્યાપ દિવસે દિવસે નેટ પર વધતો જાય છે, અને આ ખરેખર આનંદની વાત છે. તદ્ઉપરાંત મોટાભાગનાં બ્લોગ જે સાહિત્યલક્ષી હતા તેમા પણ વૈવિધ્ય આવતુ જાય છે અને જુદાજુદા વિષયો પર ગુજરાતીમાં લખાણ હવે બ્લોગજગતમાં વાચવા મળે છે.

ફરિદભાઈએ ઈસ્લામની સાચી સમજણ આપતો બ્લોગ શરૂ કરેલ છે, જેનુ નામ પણ ખૂબ જ સરસ છે...સુવાસ
આશા રાખીએ કે આ બ્લોગ દ્રારા ઈસ્લામની સાચી સમજણ પ્રસરે અને કોમી દાવાનળની આગ જે સમયાંતરે ગુજરાતમાં ભડકી ઊઠે છે, તેનુ શમન થાય.

બીજો એક બ્લોગ જે મુંબઈથી પ્રસિદ્ધ થાય છે. કર્તાની પૂરી માહિતિ અપ્રાપ્ય છે પરંતુ આ બ્લોગમાં મુંબઈમાં રહેલ ગુજરાતી સાહિત્ય જગતના મોખરાનાં કટારલેખકો, પત્રકારો, એનાઉન્સર, લેખકોની સરસ વાત કરી છે.http://hemangkris.blogspot.com/

ગુજરાતી બ્લોગ જગતમાં આપનુ સ્વાગત છે અને આશા રાખીએ કે આ રીતે જ વધારે લોકો ગુજરાતી નેટ જગતમાં આવતા રહે અને તે રીતે ગુજરાતીઓને અને ગુજરાતી ભાષાને લાભ કરાવતા રહે.

અસ્તુ

સિદ્ધાર્થ શાહ

Sunday, April 16, 2006

દિવસો પછી માણેલી એક સવાર

શ્રી કિશોરભાઈ રાવળ એક સુંદર ગુજરાતી વેબ મેગેઝીન ઘણા સમયથી પ્રસિદ્ધ કરી રહ્યા છે. દર બે માસે તેઓ નવો અંક રજૂ કરે છે. જે વાંચવાની મજા જ કઈ ઓર છે. સરસ મજાનું સાહિત્ય તેઓ રજૂ કરી છે. તેઓ પોતે પણ ચિત્રકાર અને લેખક છે. તેમને વેબસાઈટ પર રજૂ કરેલ આ કવિતા મને ખૂબ જ પસંદ પડી હોવાથી અત્રે રજૂ કરેલ છે. તેમને વેબસાઈટનું નામ છે કેસૂડા.કોમ (www.kesuda.com)



ગાયોના આંચળમાંથી બોઘરણામાં છંટાતી દૂધની સેરના સ્તોત્રો !



ખેતરમાં દોડવા અધીર બળદોને કંઠે રણકતી ઘૂઘરીઓનાં પરભાતિયાં !



સવારનું કપૂરી અજવાળુ !




શીતળ સમીરનો માદક ધૂપ !



સૂડાઓનો સ-સ્વર વૈદિક મંત્રોચ્ચાર !



ગૂપચૂપ ટૂંટિયું વાળી આવી બેઠેલા સોનવર્ણી સૂરજદેવ !


ભટુરિયાંઓનાં ભમરડાઓનાં ગુંજારવની ધૂન !



સધ્યસ્નાતા હર્યા ભર્યા લાલિત્યની દીપશિખા !


ઘણાં વર્ષો પછી હું મારા ઘરની હૂંફ માણી રહ્યો છું.

-જયદેવ શુક્લ (Jaydev Shukla)

Sunday, April 09, 2006

ઘર



આ ઘર કે પેલુ ઘર
પણ એ હોવું જોઈએ મારૂ ઘર,
અમારૂ ઘર, આપણું ઘર,
જ્યાં સલામતી અનુભવાય,
જ્યાં શાંતિ પમાય,
જ્યાં આનંદ ઉભરાય,
જ્યાં પોતાપણાને પમાય,
તેમાં જીવાય,
તેમાં વિસ્તરાય,
તેમાં ખિલાય,
બસ, એવું છે મારૂ ઘર.

-સત્યમુનિ (Satyamuni)

(ગુજરાત દર્પણમાંથી સાભાર)

Saturday, April 08, 2006

એક વિચાર

આજે વિવેકભાઈએ મને સુંદર કવિતા 'કબીરવડ' ઈ મેઈલ દ્ધારા મોકલી. ખૂબ જ આનંદ થયો. કવિતા ઘણી જ મોટી છે તેથી ટાઈપ કરવા બેઠો ત્યારે જ મનમાં વિચાર આવ્યો કે ગુજરાતીમાં OCR જેવુ સોફ્ટ્વેર તૈયાર કરવામાં આવે તો કેટલા બધા સુંદર ગુજરાતી પુસ્તકો ડીજીટાલાઈઝ થઈ શકે. નેટ પર સર્ચ કરી તો કોઈ અર્થસભર સોલ્યુશન હજી સુધી નથી મળ્યુ. જો કે મહારાજા સયાજીરાવ યુનીવર્સિટીનાં ગુજરાતી વિભાગમાં કદાચ આ વિષયનું સંશોધન કાર્ય ચાલુ થયેલ હોય એવુ લાગે છે. આ બ્લોગ વાંચતા કોમ્પ્યુટર તજજ્ઞો જો આ વિષય પર વધુ માહિતિ હોય તો જરૂરથી મને ઈ મેઈલ કરવા વિનંતી છે.

સિદ્ધાર્થ શાહ

Thursday, April 06, 2006

ચંદ્ધકાંત બક્ષી


આરપારનાં હાલના અંકમાં સ્વ. બક્ષીને શ્રદ્ધાંજલિ આપતા લેખો જાણીતા લેખકોએ લખેલ છે. ખબર નથી પડતી કે શ્રદ્ધાંજલિ આપી છે કે તેઓનાં બક્ષી સાથેનાં મતભેદોનું વર્ણન કરેલ છે. ખાસ કરીને સૌરભ શાહનો લેખ.....વાંચીને તમારા અભિપ્રાય જણાવશો.

સિદ્ધાર્થ શાહ