Monday, February 20, 2006


મારું ઘર હું શોધું રે,
આ પતિનું ઘર, તે પિતાનું ઘર,
ત્યાં કદાચ પુત્રનું ઘર,
સ્ત્રીનું પોતાનું ઘર ક્યાં?

પારકા ઘરે જવાનું છે,
પતિના ઘરે પારકી,
પારકા ઘરથી આવી,
અંતે દરેક છોકરી સાવકી છે.

-નંદિની મેહતા (Nandini Mehta)

Sunday, February 05, 2006

કયાં છે ?


આં રચના અશોકભાઈનાં બ્લોગ પરથી મેળવી છે. પહેલા જણાવ્યા પ્રમાણે પકૃતિ અને નૈસર્ગિક સૌંદર્યને લગતી રચનાઓ માટે મને વિશેષ માયા છે તેથી જ અશોકભાઈના બ્લોગ પર આ રચના વાંચ્યા બાદ તેને અત્રે રજૂ કરવાની ઈચ્છા રોકી શકયો નથી.


કયાં છે ?
જાંબુડાના ઝાડ ઉપર લટકતો
લીલો લીલો મારો સૂરજ કયાં છે ?
ક્યાં છે મારા ખેતરખૂણાના કૂવામાં
કબૂતરાંની પાંખો ઉપર સૂતેલો
ભોળો ભોળો અંધકાર ?


પ્રભાતપંખીનાં પગલાની લિપિમાં
આળખેલો ડુંગર ફરતો ,
ચકરાતો એ ચીલો કયાં છે ?
કયાં છે મારી પથ્થર વચ્ચે
પાણી લઈને વહેતી
શમણા જેવી નદી ?

વનપરીના નાનકડા ખોબા જેવી
તરંગની આંગળીઓ વચ્ચે
પવન રમાડતી
પેલી મારી તલાવડી કયાં છે ?


કયાં છે મારું ટેકરીઓનું ગામ,
ગામનું ઘર,ઘરની કોઢ,કોઢમાં
અંધારાની કાળી ગાયને દહોતી મારી બા ?
કયાં છે.......


-જયન્ત પાઠક (Jayant Pathak)