Saturday, November 19, 2005

સરસ પ્રયત્નો રજૂ કરતી સુંદર વેબસાઈટ

આજે નેટ પર ફરતા ફરતા એક સુંદર વેબસાઈટ મળી અને વાંચકોને તેની માહિતિ આપવાની ઈચ્છા રોકી શકાઈ નહિ. આશા રાખુ કે આજ રીતે લોકશક્તિમાં વિશ્વાસ રાખીને વૃક્ષારોપણનું કાર્ય પણ મોટા પાયે ગુજરાતમાં થાય તો ગુજરાતની આબોહવા અને તાસીર બન્ને બદલાઈ જશે.
http://guj.wasmo.org/default.htm

તમે આ વેબસાઈટની મુલાકાત લઈને તમારા અભિપ્રાયો જરૂરથી વ્યક્ત કરશો.

સિદ્ધાર્થ શાહ

Thursday, November 17, 2005

મને યાદ આવે છે...

નેટ પર ફરતા ફરતા આ કવિતા મળી ગઈ. ગુજરાતી યાહૂ ગ્રુપમાં આ કવિતા ચિત્રલેખા ઉપનામથી પ્રસિદ્ધ થઈ છે અને કદાચ કવિયત્રીનું નામ ચિત્રલેખા હશે એમ માનુ છું. આ કવિતામાં હ્રદયની વેદના, વતનની યાદ અને પરસ્પર વિરોધાભાસી સરખામણી સુંદર રીતે થઈ છે. હું પોતે વડોદરાનો રહેવાસી છું પણ કદાચ આ કવિતા કોઈપણ ભારતીય માટે એટલી જ સાચી છે જેટલી અમદાવાદી માટે...

આશા રાખુ કે તમને ગમશે.


'ચીકન','મેગનગેટ' ખાઉં છું ત્યારે દોસ્તો
પેલી ઝૂંપડીના દાળવડાં બહુ યાદ આવે છે.

'કલ-દ-સેંડ, 'ટુ-સ્ટોરી' કે 'થ્રી કાર ગેરેજ' લેશુ
અરેરે...ફૂટપાથ પર જીવન ગુજારતા કરોડો યાદ આવે છે.

'બીગ મેક' ને 'વોફર' કે 'ટાકોની' ભાંજગડમાં
પોળની પટલાણીનો મીઠો રોટલો બહુ યાદ આવે છે.

'સેવન-અપ', 'કોક' કે 'પેપ્સી' કે પછી રમ લેશો?
ભોળી ભરવાડણની ખાટી છાશ યાદ આવે છે.

કૂતરાં બીલાડીનાં કાજે વેચાતા મોંઘા 'ડીનરો' જોતાં
ગલીના છેડે ચાટમાંથી ખાતાં ભીખારુ યાદ આવે છે.

એપલ ખાઈશ કે આઈસ્ક્રીમ અમારા 'એ' પૂછે છે
ત્યારેમોટાકાકીની સુખડી અને કુલેર બહુ યાદ આવે છે.

જુનીયર 'પેડમેન' રમશે કે 'અદીદાસ' પહેરીને સોકર!
ભીંત પર કોલસાથી ચીતરેલ ક્રિકેટના સ્ટમ્પસ બહુ યાદ આવે છે.

'વીક એન્ડ' થતા 'કે માર્ટ' જાશું કે 'સીઅર્સ' કે 'મેઈસીસ'માં?
ધીખતી ધરા પર ઉઘાડ પગે ગાડું ઢસડતી મજૂરણ યાદ આવે છે.

કહેવાતા કલ્ચરલ 'પ્રોગ્રામો' અને 'બર્થ ડે' યા 'શાવર' પાર્ટીમાં
કલાપીએ વર્ણવેલ ખુશામતના ખજાના યાદ આવે છે.

વર્ષોના વ્હાણા વાયા આ અમેરિકન ખૂની ભભકા માહે,
'દર્દેજીગર' ને ગાંડુ ઘેલુ પેલું અમદાવાદ યાદ આવે છે.

-ચિત્રલેખા (Chitralekha)

Saturday, November 05, 2005

અધીરૂં મન

તહેવારોની આ મોસમમાં વતનની યાદ આવ્યાં વગર રહેતી નથી. બાળપણનાં સુંદર સ્મરણો આ વખતે આંખની સમક્ષ તાદ્શ થઈ જાય છે. તેને વાંચા આપતી આ સુંદર કવિતા અત્રે પ્રસ્તૂત છે. આશા રાખુ કે આપ સર્વેને એ પસંદ પડશે.


જઈ રહ્યો છુ વતન!
થોડી ક્ષણોમાં -
થશે મુલાકાત !
માના ચરણો ચાંપવા
સ્વજનોની સ્નેહવર્ષામાં ભીંજાવા
થઈ રહ્યું અધીરૂં મન!

છેલ્લાં કેટલાંય વર્ષો ફગાવી
શેરીના શોરમાં શૈશવને શોધવા
રંગોળીના રંગમાં દિલને ઢાળવા
પિચકારીના કેસૂડાંની સેર પર સરવા
છાપરે પતંગોની ઢીલ પર ઝૂલવા
થઈ રહ્યું અધીરૂ મન !

એ જ પ્રાથમિક શાળાનો ઓટલો
અને ચણા મમરા વેચતો ફેરિયો
દોસ્તો સામે લંગડી-હુતુજી
ચોકમાં ફરકતા ધ્વજને વંદન કરવા
ઝંડા ઊંચા રહે હમારાનું જયગાન ગાવા
થઈ રહ્યું અધીરૂં મન!

મીઠા સંસ્મરણો વાગોળતાં-
દિવા સ્વપ્નમાં આવ્યો આંચકો!
વિમાને કર્યું ધરતીને ચુંબન
સલામતીની સર્વે સૂચનાઓ અવગણી
બહાર ઘસી વતનની સોડમ લેવા
થઈ રહ્યું અધીરૂં મન !

-કિરીટ મોદી "આક્રોશ (Kirit Modi "Aakrosh")

Friday, November 04, 2005

શુભ દિપાવલી અને નૂતન વર્ષાભિનંદન


વાંચકમિત્રો,

છેલ્લો મહિનો અતિ વ્યસ્ત રહ્યો તેથી મારી ઈચ્છા મુજબ બ્લોગ અપડેટ થઈ શક્યો નથી તેનો ખેદ છે. સાથે સાથે તહેવારોના સુંદર દિવસો ચાલી રહ્યા હોવાથી મારી શુભેચ્છાઓ પાઠવી રહ્યો છુ.

શુભ દિપાવલી અને નૂતન વર્ષાભિનંદન