સિદ્ધાર્થ

પરદેશી પંખીનાં ઊડ્યા મુકામ પછી માળામાં ફરક્યું વેરાન !
ખોળો વાળીને હજી રમતાં'તા કાલ અહીં,
સૈયરના દાવ ન'તા ઊતર્યા;
સૈયરનાપકડીને હાથ ફર્યા ફેર-ફેર -
ફેર હજી એય ન'તા ઊતર્યા;
આમ પાનેતર પહેર્યુને ઘૂંઘટમાં ડોકાયું
જોબનનું થનગનતું ગાન !
દાદાના આંગણામાં કોળેલા આંબાનું કૂણેરું તોડ્યું રે પાન,
આંગળીએ વળગેલાં સંભાર્યા બાળપણાં,
પોઢેલાં હાલરડાં જાગ્યાં;
કુંવારા દિવસોએ ચોરીમાં આવીને
ભૂલી જવાનાં વેણ માગ્યાં !
પછી હૈયામાં, કાજળમાં, સેંથામાં સંતાતુ
ચોરી ગયું રે કોક ભાન !
પરદેશી પંખીનાં ઊડ્યા મુકામ પછી માળામાં ફરક્યું વેરાન !
માધવ રામાનુજ (Madhava Ramanuj)