Monday, January 30, 2006

પરિક્રમા નર્મદા મૈયાની


વાંચકમિત્રો,

થોડો અવકાશ મળ્યો હોવાથી મારા પ્રિય પુસ્તકોમાનું એક એવુ પુસ્તક ફરી એકી બેઠકે વાંચ્યુ અને એમાં તમોને સહભાગી બનાવવાની ઈચ્છા રોકી ન શક્યો. આ પુસ્તકનું નામ છે "પરિક્રમા નર્મદા મૈયાની"

શ્રી અમૃતલાલ વેગડની કલમે લખાયેલુ અતિ સુંદર પુસ્તક છે, જે પ્રવાસ લેખનમાં એક સુંદર ભાત પાડે છે. હુ માનુ છુ ત્યા સુધી આ પુસ્તકને રાષ્ટ્રિય કક્ષાએ પારિતોષિક પણ મળેલ છે. અત્રે પુસ્તકમાંથી એક નાનો અંશ રજૂ કરી રહયો છું.

----------
સવાર થતા ચાલી નીકળ્યા. ખેતરોમાંથી થતા ત્રીજે પહોરે એક એવા સ્થળે આવી પહોચ્યા કે જ્યા સામે -

ભૂરો ભાસ્યો ઝાંખો, દૂરથી ધુમસે પા'ડ સરખો
નદી વચ્ચે ઊભો, નિરભયપણે એકસરખો.


ઓહો, આ ઓ સુપ્રસિદ્ધ કબીર વડ !

ઠરી મારી આંખો, કબીર વડ તુંને નીરખીને.

પણ અમે ત્યાં જઈએ કે ન જઈએ ? પરીક્રમાનાં નિયમો અનુસાર અમે નર્મદાની ધારા ઓળંગી ન શકીએ, ટાપુ પર ન જઈ શકીએ. પરંતુ જે કબીરવડ વિષે બચપણમાં વાંચેલી કવિતાનું આજેય ઝાંખુ સ્મરણ છે, જેને જોવાની વર્ષોની ઉસ્તુકતા રહી છે, શું એને જોયા વિના જ ચાલ્યા જઈશું ? અહિં ફરી ક્યારે અવાશે ? વળી આ બાજુનો પ્રવાહ પણ તો સાવ છીછરો જ છે !


(પરિક્રમા નર્મદા મૈયાની - અમૃતલાલ વેગડ)
-------------

વાંચકમિત્રો જો તમારામાંથી કોઈને કબીરવડ વિશે જણાવેલ કવિતા પૂર્ણ સ્વરૂપે મળી આવે તો મને મોકલી આપવા વિનંતી છે. તમે મને sidshah70@gmail.com પર ઈ મેઈલ કરી શકો છો.

સિદ્ધાર્થ શાહ


Monday, January 23, 2006

ગુજારે જે શિરે તારે

વાચકમિત્રો, આજે જ એક ધર્મસ્થાનની મુલાકાત લીધા બાદ બ્લોગ અપડેટ કરી રહ્યો છું તેથી આ સુંદર પ્રાર્થના રજૂ કરી રહ્યો છું, આશા રાખુ કે તમોને ગમશે.



ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સ્હેજે;
ગણ્યું જે પ્યારું પ્યારાએ, અતિ પ્યારું ગણી લેજે.

દુનિયાની જુઠી વાણી, વિશે જો દુ:ખ વાસે છે;
જરાયે અંતરે આનંદ, ના ઓછો થવા દેજે.

કચેરી માંહિ કાજીનો, નથી હિસાબ કોડીનો;
જગત કાજી બનીને તું, વહોરી ના પીડા લેજે.

જગતના કાચના યંત્રે, ખરી વસ્તુ નહીં ભાસ;
ન સારા કે નઠારાની, જરાએ સંગતે રહેજે.

રહેજે શાંતિ સંતોષે, સદાયે નિર્મળે ચિત્તે;
દિલે જે દુ:ખ કે આનંદ, કોઇને નહીં કહેજે.

વસે છે ક્રોધ વેરી, ચિત્તમાં તેને તજી દેજે;
ધડી જાએ ભલાઇની, મહાલક્ષ્મી ગણી લેજે.

રહે ઉન્મત્ત સ્વાનંદે, ખરૂં એ સુખ માની લે;
પિયે તો શ્રી પ્રભુના, પ્રેમનો પ્યાલો ભરી પીજે.

કટુ વાણી સુણે જો કોઇની, વાણી મીઠી કહેજે;
પરાઇ મૂર્ખતા કાજે, મુખે ના ઝેર તું લેજે.

અરે પ્રારબ્ધ તો ઘેલું, રહે છે દૂર માગે તો;
ન માગે દોડતું આવે, ન વિશ્વાસે કદી રહેજે.

અહો શું પ્રેમમાં રાચે, નહીં ત્યાં સત્ય પામે તું !
અરે તું બેવફાઇથી ચડે નિંદા તણે નેજે.

લહે છે સત્ય જે, સંસાર તેનાથી પરો રહેજે;
અરે એ કીમિયાની જો મઝા છે, તે પછી કહેજે.

વફાઇ તો નથી, આખી દુનિયામાં જરા દીઠી;
વફાદારી બતાવા ત્યાં, નહીં કોઇ પળે જાજે.

રહી નિર્મોહિ શાંતિથી, રહે એ સુખ મોટું છે;
જગત બાજીગરીના તું, બધાં છલબલ જવા દેજે.

પ્રભુના નામનાં પુષ્પો, પરોવી કાવ્યમાળા તું;
પ્રભુની પ્યારી ગ્રીવામાં, પહેરાવી પ્રિતે દેજે.

કવિ રાજા થયો શી છે, પછી પીડા તને કાંઇ?
નિજાનંદે હંમેશા બાલ, મસ્તીમાં મઝા લેજે.

- બાલશંકર કંથારિયા (Balshankar Kantharia)

Sunday, January 15, 2006

ખેડૂતની સેવા


આ સુંદર કાવ્ય શ્રી યોગેશ્વરજીના કાવ્યસંગ્રહ 'દ્યુતિ' માંથી લેવામાં આવ્યુ છે. તેમના સત્સંગીઓએ બનાવેલી અતિસુંદર વેબસાઈટ ગુજરાતી વેબજગતમાં અનેરી ભાત પાડે છે. આ વેબસાઈટની મુલાકાત ખરેખર લેવા જેવી છે. આ વેબસાઈટ પર તમને મહાભારત, રામાયણ, ગીતાસાર ગુજરાતીમાં વાંચવા મળશે.

વેબએડ્રેસ http://www.swargarohan.org

ખેડૂતની સેવા

એક તાત છે દુનિયા કેરો, બીજો તાત મનુષ્ય કહ્યો;
તે મનુષ્ય ખેડૂત ગણાયે, જેણે તડકો ખૂબ સહ્યો.

ટાઢતાપ વેઠીને જેણે પરિશ્રમ સદા ઘોર કર્યો;
પાક એહનો આખા જગને, એણે હસતાં સર્વ ધર્યો.

રાતદિવસ ના જોયાં એણે, જોયાં સુખ કે દુઃખ નહીં;
જીવન આખું સેવા કરતાં, ધરતી કેરું ગયું વહી.

વરસાદ ભલે વરસે તો પણ, હિંમત ના હારે કો'દિ;
પવનતણા સુસવાટા માંયે, જાય ખેતરોમાં દોડી.

બળદ એહના સાથી સાચા, એ એની જીવાદોરી;
અનાજ પકવે એની મદદે, આળસની કરતાં હોળી.

સેવા લે સઘળાયે એની, જીવન એ સૌને આપે;
કેમ ગમે આપણને, જો એ દુઃખમહીં દિવસો કાપે?

કંગાળ જ જો હોય એ, વળી અક્ષરજ્ઞાન રહિત હોયે;
શરમ ગણાયે દેશતણી તો, દેવાદાર બને તોયે.

માટે એની સેવા માટે, તૈયારી સઘળીય કરો;
એની સેવા લઈ એહને, જીવનની રસલ્હાણ ધરો.

-શ્રી યોગેશ્વરજીના કાવ્યસંગ્રહ 'દ્યુતિ' માંથી

Saturday, January 07, 2006

વાયુને હંફાવવા બળ ના કરે

વાયુને હંફાવવા બળ ના કરે
એ સુંગધ છે,કદી છળ ના કરે

પુષ્પ પર ડાઘો પડે એ બીકથી
જીવવાને જિદ ઝાકળ ના કરે

સ્વપ્નને સંકેલવાને બાબતે
ઊંઘતો માણસ ઉતાવળ ના કરે

ખૂબ ઘેરી ને ગહન છે લાગણી
એ ઝરણની જેમ ખળખળ ના કરે

ક્રોધ તો કરતો નથી ઈર્શાદ પણ
ના ગમે તો વાત આગળ ના કરે


-ચિનુ મોદી 'ઈર્શાદ' (Chinu Modi)

Friday, January 06, 2006

ધારાવસ્ત્ર

વાંચકમિત્રોને કદાચ આટલા સમય દરમ્યાન અંદાજ આવ્યો હશે કે આ બ્લોગ પર વધારે પડતી કવિતાઓ કુદરતની રમણિયતાને અનુલક્ષીને પ્રસ્તૂત કરેલ છે. એવી જ એક આ કવિતા છે. આ કાવ્યમાં વરસતા વરસાદના દશ્યાનુભવને કવિએ પ્રત્યક્ષવત કરી આપ્યો છે.


કોઈ ઝપાટાભેર ચાલ્યું જાય
કયાંથી, અચાનક....
સૂર્ય પણ જાણે
ક્ષણ હડસેલાઈ જાય
ધડાક બારણાં ભિડાય.

આકાશમાં ફરફરતું ધારાવસ્ત્ર
સૃષ્ટિને લેતું ઝપટમાં
ઓ...પણે લહેરાય.
પૃથ્વી રોપ્યાં વૃક્ષ એને ઝાલવા
મથ્યાં કરે - વ્યર્થ હાથ વીંઝ્યા કરે...

-ઉમાશંકર જોશી (Umashankar Joshi)

Tuesday, January 03, 2006

ભોમિયા વિના

વાંચકમિત્રો,

સૌ પ્રથમ તો નૂતન વર્ષાભિનંદન 2006 માટે,

ઘણા લાંબા સમયના વિરામ બાદ આજે નવા વર્ષનો પ્રારંભ શ્રી ઉમાશંકર જોષીની આ સુંદર કવિતાથી કરૂ છું, આશા રાખુ કે બધાને જરૂરથી પસંદ પડશે. આ લાંબો વિરામ વ્યવસાયિક અને શૈક્ષણિક વ્યસ્તતાનાં લીધે હતો, આ સમય દરમ્યાન પણ તમારી સુંદર ઈ-મેઈલ્સ મળતી રહેતી હતી જે ખૂબ જ આનંદની વાત છે.


ભોમિયા વિના

ભોમિયા વિના મારે ભમવા'તા ડુંગરા,
જંગલની કુંજકુંજ જોવી હતી;
જોવાં'તાં કોતરો ને જોવી'તી કંદરા,
રોતાં ઝરણાંની આંખ લ્હોવી હતી.

સૂના સરવરિયાની સોનેરી પાળે,
હંસોની હાર મારે ગણવી હતી;
ડાળે ઝૂલંત કોક કોકિલાને માળે,
અંતરની વેદના વણવી હતી.

એકલા આકાશ તળે ઊભીને એકલો,
પડઘા ઉરબોલના ઝીલવા ગયો;
વેરાયા બોલ મારા, ફેલાયા આભમાં,
એકલો, અટૂલો ઝાંખો પડ્યો.

આખો અવતાર મારે ભમવા ડુંગરિયા,
જંગલની કુંજકુંજ જોવી ફરી;
ભોમિયા ભૂલે એવી ભમવી રે કંદરા,
અંતરની આંખડી લ્હોવી જરી.

- ઉમાશંકર જોષી (Umashankar Joshi)