Monday, June 27, 2005

રણને



રણને ફરી લાગી તરસ સૂરજના કિરણ તણી
વિસરાતી રહી યાદો મીઠી ઝાકળભરી
માથે ધગધગતો-સળગતો સૂરજ છતાંયે
રેતમાં દટાયેલી યાદો રણને સાંભરે ઘડી-ઘડી

Thursday, June 02, 2005

મેળો


આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે,
કોઈ આવ્યા છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યા છે

કોઈ ફુગ્ગાનું ફૂટવુ લાવ્યા, કોઈ દોરાનું તૂટવું લાવ્યા,
કોઈ અંગત ફાડી ખાનારુ એકાંત લઈને આવ્યા છે.

કોઈ ઝરમર ઝરમર છાંયડીઓ, કોઈ ઉભડક ઉભડક લાગણીઓ,
કોઈ ફાળ, તો કોઈ તંબુની નિરાંત લઈને આવ્યા છે.

કોઈ ધસમસતા ખાલી ચહેરે, કોઈ ભરચક શ્વાસે ઊમટતા,
કોઈ અધકચરા, કોઈ અણોસરા જજબાત લઈને આવ્યા છે.

આ પથ્થર વચ્ચે તરણાનું હિજરાવુ લાવ્યો તું ય, રમેશ,
સૌના ખભે સૌ અણિયાળી કોઈ વાત લઈને આવ્યા છે.

-રમેશ પારેખ (Ramesh Parekh)