Saturday, March 31, 2007

તારા ગયા પછી

તારા ગયા પછી
તારી સાથે કરેલી વાતો
મેં કદી સમયને સોપી નથી
એટલે જ તો
મને મળી આવે છે
ઠેકઠેકાણે
પુરાણા વારસા સાથે
નવી ઈમારતોથી
ભરાતા રહેલા આ શહેરમાં
મન ટેકવવાની જગ્યાઓ

સમુદ્ધ ઊઠળી ઊછળીને
સાક્ષી પુરાવે છે
અને જ્યાં આપણે બેસતા
એ કાળમીંઢ પથ્થર પર
સમયનું કશું ચાલતુ નથી.
તારી સાથે વીતેલી સાંજ
મેં કદી ઢળતા સૂરજને આપી નથી
એટલે જ તો
મને મળી આવે છે
ઠંડી હવા વચ્ચેથી
તારા ઉષ્ણ ઉચ્છવાસ
તારી સાથે ચાલતી
એ રસ્તાને મેં કદી મુકામને હવાલે કર્યો નથી
એટલે જ તો...

અશ્વિની (Ashwini)

Friday, March 30, 2007

હું ક્યા છું ?

ઘણા જ લાંબા સમયનાં વિરામ બાદ પાછો બ્લોગજગતમાં પ્રવેશ કરી રહ્યો છું. જ્યારે પ્રથમ વખત નેટ પર ગુજરાતીમાં લખવાનું ચાલુ કર્યુ,ત્યારે ગણી ગાઠી વેબસાઈટ્સ ગુજરાતીમાં હતી, અને બ્લોગમાં તો ફક્ત બીજો જ ગુજરાતી બ્લોગ હતો. આજે કદાચ ગુજરાતી બ્લોગની સંખ્યા 100 કરતા વધારે હશે અને લગભગ દરેક વિષય પર ગુજરાતી સાહિત્ય નેટ પર ઉપલબ્ધ છે, જે આનંદની વાત છે.

આશા રાખીએ કે સરસ મજાનું સંસ્કાર અને સંસ્કૃતિનું જતન કરતુ વાંચન નેટ પર દિન-પ્રતિદિન વધારે ને વધારે મળતુ રહે.

આ સાથે એક સુંદર શૈસવની સ્મૃતિને તાજી કરતી એક કવિતા રજૂ કરૂ છું.

સિદ્ધાર્થ


હું ક્યા છું ?

ગામની પાસેના વગડામાં
સીતાફળીની ડાળીડાળીએ
આંખ ઉઘાડી ઝૂલે સીતાફળ હજીય -
પણ તે અમને
બાળટોળીને સાથે લઈને
ઝાકળભીના સવારના તડકામાં થઈને
વનની વાટે વળનારા એ દાદા કયાં છે ?

રિસાઈને ઘરમાંથી ભાગી
જઈ જહીં સંતાતા તે સૌ
ટેકરીઓ તો ગામ પાદરે હજી આ બેઠી -
પણ ચિંતાથી અરધી અરધી
હાંફતી હાંફતી ટેકરીઓને માથે ચઢતી
પડતી ને આખડતી
મમતાની મૂરતી બા ક્યાં છે ?

પૂરમાં ઘેલી થઈ વ્હેતી ને
ધોળી ફૂલ એવી રેતીને રમાડતી તે
નદી
હજી ગામને ઘસાઈ વ્હે છે -
પણ રમનારા ડૂબકીદાવો
રેતીમાં ઘર ચણનારાઓ
કલકલ કરતા છોકરડાઓ -
બાલગોઠિયા મારા ક્યાં છે ?

હજીય
પાપા પગલી કરતું
ભમરડે શેરીમાં રમતું, લખોટા જેવું દડતું
ટહુકા તરુડાળોમાં કરતું, જલમાં તરતુ,
સીમશેઢામાં હરતું ફરતું,
ટેકરીઓને માથે ચઢતું
કોક પ્હણે દેખાય -

અરે, પણ તે હું ક્યાં છું ?

-જયંત પાઠક (Jayant Pathak)