Monday, June 27, 2005

રણને



રણને ફરી લાગી તરસ સૂરજના કિરણ તણી
વિસરાતી રહી યાદો મીઠી ઝાકળભરી
માથે ધગધગતો-સળગતો સૂરજ છતાંયે
રેતમાં દટાયેલી યાદો રણને સાંભરે ઘડી-ઘડી

Thursday, June 02, 2005

મેળો


આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે,
કોઈ આવ્યા છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યા છે

કોઈ ફુગ્ગાનું ફૂટવુ લાવ્યા, કોઈ દોરાનું તૂટવું લાવ્યા,
કોઈ અંગત ફાડી ખાનારુ એકાંત લઈને આવ્યા છે.

કોઈ ઝરમર ઝરમર છાંયડીઓ, કોઈ ઉભડક ઉભડક લાગણીઓ,
કોઈ ફાળ, તો કોઈ તંબુની નિરાંત લઈને આવ્યા છે.

કોઈ ધસમસતા ખાલી ચહેરે, કોઈ ભરચક શ્વાસે ઊમટતા,
કોઈ અધકચરા, કોઈ અણોસરા જજબાત લઈને આવ્યા છે.

આ પથ્થર વચ્ચે તરણાનું હિજરાવુ લાવ્યો તું ય, રમેશ,
સૌના ખભે સૌ અણિયાળી કોઈ વાત લઈને આવ્યા છે.

-રમેશ પારેખ (Ramesh Parekh)

Tuesday, May 10, 2005

ગઝલ

જનારી રાત્રિ જતાં કહેજે : સલૂણી એવી સવાર આવે
કળી કળીમાં સુવાસ મહેકે, ફૂલો ફૂલોમાં બહાર આવે

હ્ર્દયમાં એવી રમે છે આશા, ફરીથી એવી બહાર આવે
તમારી આંખે શરાબ છલકે, અમારી આંખે ખુમાર આવે

હ્ર્દયમાં કોની એ ઝંખના છે, નયન પ્રતીક્ષા કરે છે કોની ?
ઊભો છે શયદા ઉંબરમાં આવી, ન જાય ઘરમાં ન બહાર આવે


-શયદા

Sunday, May 08, 2005

રમૂજ

મિત્રો, હમણાથી હુ બ્લોગ નિયમિત રીતે અપડેટ કરી શકતો નથી તેનો ખેદ છે, પરંતુ વ્યવસાયિક વ્યસ્તતાને લીધે આવા અનિયમિતતાના 'એપીસોડ' આવતા રહેશે અને તે બદલ દુ:ખ છે. આજે બે રચનાઓ એવી રજૂ કરી રહયો છુ, જેના કોઈ કવિ નથી અને કવિઓ કદાચ સાંભળીને નાકનું ટીચકુ પણ ચઢાવે...

લોકમુખે રચાતી અને પ્રસરતી આ રચનાઓ વિશે તમારા અભિપ્રાયની જરૂરથી રાહ જોવાશે.

પૃથ્વી બગાડે પાપીઓ
પાણી બગાડે લીલ
છોકરા બીચારા શું કરે
છોકરીઓ બગાડે દીલ



ગીત ગાવુ છે પણ અવાજ મળતો નથી
તાજમહલ બનાવવો છે પણ મુમતાઝ મળતી નથી


.....અજ્ઞાત

Saturday, April 30, 2005

રંગ રંગ વાદળિયાં


મિત્રો, ઘણાં વખત પછીના અવકાશમાં એક સુંદર બાળકાવ્ય કવિ સુંદરમ્ દ્ધારા રચિત અત્રે રજૂ કરૂ છુ. આ વાચતી વખતે તમે બચપણમાં સરી પડો કે વાદળોની સફરે જઈ ચઢો તો નવાઈ ન પામતા...



હાં રે અમે ગ્યાં'તાંહો રંગના ઓવારે, કે તેજના ફુવારે;
અનંતને આરે, કે રંગ રંગ વાદળિયાં,

હાં રે અમે ઊડ્યાં; હો મોરલાના ગાણે, કે વાયરાના વહાણે;
આશાના સુકાને, કે રંગ રંગ વાદળિયાં.

હાં રે અમે થંભ્યાં,હો મહેલના મિનારે,પંખીના ઉતારે;
ડુંગરાની ધારે,કે રંગ રંગ વાદળિયાં.

હાં રે અમે નાહ્યાં,હો રંગના ઓવારે,કે તેજના ફુવારે;
કુંકુમના ક્યારે,કે રંગ રંગ વાદળિયાં.

હાં રે અમે પોઢ્યાં,છલકતી છોળે, દરિયાને હિંડોળે;
ગગનને ગોળે, કે રંગ રંગ વાદળિયાં.

હાં રે અમે જાગ્યાં,ગુલાલ ભરી ગાલે,ચંદન ધરી ભાલે;
રંગાયાં ગુલાલે,કે રંગ રંગ વાદળિયાં.

હાં રે અમે નાચ્યાં,તારાના તરંગે, રઢિયાળા રંગે;
આનંદના અભંગે, કે રંગ રંગ વાદળિયા

હાં રે અમે આવ્યાં,હો રંગ રંગ અંગે,અનંત રૂપરંગે;
તમારે ઉછંગે,કે રંગ રંગ વાદળિયાં.

'સુંદરમ્' ('Sundaram')

Friday, April 22, 2005

ગઝલ


કાજળભર્યાં નયનના કામણ મને ગમે છે
કારણ નહીં જ આપુ કારણ મને ગમે છે

લજ્જા થકી નમેલી પાંપણ મને ગમે છે
ભાવે છે ભાર મનને ભારણ મને ગમે છે

આવી ગયાં છો આંસૂ લૂછો નહીં ભલા થઈ
આ બારે માસ લીલાં તોરણ મને ગમે છે

'ઘાયલ' મને મુબારક આ ઊર્મિ કાવ્ય મારાં
મે રોઈને ભર્યાં છે એ રણ મને ગમે છે.

-અમૃત 'ઘાયલ'

Thursday, April 21, 2005

ગઝલ

મને આ જોઈને હસવું હજારો વાર આવે છે
પ્રભુ તારા બનાવેલા તને આજે બનાવે છે.

-શયદા સાહેબ

Sunday, April 17, 2005

સ્તુતિ



પ્રભો ! અન્તર્યામી ! જીવન જીવના ! દીનશરણ !
પિતા ! માતા ! બંધુ ! અનુપમ સખા ! હિતકરણ !
પ્રભા કીર્તિ, કાંન્તિ, ધન, વિભવ - સર્વસ્વ જનના !
નમુ છું, વંદું છું, વિમલમુખ સ્વામી જગતના !

પિતા છે એકાકી જડ દકલ ને ચેતન તણો,
ગુરુ છે, મોટો છે, જનકુલ તણો પૂજ્ય તું ઘણો :
ત્રણે લોકે, દેવા ! નથી તુજ સમો અન્ય, ન થશે,
વિભુરાયા ! તું થી અધિક પછી તો કોણ જ હશે ?

વસે બ્રહ્ભાંડોમા, અમ ઉર વિશે વાસ વસતો,
તું આઘેમાં આઘે, પણ સમીપમાં નિત્ય હસતો,
નમું આત્મા ઢળી, નમન લળતી દેહ નમજો,
નમું કોટી વારે, વળી પ્રભુ ! નમસ્કાર જ હજો.

અસત્યો માંહીથી પ્રભુ ! પરમ સત્યે તું લઈ જા;
ઊંડા અંધારેથી પ્રભુ ! પરમ તેજે તું લઈ જા;
મહા મૃત્યુમાંથી અમૃત સમીપે નાથ ! લઈ જા.
તું હીઃઓ હું છું તો તુજ દરસનાં દાન દઈ જા.

-ન્હાનાલાલ ("કેટલાંક કાવ્યો 2") (Nhanalal)


Tuesday, April 12, 2005

કૃષ્ણ-રાધા


આ નભ ઝૂક્યું તે કાનજી, ને ચાંદની તે રાધા રે.
આ સરવરજલ તે કાનજી, ને પોયણી તે રાધા રે.
આ બાગ ખીલ્યો તે કાનજી, ને લ્હેરી જતી તે રાધા રે.
આ પરવત-શિખર કાનજી, ને કેડી ચડે તે રાધા રે.
આ ચાલ્યાં ચરણ તે કાનજી, પગલી પડે તે રાધા રે.
આ કેશ ગૂંથ્યા તે કાનજી, ને સેંથી પૂરી તે રાધા રે.
આ દીપ જલે તે કાનજી, ને આરતી તે રાધા રે.
આ લોચન મારાં કાનજી, ને નજરું તે રાધા રે !

-પ્રિયકાંત મણિયાર (Priyakant Maniyar)

આ ગીત સાંભળવા અહીં ક્લીક કરો.


Sunday, April 10, 2005

મીઠી માથે ભાત

આ કાવ્ય અંગ્રેજ કવિ વડ્ઝવર્થના 'લ્યુસી ગ્રે' નામના અંગ્રેજી કાવ્ય પરથી લખાયુ છે. બરફનું તોફાન આવવાનું હતું એટલે શહેરમાં ગયેલી માતા માટે ફાનસ લઈને નીકળેલી લ્યુસી બરફનાં તોફાનમાં સપડાઈને મૃત્યુ પામી. આ કાવ્યમાં મીઠી પિતા માટે ભાત લઈને ખેતરે જવા નીકળે છે ને વાઘ એને મારી નાખે છે તેમ બતાવ્યુ છે.

કરૂણરસથી સભર આ કાવ્ય ખરેખર બે ઘડી તમને વિશાદની ગર્તામાં લઈ જશે.


મૂળ અંગ્રેજી કાવ્ય વાચવા માટે અહી કલીક કરો.


(દોહરો)

ડુંગર કેરી ખીણમાં, ગાંભુ નામે ગામ,
ખેતી કરતો ખંતથી પટેલ પાંચો નામ,
સીમ થકી છેટી હતી વાડી એક વિશાળ,
ભોંય બધી ભગરી અને રૂડી અધિક રસાળ.
નવાણ છે નવ કોસનું, ફરતાં જંગી ઝાડ,
રોપી તેમાં શેલડી, વાધ્યો રૂડો વાઢ.
પટલાણીએ પુત્રનું મુખ દીઠું છે માંડ,
મીઠી ઉંમર આઠની બહેન લડાવે લાડ.
શિયાળો પૂરો થતાં પાક્યો પૂરો વાઢ,
વાઘ, શિયાળ, વરુ તણી રહેતી વગડે રાડ.
કેળ સમી સૌ શેલડી ઝૂકી રહી છે ઝુંડ,
રસ મીઠાની લાલચે ભાંગે વાડો ભૂંડ.
ચિચોડો બેસાડવા પાંચે કરી વિચાર,
બાવળનાં નથ-બૂતડી તુર્ત કર્યા તૈયાર.
સોંપ્યુ સાથી સર્વને બાકી બીજું કામ,
સાધન ભેળું સૌ થવા તવા-તાવડા ઠામ.
પટલાણી પેખી રહી પટેલ કેરી વાટ,
રોંઢાવેળા ગઈ વહી પડતું ટાઢું ભાત.

(ભુજંગી)

કહે મા, 'મીઠી લે હવે ભાત આપું,
કીકો લાવ મારી કને, જા તું બાપુ.'
હજી ઘેર આતા નથી તુજ આવ્યા,
ભૂખ્યા એ હશે વાઢ-કામે થકાયા.''
ભલે લાવ, બા, જાઉં હું ભાત દેવા,
દીઠા છે કદી તેં ઊગ્યા મોલ કેવા ?
મીઠી કેળ-શી શેલડી તો ખવાશે,
દીઠી છે ટૂંકી વાટ જલ્દી જવાશે.'
કહી એમ માથે લઈ ભાત ચાલી.
મૂકી માર્ગ ધોરી, ટૂંકી વાટ ઝાલી.

(દોહરો)

વહી જાય છે વેગમાં મીઠી ભરતી ફાળ,
ગણે ના કાંટા કાંકરા, દોડે જેમ મૃગબાળ.
ડુંગર ઝાડી ગીચમાં કોડે કૂદતી જાય,
સામો વાઢ ઝઝૂમતો જોતાં તે હરખાય.
હમણાં વાડી આવશે, હમણાં આપું ભાત,
એમ અધિક ઉતાવળી દોડી મળવા તાત.
બખોલમાંથી બહાર ત્યાં વાઘ ધસ્યો વિકરાળ
થપાટ પાછળથી પડી, બાળા થઈ બેહાલ.
ભાત ઓઢણી તો રહ્યું ઝરડામાં જકડાઈ,
મીઠી બાળા મોતના પંજામાસપડાઈ.
વાઘ ઉપાડી ક્યાં ગયો ? કુદરતમાં કકળાટ !
વૃક્ષ ઊભાં વીલાં બધાં, સૂ ની બની સૌ વાટ !
સાંજ વહી સૂનકારમાં ઓઢીને અંધાર,
રાત રડે છે રાનમાં આંસુડે ચોધાર.
પહોચી ઘર પાંચો કરે 'મીઠી ! મીઠી !' સાદ :
'મારે તો મોડું થયું, રોંઢો ન રહ્યો યાદ.'
પટલાણી આવી કહે : 'મેલી છે મેં ભાત,
મળી નથી તમને હજી ? રોકાણી ક્યાં રાત ?'
મળી નથી મીઠી મને મારગ ધોરી વાટ,
કહાં ગોત કરવી હવે ? ગઈ હશે પગવાટ !
બની ગયાં એ બાવરાં બંને મા ને બાપ,
ગયાં તુર્ત તે ગો તવા કરતાં કંઈ સંતાપ.
નભથી ચાંદો નીરખી વિલાય ફિક્કુ મુખ,
ઝાંખા સર્વે ઝા ડવાં, દારુણ જાણ એ દુ:ખ.
'મીઠી ! મીઠી !' પાડતાં બૂમ ઘણી માબાપ,
જવાબ પાછો ના મળે તેથી કરે વિલાપ.
પળતાં આગળ પગ મહીં અટવાયું કંઈ ઠામ,
તે તો ઘરની તાંસળી, ભાત તણું નહિ નામ.
ખાલી આ કોણે કરી ? હશે સીમના શ્વાન ?
મીઠી કાં મેલી ગઈ ? - બોલે નહિ કંઈ રાન.
વળી પગે અટવાય છે ઝરડું, નીચે જોય,
મીઠી કેરી ઓઢણી -પોકેપોકે રોય.
'હા ! મીઠી, તું ક્યાં ગઈ? આ શું - ઝમે રુધિર !'
ઉત્તર એનો ના મળે : બધુંય વિશ્વ બધિર !
નિરાશ પાછા એ વળ્યાં કરતાં અતિ કકળાટ,
'મીઠી ! મીઠી !' નામથી રડતાં આખી વાટ.
વાઢ ગયો વેચાઈને વીતી ગઈ છે વાત,
તો પણ દેખા દે કદી મીઠી માથે ભાત


-વિઠ્ઠલરાય આવસત્થી ( Vitthalray Avasthi )


Friday, April 08, 2005

મુક્તક

મિત્રો, ઘણી જ વ્યસ્તતાને લીધે વચ્ચે બે-ત્રણ દિવસ ખાલી ગયા તેનો ખેદ છે, પરંતુ આજે પ્રથમ દુહા બાદ એક સરસ મુક્તક અત્રે રજૂ કરી રહયો છુ, આશા રાખુ કે તમને બધાને પસંદ પડશે.



પીળાં પર્ણૉ ફરી નથી થતાં કોઈ કાળે જ લીલાં;
ભાંગ્યાં હૈયાં ફરી નથી થતાં કોઈ કાળે રસીલાં.


રમણભાઈ નીલકંઠ ("રાઈનો પર્વત" માંથી) (Ramanbhai Nilkanth)

દુહા

થોડામાં ઘણુ કહી શકવાની ક્ષમતા એ દુહાની વિશેષતા છે. આપણા લોકસાહિત્યનો એ મહત્વનો અને ખૂબ પ્રચલિત એવો કાવ્યપ્રકાર છે.

પ્રથમ દુહામા પરાક્ર્મી અને વ્યક્તિઓને બિરદાવવામાં આવી છે. તેમને ઘોડા અને સિંહ સાથે સરખાવવામાં આવ્યા છે. બીજા દુહામાં ગમે તેવા સંજોગોમાં પણ વચનબદ્ધ રહેનાર શૂરવીરોની પ્રશસ્તિ કરવામાં આવી છે.

ચીલે ચીલે ગડી ચલે, ચીલે ચલે કપૂત;
પણ એ ચીલે નવ ચલે, ઘોડા, સિંહ, સપૂત.

દળ ફરે, વાદળ ફરે, ફરે નદીનાં પૂર;
પણ શૂરા બોલ્યા નવ ફરે, પશ્વિમ ઊગે સૂર.

Monday, April 04, 2005

હાઈકુ

મૂળ જાપાનીઝ કાવ્યપ્રકાર "હાઈકુ"માં પાંચ-સાત-પાંચ અક્ષરોની રચનામાં વિજળીની જેમ કોઈ મર્મસ્પર્શી ચિત્ર ઝબકી જતું હોય છે.

બારી કાચની
અંદર ફૂદું: બ્હાર
વ્યોમ વિશાળ.

- ધીરુ પરીખ (Dheeru Parikh)

આ એક ચંદ્દ્ર
સાચું કહું, માનશો ?
ઓછો પડે છે.

-અનિરુદ્ધ બ્રંહ્ભટ્ટ્ (Aniruddha Brahmbhatt)

Sunday, April 03, 2005

મને જોઈને ઊડી જતાં પક્ષીઓને

નીચેના કાવ્યમાં કવિનો પંખીપ્રેમ વ્યક્ત થયો છે. વળી, પંખી જેવાં કુદરતનાં સુંદર નિર્દોષ તત્વો તરફ મનુષ્ય જે અકારણ ક્રૂરતા આચરે છે તેથી અનુભવાતું દુ:ખ પણ અહી વ્યક્ત થયુ છે. પંખી સાથે એક્પણાનો ભાવ અનુભવવાને બદલે સત્તાના તોરથી વર્તતા લોકો માટે અહીં ખેદ વ્યકત કરાયો છે. કવિ જાણે પંખીઓને સંબોધન કરતા હોય એવી રીતે કાવ્ય લખાયુ છે. એને અનુરૂપ કવિની વાણી પણ અહીં કોમળ અને સરળ છે.


રે પંખીડા ! સુખથી ચણજો, ગીત વા કાંઈ ગાજો,
શાને આવાં મુજથી ડરીને ખેલ છોડી ઊડો છો ?


પાસે જેવી ચરતી હતી આ ગાય તેવો જ હુ છું,
ના ના કો' દી' તમ શરીરને કાંઈ હાનિ કરું હું.


ના પાડી છે તમ તરફ કૈં ફેંકવા માળીને મેં,
ખુલ્લું મ્હારું ઉપવન સદા પંખીડાં સર્વને છે.


રે ! રે ! તોયે કુદરતી મળી ટેવ બ્હિવા જનોથી,
છો બ્હિતાં તો મુજથી પણ સૌ ક્ષેમ તેમાં જ માની


જો ઊડો તો જરુર ડર છે ક્રૂર કો' હસ્તનો, હા !
પા'ણો ફેંકે તમ તરફ, રે ! ખેલ એ તો જનોના !

દુ:ખી છું કે કુદરત તણા સામ્યનું ઐકય ત્યાગી,
રે રે ! સત્તા તમ પર જનો ભોગવે ક્રૂર આવી.


-સુરસિંહજી તખ્તસિંહજી ગોહીલ (કલાપી) (Kalapi)

Thursday, March 31, 2005

જોડકણુ

ગુજરાતી સાહિત્યમાં જોડકણાનુ આગવુ મહત્વ છે. આવુ જ એક સુંદર મજાનુ જોડકણુ આજે અત્રે પ્રસ્તુત છે. ગુજરાતી પરિવારમાં જન્મેલા લગભગ દરેક બાળકે આ જોડકણુ એક વાર તો સાંભળ્યું હશે જ...જો કે આજના અંગ્રેજી માધ્યમમાં ભણતા બાળકોએ કદાચ આ જોડકણુ ના પણ સાંભળ્યું હોય...

વારતા રે વારતા
ભાભો ઢોર ચારતા,
ચપટી બોર લાવતા,
છોકરાવ સમજાવતા,
એક છોકરો રિસાયો,
કોઠી પાછળ ભીંસાયો,
કોઠી પડી આડી,
છોકરાએ ચીસ પાડી,
અરરર... માડી

Tuesday, March 29, 2005

દીલ તમોને...

દિલ તમોને આપતાં આપી દીધું
પામતાં પાછુ અમે માપી લીધું
માત્ર એક જ ક્ષણ તમે રાખ્યું છતાં
ચોતરફથી કેટલું કાપી લીધું!

-મનહર મોદી (Manhar Modi)

Sunday, March 27, 2005

દીકરી વ્હાલનો દરિયો...

લીલુડા પાંદડાની ઉછળતી વેલ
હવે કંકુ ના પગલા દૈ ચાલી
રાખડી ના તાંતણે બાંધેલુ ફળીયુ
હવે લાગે છે સાવ ખાલી ખાલી

દીકરી નો માંડવો જો સૂરજ ને ઘેર હોત
તો જાણત અંધારૂ શી ચીઝ છે
ફાલ ના આંબામાં જે પાંદડા ઝુલે
એની ભીત્તર કૈ મમતાનું બીજ છે?

ધીમા પગલા થી ઉમ્બરો ઓળંગતી
આંસુ ની આંગળી ને ઝાલી
લીલુડા પાંદડાની ઉછળતી વેલ
હવે કંકુ ના પગલા દૈ ચાલી

દીકરી વળાવતા એવો રીવાજ
કે તળાવ સુધી તો હાર્યે જાવુ
ઊઘળતી જાન તને આંખ્યુ તો દરીયો !
કહે તળાવ સુધી વળાવા આવુ?

જાગરણ ની રાતે તુ રમતી જે રાસ
એની ખોવાઈ ગયી છે ક્યાંય તાલી

લીલુડા પાંદડાની ઉછળતી વેલ
હવે કંકુ ના પગલા દૈ ચાલી

-અનિલ જોષી

Thursday, March 24, 2005

તું અહીંયાં રમવા આવ મઝાની ખિસકોલી - બાળગીત

તું અહીંયાં રમવા આવ મઝાની ખિસકોલી
તું દોડ તને દઉ દાવ મઝાની ખિસકોલી

તું કેવી હસે ને રમે મઝાની ખિસકોલી
તારા કૂદકાતો બહુ ગમે મઝાની ખિસકોલી

તું જ્યારે ખિલખિલ ગાય મઝાની ખિસકોલી
તારી પૂંછડી ઊંચી થાય મઝાની ખિસકોલી

તારે અંગે સુંદર પટા મઝાની ખિસકોલી
તારી ખાવાની શી છટા મઝાની ખિસકોલી

તું ઝાડે ઝાડે ચડે મઝાની ખિસકોલી
કહે કેવી મઝા ત્યાં પડે મઝાની ખિસકોલી

બહુ ચંચળ તારી જાત મઝાની ખિસકોલી
તું ઉંદરભાઈની નાત મઝાની ખિસકોલી

તું અહીંયાં રમવા આવ મઝાની ખિસકોલી
તું દોડ તને દઉ દાવ મઝાની ખિસકોલી


-ત્રિભુવનભાઈ વ્યાસ (Tribhuvanbhai Vyas)

Wednesday, March 23, 2005

ને તમે યાદ આવ્યાં

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં,
જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ,
એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં.

ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં,
જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ,
એક તારો ટમકયો ને તમે યાદ આવ્યાં.

જરા ગાગર ઝલકી ને તમે યાદ આવ્યાં,
જાણે કાંઠા તોડે છે કોઈ મ્હેરામણ રામ,
સ્હેજ ચાંદની છ્લકી ને તમે યાદ આવ્યાં.

કોઈ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં,
જાણે કાનુડાના મુખમાં ભ્રમાંડ દીઠું રામ,
કોઈ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યાં.

કોઈ આંગણ અટક્યુ ને તમે યાદ આવ્યાં,
જાણે પગરવની દુનિયામાં શોરે થયો રામ,
એક પગલુ ઊપડ્યું ને તમે યાદ આવ્યાં.

-હરિન્દ્ર દવે (Harindra Dave)

આ ગીત સાંભળવા અહીં ક્લીક કરો.

Tuesday, March 22, 2005

દેશભકત જગડુશા

વાચકમિત્રો, આજે પહેલી વાર કાવ્ય રચનાનાં બદલે નાટ્ય રચના રજૂ કરી રહ્યો છુ. પ્રતિભાવ જણાવશો.





લેખક - રમણલાલ સોની
દેશભકત જગડુશા
સ્થળ : પાટણ
પાટણના રાજા વિશળદેવનો દરબાર
[ રાજા વિશળદેવ દરબાર ભરીને બેટા છે , પણ સૌનાં મોં ઉદાસ છે . આખાયે દરબારમાં જાણે
નિરાશાની ઘેરી છાયા ફરી વળેલી છે . રાજાની સામે રાજજોષી ટીપણું પહોળું કરીને બેઠા છે . તે આંગળીના
વેઢા પર આંકડા માંડે છે . ]
રાજા : તે જોષીજી , આ વર્ષેય વરસાદ નથી શું ?
જોષી : મહારાજ , મને થાય છે કે કાળવાણી ઉચ્ચારતાં મારી જીભ કપાઈ કેમ નથી જતી ?
રાજા : સમજી ગયો ! હું સમજી ગયો ! જોષી , હવે બોલવાની જરૂર નથી .
[ એટલામાં બહારથી ઘણા લોકોનો પોકાર સંભળાય છે : " અમને ખાવાનું આપો ! અમને
જિવાડો ! અમે મરી જઇએ છીએ ! " ]
રાજા : મારી રાંકડી રૈયત ભૂખે મરે છે ! હવે તો એક આશા જગડુશાની રહી છે . પ્રધાનજી એમને
તેડી લાવવા કચ્છ ગયા છે . આજકાલમાં આવી જવા જોઇએ .
દરવાન : [ પ્રવેશી , રાજાને પ્રણામ કરી ] મહારાજ ! કચ્છના શાહ સોદાગર શેઠ જગડુશા પધાર્યા છે .
પ્રધાનજી પણ સાથે છે .
રાજા : [ એકદમ ઉત્સાહમાં આવી ] એકદમ , એકદમ એમને અંદર લઇ આવ !
દરવાન : [ નમ્રતાથી ] મહારાજ , પ્રધાનજીએ કહેવડાવ્યું છે કે શેઠ જગડુશા શાહ સોદાગર છે . તેમનો
સત્કાર કરવા આપ પોતે -
રાજા : સમજ્યો , સમજ્યો ! એમના સત્કાર માટે મારે જ સામા જવું જોઇએ . પ્રધાનજીની વાત સાચી છે !
[ રાજા ગાદી પરથી ઉભો થઇ જાય છે . આખી કચેરી ઊભી થઇ જાય છે . પછી રાજા જગડુશાનો
સત્કાર કરવા પ્રવેશદ્વાર ભણી જાય છે . સામેથી પ્રધાન જગડુશાને લઇ આવે છે . જગડુશાને જોઇ
રાજા ઝડપથી પગલાં ભરી એની સામે જાય છે , તેવી જ રીતે જગડુશા પણ ઝડપ કરે છે . બન્ને
એકબીજાને વહાલથી ભેટે છે . પછી રાજા જગડુશાનો હાથ પકડી રાજગાદી તરફ દોરી જાય છે , અને
પોતાની જોડે જ ગાદી પર તેમને બેસાડે છે . બન્નેના બેઠા પછી પ્રધાન અને દરબારીઓ
પોતપોતાનાં આસન પર બેસે છે . ]
જગડુશા : મહારાજ , ઓચિંતાનો કેમ યાદ કર્યો મને ?
રાજા : સુખદુ:ખની વાતો કરવા , શેઠજી ! ગુજરાતમાં આજે ત્રણ વરસથી કારમો દુકાળ ચાલે છે !
જગડુશા : એકલા ગુજરાતની કાં વાત કરો ? આખા હિંદુસ્થાનમાં આજે દુકાળ છે . સિંધ , મેવાડ માળવા ,
કાશી અને ઠેઠ કંદહાર લગી આજે લોકો ભૂખે મરે છે અને પાનખરમાં પાંદડાં ખરે તેમ ખરે છે .
વખત એવો બારીક છે કે ભલભલાની લાજ જવાનો વખત છે . સાત ખોટના દીકરાના મોંમાંથી બાપ
બટકું રોટલો કાઢી ખાય છે . મૂઠી ધાન સારૂ માબાપ છોકરાને વેચે છે ! શી ખબર શું થવા
બેઠું છે ?
રાજા : રામજી રાખશે તે રહેશે ! પણ આવે વખતે રૈયતને ટકાવી રાખવાનો રાજ્યનો ધર્મ છે .
જગડુશા : આપ સરખા પ્રજાવત્સલ્ય રાજાના મોંમાં આવા જ શબ્દો શોભે . મને એ સાંભળી બહુ આનંદ થાય
છે . મેં તો સાંભળ્યું છે કે આપે આપના ધાનના કોઠાર અને ધનના ભંડાર ગરીબોને માટે ખુલ્લા
મૂકી દીધા છે !
રાજા : મૂકી દીધા હતા ; હવે તો એય ખાલી થઈ ગયા . હવે મારા ધનના ભંડાર અને અન્નના કોઠાર ખાલી~
ખમ થઈ પડયા છે અને રૈયતના પેટનો ખાડો તો હજી ઊણો ને ઊણો જ છે . ધાર્યું ' તું કે ઓણ
સાલ વરસાદ આવશે ને સૌ સારાં વાનાં થશે , પણ વરસાદ આવ્યો નહિ . અધૂરામાં પૂરું તીડ
પડયાં ! લોકો ત્રાહિત્રાહિ પોકારે છે !
[ એટલામાં બહારથી પોકાર આવે છે : " અમે મરી જઈએ છીએ , અમને જિવાડો , અમને જિવાડો ,
અમને અનાજ આપો ! " ]
જગડુશા : [ બહારનો પોકાર સાંભળી ] ભૂખ્યાં ગળાંમાંથી પૂરો અવાજ પણ નીકળતો નથી !
રાજા : વસ્તીનું દુઃખ એ મારું દુઃખ છે , પણ નિવારણનો કોઈ રસ્તો મને દેખાયો નહિ , ત્યારે હું
મૂંઝાયો . એવે વખતે તમે યાદ આવ્યા !
જગડુશા : [ નવાઈ પામી ] હું યાદ આવ્યો ? કેવી રીતે ?
રાજા : મારા સાંભળવામાં આવ્યું છે કે પાટણમાં જગડુશાની માલિકીની કેટલીક અનાજની વખારો છે !
જગડુશા : જગડુશાની માલિકીની કોઈ અનાજની વખારો ? મહારાજ , આપની કંઈક ભૂલ થાય છે . મારી
માલિકીની કોઈ અનાજની વખાર મેં પાટણમાં કે કોઈ શહેરમાં આજે રાખી જ નથી .
રાજા : તો અમે સાંભળ્યું એ શું ?
જગડુશા : કંઈક સમજફેર થઈ હશે , મહારાજ ! કારણ કે વખારો મારી ખરી ને ?
રાજા : [ નવાઈ પામી ] વખારો આપની છે અને છતાં એ આપની માલિકીની નથી , એમ આપનું
કહેવું છે ?
જગડુશા : વાત એમ છે કે વખારો મારી છે એ વિશે કંઈ શંકા નથી !
રાજા: અને એ વખરોમાનું અનાજ ?
જગડુશા : એ અનાજ મારું નથી .
રાજા : [ હતાશ બની જઈ ] એ અનાજ તમારું નથી ? તો શું તમે એ કોઈને દઈ દીધું છે ?
કોને દીધું ? કયારે દીધું ? હું તમને એના મોં માગ્યા દામ આપત !
જગડુશા : એ અનાજ મારું નથી , એ નિશ્ચિત છે . મેં કોને દીધું અને કયારે દીધું એ જાણવું હોય તો
એમ કરો ને , એ વખારો ખોલાવી એની તપાસ કરાવો ને ?
રાજા : એમ કેવી રીતે ખબર પડશે ?
જગડુશા : એમ જ ખબર પડશે . દરેકેદરેકે વખારની અંદર ભીંતપત્ર પર તાંબાપતરામાં લેખ લખાવીને
જડાવેલો છે . તેમાં એ અનાજના માલિકનાં નામઠામ બધું લખેલું છે !
રાજા : ઠીક છે , ઠીક છે , ! હું એ માલિકની પાસે જઇશ . મારી રાંકડી પ્રજાની ખાતર એને કરગરીશ
ને કહીશ કે સુકાળ થયે તને એકેએક દાણા સાટે મોતી ગણીને આપીશ . પણ આજે મારી પર
આટલી દયા કર !
જગડુશા : જે રાજાના દિલમાં રૈયતનાં સુખદુઃખનો આવો ખ્યાલ છે તેને અનાજ જરૂર મળી રહેશે .
રાજા : મળી રહેશે ? કોટવાલજી , જાઓ વખારો ઉઘાડો અને લેખ અહીં લઈ આવો !
કોટવાલ : જેવી આજ્ઞા , મહારાજ ! [ જવાનું કરે છે ]
જગડુશા : મહારાજ ! આપે આટલી તકલીફ લેવાની કંઈ જ જરૂર નથી ! હમણાં જ મારા માણસ લેખ
લઈને અહીં આવશે . મેં કયારનાયે તેમને ત્યાં મોકલી દીધા છે .
[ એટલામાં હાથમાં તાંબાપતરું લઈને એક માણસ સભમાં દાખલ થાય છે . બધા તેની સામે
જોઈ રહે છે . પહેલાં એ રાજાને અને પછી જગડુશાને પગે લાગે છે અને પતરું જગડુશાના
હાથમાં મૂકે છે . જગડુશા એ પતરું રાજાના હાથમાં મૂકે છે . ]
રાજા : આ જ એ લેખ ?
જગડુશા : હા , મહારાજ ! પંડિતજી પાસે એ વંચાવો .
રાજા : પંડિતજી , લો આ લેખ વાંચો .
[ પંડિતજી ઊભા થઈને આગળ આવે છે , ઉઘાડા ડિલ પર ઉપરણો અને માથે પંડિતશાહી
પાઘડી શોભે છે . રાજાની સામે આવી પ્રણામ કરી પતરું હાથમાં લે છે . ]
પંડિત : [ પતરું વાચે છે ] મહારાજ , સાંભળો . આમાં લખ્યું છે કે આ વખાર જગડુશાની છે , પણ
વખારમાંનું બધું અનાજ એનાં ભૂખે મરતાં ગરીબ ભાઈભાંડુઓનું છે . દેશની ભૂખે મરતી વસ્તી
આ અનાજની માલિક છે . એના એક દાણા પર પણ જગડુશાનો હક નથી !
[ આખી સભા આ સાંભળી ઘડીભર સ્તબ્ધ બની જાય છે . પછી કળ વળતાં બધા
` વાહવાહ ' પોકારે છે . ' ]
રાજા : વાહ , જગડુશા વાહ ! [ ઊભો થઈ જઈ જગડુશાને ભેટી પડે છે . ] તમે તો કહેતા હતા કે
અનાજ તમારું નથી ?
જગડુશા : તો મારું કયાં છે ? એ તો ગરીબોનું છે . આ અનાજમાંથી એક દાણોય લેવાનો મને હક
નથી !
[ એટલામાં બીજો માણસ હાથમાં પતરું લઈને આવી પહોંચે છે . તે રાજાને તથા જગડુશાને
પગે લાગી લેખ જગડુશાના હાથમાં મૂકે છે . જગડુશા તે રાજાને સોંપે છે . રાજા પંડિતને આપે
છે . ]
પંડિત : [ બીજો લેખ વાંચે છે ] મહારાજ , સાંભળો , હવે હું બીજું વખારનો લેખ વાંચું છું . આમાં
લખ્યું છે : આ વખાર
જગડુશાની છે . પણ વખારમાંનું બધું અનાજ એનાં ભૂખે મરતાં ગરીબ ભાઈભાંડુઓનું છે .
દેશની ભૂખે મરતી વસ્તી આ અનાજની માલિક છે . એના એક દાણા પર પણ જગડુશાનો
હક નથી !
[ આખી સભા ` વાહવાહ ' પોકારે છે . રાજા ફરી જગડુશાને ભેટી પડે છે . એવામાં ત્રીજો
માણસ સભામાં પ્રવેશે છે . તેના હાથમાં પણ તાંબાપતરું છે . પહેલાંની પેઠે તે પતરું
પણ જગડુશાના અને રાજાના હાથમાં થઈને પંડિતના હાથમાં આવે છે . ]
પંડિત : હવે ત્રીજી વખારનો લેખ સાંભળો : આ વખાર જગડુશાની છે પણ એના પર પણ જગડુશાનો
હક નથી ! દેશની ભૂખે મરતી વસ્તી આ અનાજની માલિક છે .
રાજા : વાહવાહ ! વાહવાહ !
[ આખી સભા આનંદનો જયઘોષ કરે છે . ]
રાજા : જગડુશા , આવી તમારી કેટલી વખારો છે ગામમાં ?
જગડુશા : ચાલીસેક હશે , મહારાજ !
રાજા : ચાલીસ વખારો ? ત્યારે તો મારી પ્રજા જીવી ગઈ અને હુંયે જીવી ગયો ! જયાં લગી
ગુજરાતમાં તમારા જેવા ઉદાર શ્રેષ્ઠીઓ છે , જગડુશા ! ત્યાં લગી ગુજરાતના રાજયને કોઈ
આંચ આવવાની નથી !
[ ત્યાં તો એક સાથે અનેક માણસો હાથમાં તાંબાપતરા લઈ સભામાં પ્રવેશે છે . અને એમને
જોઈ આખી સભા આનંદના આવેશમાં આવી ઊભી થઈ જયનાદ પોકારે છે . ]
આખી સભા : ગુજરાતનો રાજા ઘણું જીવો ! ગુજરાતનો શાહ સોદાગર ઘણું જીવો ! ગુજરાતનું રાજય
અમર રહો !
( પડદો )