Thursday, December 15, 2016

ભાવો ને મારા શબ્દ વહાણે વહેવા દો

ભાવો ને મારા શબ્દ વહાણે વહેવા દોહ​વે રોકો ના કોઇ આજ મને બસ કહેવા દો,
કહો.....
આ આંખો તારી તુજ અંતર દ્વાર​મળી આંખો તો દીલ માં ખૂપી કટાર​,
એ મારકણુ હળ​વુ શું સ્મીત​એ આમંત્રણ ની અનોખી રીત​.
મેં માર્યા ટકોરા દીલ ના દ્વારેઅને કહ્યુ કે મારી બનાવ​વી તને મારે.
પછી પ્રિતી ના વાદળ વરસ્યા હતાનાં કોઈ મનોરથ તરસ્યા હતા.
કહે કોણે ફૂંક્યો શું મંતર​અને ક્યાંથી આવ્યુ આ અંતર​?
પછી સ્વપ્નો બધા રોળાઈ ગયાને વિરહ ના વિષ ઘોળાઈ ગયા.
ત્યાં આંખો માં આંસુ નુ પુર​પણ મન માં આ શેનું છે ગુરૂર​?
અહી કાગળ પર નીતરે છે મન​પણ સૂકૂ સૂકૂ છે જીવન​.
                                                                         - શ્રેયસ  મન​.

Saturday, November 10, 2007

શુભ દિપાવલી અને નૂતન વર્ષાભિનંદન




વ્હાલા વાંચકમિત્રો,



દિપોત્સવી પર્વ અને નવા વર્ષનાં આ શુભ દિવસોમાં મારી હાર્દિક મંગળ શુભેચ્છાઓ પાઠવુ છું.




સાલ મુબારક


સાલ મુબારક


મારા તમને


વ્હાલ મુબારક




-સિદ્ધાર્થ શાહ


Wednesday, June 27, 2007

પછી

આ બ્લોગનાં વાંચકમિત્રોને ખ્યાલ હશે કે અમુક વિષયની કવિતાઓ મને ખરેખર પ્રિય છે. ક્ન્યાવિદાયની કવિતાઓ પ્રત્યે મને વિશેષ માયા છે, કારણ કે મારે એક દિકરી છે. આપણા ગુજરાતી સાહિત્યમાં કન્યાવિદાયનાં પ્રસંગને કવિઓએ ખરેખર કરૂણરસથી કાગળનાં પન્ને ઉતાર્યો છે, એમાની એક આ સુંદર રચના અત્ર પ્રસ્તૂત કરી રહ્યો છું.

સિદ્ધાર્થ




દાદાના આંગણામાં કોળેલા આંબાનું કૂણેરું તોડ્યું રે પાન,
પરદેશી પંખીનાં ઊડ્યા મુકામ પછી માળામાં ફરક્યું વેરાન !

ખોળો વાળીને હજી રમતાં'તા કાલ અહીં,
સૈયરના દાવ ન'તા ઊતર્યા;

સૈયરનાપકડીને હાથ ફર્યા ફેર-ફેર -
ફેર હજી એય ન'તા ઊતર્યા;

આમ પાનેતર પહેર્યુને ઘૂંઘટમાં ડોકાયું
જોબનનું થનગનતું ગાન !

દાદાના આંગણામાં કોળેલા આંબાનું કૂણેરું તોડ્યું રે પાન,

આંગળીએ વળગેલાં સંભાર્યા બાળપણાં,
પોઢેલાં હાલરડાં જાગ્યાં;

કુંવારા દિવસોએ ચોરીમાં આવીને
ભૂલી જવાનાં વેણ માગ્યાં !

પછી હૈયામાં, કાજળમાં, સેંથામાં સંતાતુ
ચોરી ગયું રે કોક ભાન !

પરદેશી પંખીનાં ઊડ્યા મુકામ પછી માળામાં ફરક્યું વેરાન !

માધવ રામાનુજ (Madhava Ramanuj)

Tuesday, June 26, 2007

આવકારો મીઠો આપજે

તારે આંગણિયે કોઈ આશા કરીને આવે રે,
આવકારો મીઠો...આપજે રે જી...

તારે કાને કોઈ સંકટ સંભળાવે રે, બને તો થોડું...
કાપજે રે જી...

માનવીની પાસે કોઈ... માનવી ન આવે...રે...,
તારા દિવસની પાસે દુ:ખિયાં આવે રે - આવકારો મીઠો...
આપજે રે...જી...
કેમ તમે આવ્યા છો ? ...એમ નવ કે'જે રે...,
એને ધીરે એ ધીરે તું બોલવા દેજે રે - આવકારો મીઠો...
આપજે રે...જી...

વાતું એની સાંભળીને... આડું નવ જોજે... રે...,
એને માથું એ હલાવી હોંકારો દેજે રે - આવકારો મીઠો...
આપજે રે...જી...

'કાગ' એને પાણી પાજે.. સાથે બેસી ખાજે...રે....,
એને ઝાંપા એ સુધી તું મેલવા જાજે રે - આવકારો મીઠો...
આપજે રે...જી...


-દુલા ભાયા 'કાગ' (Dula bhaaya 'Kaag')

Sunday, May 13, 2007

એક કવિતા

આજે અમદાવાદનાં ભૂમિ બહેને મોકલાવેલ કવિતા રજૂ કરૂ છું, આશા રાખુ કે વાંચક મિત્રોને પસંદ પડશે.

સિદ્ધાર્થ



નયનથી જો મળે નયન બે ઘડી,
દિલમાં કોઈના ઉતરાય છે.

આંખો હોય જો કોઈની દર્પણ સમી,
અંતરના બધા ભેદ કળાય છે.

અંશ મળે જો એ નેત્રોમાં પ્રેમ તણો,
કઈક સરિતાઓનાં વ્હેણ રચાય છે.

જાત હશે જો એ કોઈ પરમ તણી,
વાત દરિયાની કરી છલકાય છે
.
પામી એ સરીતા પંથ સાગર ભણી,
જો જો તો ખરા કેવી મલકાય છે.

-ભૂમિ (Bhoomi)

Saturday, April 28, 2007

તું છે મારી અંદર તેથી -

તું છે મારી અંદર તેથી ભર્યો-ભર્યો હું લાગું !
તું લીલોછમ અંદર તેથી હર્યોભર્યો હું લાગું !

તારું છે પાતાળ, એથી તો ખરા ઉનાળે પાણી;
તારી એવી ફૂંક - વાંસમાં ફૂંટે મીઠી વાણી;
તારો છાંયો મળ્યો એટલે ઠર્યોઠર્યો હું લાગું !

તારી આંખે સૂર્ય એથી તો દિવસ થઈ સૌ દેખું;
રાતે તારે દેવે મારું પગલું પડતું પેખું;
તારી છોળે છોળે તટ પર તર્યોતર્યો હું લાગું !

તું છે મારા પર્ણે પર્ણે, તું છે મારા મૂળમાં;
તારો અઢળક રંગ ઊઘડે અહી આ દરેક ફૂલમાં;
તારી મઘમઘ લ્હેરે બધે જ ફર્યોફર્યો હું લાગું !

-ચંદ્રકાંત શેઠ (Chandrakant Sheth)

Sunday, April 08, 2007

વિપર્યય

પિતા જ્યારે હોતા નથી
અને મા વધારે વૃદ્ધ થતી જાય છે
ત્યારે એની આંખમાંથી પ્રશ્ન ડોકાયા કરી છે :
'આ પુત્ર મને સાચવશે ખરો ?'
પણ એ પ્રશ્ન શબ્દ બનીને હોઠ ઉપર નથી આવતો.


આ એ જ મા
જેણે મને ફૂલની જેમ સાચવ્યો,
જે મારાં પગલાં પાછળ પાછળ અધ્ધર ટીંગાઈ રહેતી -
હું મોટો થઈને ટટ્ટાર ઊભો રહ્યો ત્યાં સુધી,


આ એ જ મા
જે મીઠાં હાલરડાંના ઘેનમાં મને ડુબાવી પછી જ સૂતી,
આજે એ ઊંઘમાંથી ઝબકી ઝબકીને જગી ઊઠે છે -
પણ બોલતી નથી.
એના ધ્રૂજતા હાથમાંથી વારેવારે એક શંકા છટકી જાય છે
કે દીકરાનો હાથ એને દગો દેશે તો ?

હું એને ટેકો આપી શકે એવું ક્શું જ કહી નથી શકતો.
ફક્ત
મને મારા હાથ
કાપી નાખવાનું મન થાય છે.

-વિપિન પરીખ (Vipin Parikh)